114 બોદલેર

મારા દીન એકલવાયા આત્મા, આજે રાતે તું શું કહેશે? મારું અત્યાર સુધી કરમાઈ ગયેલું હૃદય, તું શું કહેશે? સર્વસુન્દર, સૌથી વહાલી, જેના દૃષ્ટિપાતથી હું ફરી મહોરી ઊઠ્યો છું એવી મારી એ પ્રિયતમાને તું શું કહેશે?

આપણે આપણા અભિમાન પાસે એની પ્રશંસાનાં ગીત ગવડાવીશું; એના નમ્ર પ્રભાવની તોલે કશું આવી શકે નહિ. એની મર્મકાયામાંથી દૈવી સૌરભ લહેરાયા કરે છે; એ દૃષ્ટિ આપણને પ્રકાશનાં વસ્ત્રોથી ભૂષિત કરી દે છે.

જ્યારે જ્યારે હું અન્ધકારમાં કે એકાન્તમાં હોઉં કે જનસંકુલ માર્ગ પર હોઉં, એની છબિને જ્યોતની જેમ હવામાં થરકતી જોઉં છું.

કોઈક વાર એ બોલે છે ને કહે છે: હું સુન્દર છું, ને મારા પ્રેમને ખાતર તમે કેવળ સુન્દરને જ ચાહો એવો આદેશ કરું છું; કારણ કે હું તમારી રક્ષક દેવતા છું, તમારી કવિતા છું ને તમારી ધાત્રી છું.

એતદ્: એપ્રિલ, 1978


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.