તે હવે

યાયાવર પંખીની જેમ
દૂર દૂરના અજાણ્યા પ્રદેશમાં ઊડી ગયા છે.
કોઈ વાર લાગે છે કે
પુષ્પમાં પોઢેલી પરાગના જેવો હું
સાવ હળવો થઈ ગયો છું.
તો કોઈ વાર
ધાતુવતી ધરતીની જેમ હું સ્ફીત થઈ જાઉં છું.
માંડ માંડ મારી સમતુલા જાળવી રાખું છું.
કોઈ વાર વણશોધાયેલા પૃથ્વીના કોઈ ખણ્ડના અરણ્યની
નામહીન પશુપંખીની સૃષ્ટિ જેવો
હું મારામાં જ છદ્મવેશે લપાઈને રહું છું.

હું તો માનતો હતો કે આ મારી નવી રિક્તતા
મને રુચી જશે
પણ મારા ઠાલા થયેલા અવકાશમાં
કંઈ કેટલું ય અજાણ્યું વસવા આવી ચઢે છે.
કોઈક વાર એ હોય છે માત્ર ફૂલની ખરેલી પાંખડી જેવું,
તૂટેલા દાંત જેવું,
પણ મને પરિચિત પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ
એ સહુમાં હોતું નથી,
આથી એ બધું મારામાં અવિરત
ચકરાયા કરે છે, ચકરાયા કરે છે.

જેને પાષાણ ગણીને પાષાણવત્ બોલવા જાઉં છું
તે ઉત્તર આપે છે તારાની ભાષામાં.

જેને આંખ માનીને એમાં દૃશ્યની જેમ સમાઈ જવા જાઉં છું
તે તો નીકળે છે કોઈ રાક્ષસી પંખીની પહોળી થયેલી ચાંચ.

મને લાગે છે કે રહ્યાસહ્યા મારે
મારામાંથી પૂરેપૂરા ભાગી છૂટવું જોઈએ.

પણ આ બરડ સમયના પડમાં
છિદ્ર પાડવું શી રીતે?

જાણે સાથે મળીને કાવતરું કરતો હોય તેમ
પવન આખી રાત મારી સાથે ગુસપુસ કરે છે,
પણ જ્યાં એની સાથે નાસી જવા કરું છું
ત્યાં એ કોઈ લંગડાની જેમ
મારે ખભે એનો ભાર મૂકી દે છે!
મને તો એમ કે મૌનમાં થઈને મૌનમાં
સહેલાઈથી સરકી જવાશે,
પણ મારા સહેજ સરખા સ્પર્શથી
એમાં બુદ્બુદો ઘૂઘવી ઊઠે છે!
ઇંટ, લાકડું, લોખંડ અને કાચમાં પુરાઈને રહેતો હતો
ત્યારે એ વધારે સહેલું હતું.
બારી હતી, બારણાં હતાં.
જેટલો ઘરમાં હતો, તેટલો બહાર હતો.

હવે હું વસતો નથી, મારામાં કશુંક વસે છે.
તેથી જ તો
પથ્થર નીચેની થોડી ભીનાશમાં રહેલા
જન્તુની મને અદેખાઈ થાય છે.
પણ મારી તો દશા જ જુદી છે;
મારું પગલું ચરણ વિનાનું ઠાલું છે.
એ પગલું આગળ વધે
તો ય હું તો ત્યાં ને ત્યાં!
જેને આંગળીને ટેરવે ભાંગ્યું હતું
તે એક ટીપું
હવે બ્રહ્માણ્ડ બનીને મારા પર
તોળાઈ રહે છે.

અન્યમનસ્ક બનીને પાંખડીને મસળેલી
તે આદિમ અરણ્ય થઈને મારામાં છવાઈ જાય છે.
રમતમાં ટાંકણીથી કાગળમાં કાણું પાડું છું
તો એકાએક એમાંથી ગ્રહનક્ષત્રહીન
સાત સાત આકાશ ધો ધો વહી જાય છે!
મારો હાથ મારા મુખ પર ફરે છે તો
રખેને એ મારો ચહેરો બદલી નાખે
એ બીકે હું છળી મરું છું.
આ મારું પરિચિત જળ
હવે અગ્નિ બનવાનું નાટક માંડી બેઠું છે.
કોઈ વસન્તઘેલું પ્રેમીજન
મને ઉદ્યાન માનવાની ભૂલ કરી બેસીને પસ્તાય છે.

પણ મને તો મારું એકાકીપણું
નામને ચોંટેલા વિશેષણની જેમ
બાઝી રહ્યું છે.

આ દરમિયાન રાત્રિના અન્ધકારનાં લણ્યા વગરનાં ખેતરો
વિસ્તર્યે જ જાય છે;
મારી આંખોમાં મરણ એના પડછાયાનું
માપ કાઢી રહ્યું છે;
હોવું ન-હોવુંના તાણાવાણામાં હું કશી ભાત ઉપસાવ્યા વિના
ગૂંચવાતો જાઉં છું.
એક સૂર્યની ચાવીથી બીજા સૂર્યનું તાળું
ખોલતો રહું છું.
વણઉકેલાયેલી લિપિના જેવો હું પોતે
મારા પર જ અંકાઈ ગયો છું.

