120 ઝેડ. હર્બર્ટ

 

પદાર્થનો અભ્યાસ

 

1

 

સૌથી સુન્દર તે પદાર્થ

જેનું અસ્તિત્વ જ નહીં.

એ પાણી વહેવાના કામમાં નહિ આવે,

કે શહીદની ભસ્મ સાચવવાનું પાત્ર પણ એ નહિ.

એન્ટિગોનેએ એને પારણામાં ઝુલાવ્યો નથી,

એમાં કોઈ ઉંદર ડૂબી મર્યો નથી.

એને એક્કે ય છિદ્ર નથી,

એ છે નર્યો ખુલ્લો.

એને બધી બાજુથી જોઈ શકાય

એનો અર્થ એ કે

એનામાં કશું અણધાર્યું નહીં.

એની બધી રેખાની રૂવાંટી

ભેગી મળીને પ્રકાશનું ઝરણું બને.

નહીં અંધાપો

કે નહીં મરણ

જેનું અસ્તિત્વ જ નહીં

એવા આ પદાર્થને આંચકી લઈ શકે.

 

2

 

જેનું અસ્તિત્વ જ નથી તે પદાર્થ

જે સ્થાને હતો

તેને કાળા ચોરસથી ચિહ્નિત કરો

એ બની રહેશે સીધોસાદો મરશિયો

એની ચારુ અનુપસ્થિતિનો.

મર્દાનગીભર્યો ખેદ

ચતુષ્કોણમાં પુરાઈને રહેશે.

 

3

 

હવે

બધો અવકાશ

સમુદ્રની જેમ ફૂલે છે

ઝંઝાવાત

કાળા સઢ જોડે પછડાય છે

એ કાળા ચતુષ્કોણ ઉપર

હિમવર્ષાની પાંખ ચક્રાકારે ઘૂમે છે

અને આ દ્વીપ ડૂબે છે

ખારાશના પ્રાચુર્યની નીચે.

 

4

 

હવે તમને પ્રાપ્ત થાય છે

રિક્ત અવકાશ

પદાર્થના કરતાં વધારે રમણીય.

એ પાછળ જે જગ્યા મૂકી જાય છે

તેનાથી વધુ સુન્દર

એ છે જગત પહેલાંનું જગત

શ્વેત સ્વર્ગ

બધી શક્યતાઓથી સભર

તમારે અંદર જવું હોય તો

જઈ શકો

ચીસો પાડો

ઊભી આડી

વીજળીનો ઉત્તુંગ દણ્ડ

નગ્ન ક્ષિતિજને ફટકારે છે

અહીં આપણે અટકી જઈ શકીએ

આમે ય તે તમે એક જગત

તો રચી જ કાઢ્યું છે

 

5

 

અંદર ઊઘડેલી આંખના

આદેશને માથે ચઢાવો

ગણગણાટ, બડબડાટ કે સિસકારના પ્રલોભનને

વશ થશો નહિ

એ છે અસજિર્ત વિશ્વ

તમારા ચિત્રફલકના દ્વાર આગળ ટોળે વળીને ઊભું છે.

દેવદૂતો

વાદળના ગુલાબી ઢગ આપે છે

વૃક્ષો જ્યાં ને ત્યાં

પ્રમાદી હરિત કેશને ઘુસાડી દે છે

રાજાઓ જાંબુડી રંગને વખાણે છે

ભૂંગળ વગાડનારને પણ

ઢોળ ચઢાવવાનો આદેશ આપે છે.

વ્હેલ પણ પોતાનું ચિત્ર અંકાય

એવું ઝંખે છે

અંદર ઊઘડેલી આંખના

આદેશને અનુસરો

કોઈને અંદર દાખલ થવા દેશો નહીં.

 

6

 

જે અસ્તિત્વમાં નથી તે પદાર્થના

પડછાયામાંથી

ધ્રુવ પ્રદેશના અવકાશમાંથી

અંદરની આંખનાં આકરાં દિવાસ્વપ્નોમાંથી

એક ખુરશી

ખેંચી કાઢો

સુંદર અને નિરુપયોગી

વેરાનમાં ઊભેલા દેવળ જેવી.

એ ખુરશી પર

એક ચોળાયેલો ટેબલક્લોથ મૂકો

વ્યવસ્થાના ખ્યાલ સાથે

સાહસના ખ્યાલને ભેળવો

ઊભાના આડા સાથે ચાલતા સંઘર્ષની વેદી આગળ

એ શ્રદ્ધાનો એકરાર બની રહો

દેવદૂતો કરતાં શાન્ત

રાજાઓ કરતાં ગર્વીલું

વ્હેલ કરતાં વધુ દળદાર

બની રહો

એનો ચહેરો અન્તિમ પદાર્થોનો બની રહો.

અમે વિનંતી કરીએ છીએ હે ખુરશી,

તું અંદરની આંખનાં ઊંડાણને

અનિવાર્યતાના ચક્ષુપટલને

મરણની કીકીને

પ્રગટ કર.

 

એતદ્: એપ્રિલ, 1979


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.