171 મને થતું કે

 

તારા બધા સાંભરીને નભેથી

કો તુંબડીમાં ભરી કાંકરા શા

જરા મજેથી ખખડાવી જોઉં;

 

ફુગ્ગો રૂપેરી શશીનો ફૂલ્યો આ,

તેમાં જરા નાનું શું છિદ્ર પાડી

હવા બધી રોફની કાઢી નાંખું;

 

હઠાવીને આ બુરખો સુનેરી

જોઈ લઉં સૂર્યની સાચી જે છબી

ને પોલ એની બધી બહાર પાડું!

સમુદ્ર કો ઠોઠ નિશાળિયા શો

ગોખ્યા કરે એકની એક વાત

એને દઉં અક્કલ, શીખવું નવું!

 

પુષ્પોતણા કાનમહીં કહી દઉં;

આ રંગગંધે નહિ ભોળવાશો,

ક્રાન્તિતણા રે ધ્વજ છો તમે તો!

 

મને થતું કે –

જોઉં તને ત્યાં અહ શો દયામણો

આ સાંભળીને તુજ થાય ચ્હેરો!

તેથી બધી ગમ્મત માંડી વાળું

ને હાથ જોડી તુજને પૂજ્યા કરું.

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.