ને છતાં
હવામાં સહેજ આન્દોલન થાય છે
કે તરત જ મારા હોઠ એને શબ્દરૂપે સારવી લેવા
તલસે છે;

પવન સાથેના ગુહ્ય સમ્બન્ધની વાત
હજી જળને મુખે સાંભળવી ગમે છે;

સમયના ઝીણા ટુકડા કરી કરીને ફેંકતા
ઘડિયાળને હજી હું મુગ્ધ બનીને જોયા કરું છું.

ફુગાયેલી રોટલીના પડ જેવી
આ વાસ્તવિકતાની હજી હું કવિતા રચ્યા કરું છું.

મારી હથેળીના ખાડામાં
હજી હું પ્રલયના જળને સંઘર્યા કરું છું.

ગુણાકાર ભાગાકાર કરતી મારી આંગળીઓને
હજી હું શૂન્યનો મહિમા સમજાવ્યા કરું છું.

ચીરાયેલા સઢ જેવા મારા શ્વાસને આધારે
હજી હું સાગર ઓળંગી જવાની હામ ભીડી રહ્યો છું.
એમ નથી કે ભૂલો મને નથી સમજાઈ

જેને હું મારો મહિમા સમજ્યો
તે તો
સૂર્યનું મારી સાથેનું હઠીલાપણું હતું.
જેને હું મારા શબ્દો સમજ્યો તે તો
નિર્જનતા સાથે અથડાતા અન્ધકારની છાલક હતી;
જેને હું મારો શ્વાસ સમજ્યો તે તો
ઈશ્વરના નામે વહેતી મૂકેલી અફવા હતી.
જેને હું મારો સ્પર્શ સમજ્યો તે તો
પવનની નરી અવળચંડાઈ હતી

અને છતાં

મારા જ ભારથી બેવડ વળી ગયેલા
મારા નામ સાથે
હું જીવતો રહ્યો છું.

કોઈ અપરાધી દેવાદારની જેમ
શા માટે હું આ બધો હિસાબ આપવા બેઠો છું?
પાનખરની વાસથી શ્વાસ રૂંધાઈ ગયો છે.
લોહીમાં બોડાં ઝાડના પડછાયા નાચે છે.
આંખ દરેક ખરતા પાંદડા સાથે ખર્યા કરે છે.
છતાં મારું મીંઢું હૃદય
મારાથી સંતાઈને એક ખૂણે
વસન્તની બારાખડી ઘૂંટવા બેસી ગયું છે.
મોડું મોડું પણ હવામાં એક આશ્વાસન છે:
હજી કદાચ જીવી જવાયું હોત!

ગોકળગાય જેમ ચાલતી ચાલતી
પાછળ રૂપેરી રેખા આંકતી જાય
તેમ મારી પાછળ પાછળ રૂપેરી પ્રશ્ન અંકાતો આવે છે.
કોઈ એને ઉકેલવાને ફિલસૂફીનાં થોથાંમાં દટાય
તો એ મારો વાંક?

મારી બે આંખોનાં બારણાં ઠેલીને
મને શોધતાં કોઈ ભૂલું પડે
તો એ મારો વાંક?

સમ્ભવ છે કે હજી મારામાંથી
એકાદ વૃક્ષ મહોરી ઊઠે,
એના પર એક નવું જ આકાશ
છવાઈ જાય,
અને કોઈ ફૂટતા પ્રભાતે
કોઈ નવું જ પંખી એની ડાળે ટહુકી જાય.
એથી જ તો હજી હું મારાથી
બહુ દૂર નીકળી ગયો નથી;

સાચું કહું તો પૃથ્વીનો બીજો હડદોલો
મને પાછો મારામાં પૂરેપૂરો હડસેલી દે
એવી આશા મેં છોડી નથી.
પણ એ વૃક્ષને ઊગવા માટે,
એ આકાશને વ્યાપવા માટે,
એ ટહુકાને ઝીલવા માટે,
થોડા વધુ રિક્ત તો થવું જ પડશે.
આથી જ તો મને છે રિક્તની આસક્તિ.
રિક્ત પારદર્શક
એને નવી નવી આંખો ખૂલે,
એથી જ તો આકાશમાં મૂળ નાખે
એવા જ વૃક્ષની મને માયા.

કોઈ વાર મારા શબ્દો પાછા આવશે,
કદાચ હું પોતે એમને એકદમ ઓળખી ન શકું.
અન્યમનસ્ક ભાવે એ કૂંપળોને હું તોડી પણ નાખું.
પણ એથી જે કસક થશે
એથી જે નિ:શ્વાસ સ્ફુરશે
તેના સ્પર્શને મારા હોઠ ઓળખી લેશે.
પછી શબ્દે શબ્દે વિશ્વ સારવીશ,
છોને ઈશ્વર મારી સામે હોડ બકે.
પણ એ ય સમ્ભવ છે કે શબ્દો મને શોધતા આવે
ને હું ન હોઉં.
કદાચ ઘરનાં બારીબારણાં મરી ગયાં હોય,
કદાચ તાળું ખોલતાં મારા હાથે મને દગો દીધો હોય,
કદાચ મારી ગેરહાજરીએ જ મારા ઘરમાં
કુટુમ્બકબીલો વિસ્તાર્યો હોય.

તો સમ્ભવ છે કે હું એ સરનામે નહિ મળું.

એતદ્, જાન્યુઆરી: 1979

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.