128 વોશિંગ્ટન ડેલગાડો

 

બહુ બધાં જગત

 

જુદાં જુદાં પચાસ જગત મારા ટેબલ પર પડ્યાં છે,

મારા ઓરડામાં આંટા મારે છે, નળ ખોલી નાખે છે

મારા તરફ જુએ છે અને મને બોલાવે છે

અને મારા શરીરના ટુકડાઓને એમની વચ્ચે વહેંચી લે છે.

મારા નામમાં પચાસ જણ વસે છે,

મારી મૃત માતાના પત્રો વાંચે છે.

એઓ છાપાને કાન દઈને નિરર્થક ઇતિહાસના ધબકારા સાંભળે છે,

ઇતિહાસના ઉકરડા પાસે પડેલી

એન્કોનની પીળી રેતીને પંપાળે છે,

કે પછી અનેક મુખ, નાક, ફેફસાં

ચિરકાળના વાળ અને મૂળ –

આ બધાંએ ગજબનાક બદલી નાખેલાં

પાણીને પીએ છે, ટુવાને શ્વસે છે.

દિવસની આ વેળાએ

કેળનાં પાન મારે માથે છાયા કરે છે.

એક માખી બણબણે છે અને એક નાનું વાદળ

નથી ખસતું કે નથી ગાજતું.

હું માર્ક્સ વાંચું છું ને જાણું છું

કે ઇતિહાસ એનું પુનરાવર્તન કર્યા કરે છે.

અને એ એવું ફારસ છે

જે આપણને રડાવે છે.

મારાં બાળકોનાં મુખ પરની મુદ્રાઓને હું પંપાળું છું

એઓ નવા ઉકરડાઓ વચ્ચે મરી જશે.

સિનેમામાં હું પથ્થરની જાડી દીવાલથી ઘેરાયેલાં

સાંકડાં બારણાં આગળ ટૂંટિયું વળીને પડેલા

આંખોથી અને શબ્દોથી ગૂંગળાયેલા

ઇવાનને જોઉં છું.

એ કટાર અને ઝેરથી બચી ગયો છે

કારણ કે ઇતિહાસ ફરી ફરી પુનરાવર્તન પામતું

એક ફારસ છે.

મારા ખાટલાના પાયા આગળ,

ખુરશીઓ ઉપર અને ટેબલ ઉપર

મારી ચોપડીઓનો ઢગલો પડ્યો છે.

ત્યાં મને યાદ આવે છે કે જમવાનો વખત થયો છે,

હોરેસના શબ્દો અને આ નાનું ઘર –

એટલાથી જ હું સન્તોષાઈ જવાનો નથી.

હું સમુદ્રના ઉછાળા સામે છાતી કાઢીને ઊભો રહેવાનો નથી

કે હું પવન પર સરક્યે જવાનો નથી

હું મારા ઘરમાં રહેવાનો નથી.

હું ફરી ફરી જીવ્યા કરીશ

આ સુન્દર શબ્દો

વારે વારે છેતર્યા કરશે

વિફળ ગયેલી વાસનાઓના પવનનો ઝોકો

કે પ્રેમની રમત.

હું કાગળો પર દસ્તખત કરું છું જે કદાચને લંબાવે છે.

બીજા શબ્દોમાં કહું તો જરૂરિયાતને કે વિષાદને લંબાવે છે

જંગલમાં માણસો મરે છે અને લડે છે,

હું સિગારેટ સળગાવું છું

અને એને પચાસ અર્થહીન જગતમાં

વહેંચી નાખું છું.

 

જીવનની સમજૂતી અને મરણની જાસૂસી

 

વાસ્તવિકતા મારાં કાગળિયાં એકઠાં કરે છે,

મારા ઘરમાંના અસબાબને વ્યવસ્થિત ગોઠવે છે,

કુશળતાથી ચોકમાં ઢગલો વળે છે

સમુદ્રમાં તરે છે

બજારમાં એની સોડમથી જાહેરાત કરે છે.

મારાં સ્વપ્નોમાં એ પિરામિડો અને શબ્દોને રચે છે.

 

વાસ્તવિકતા મને લપેટી લે છે

અને એ ખુશનુમા હવા અને છાપાંથી ભરી ભરી છે.

જ્યાં જાઉં ત્યાં એને વાંચું, એનો જ શ્વાસ લઉં.

એના આકાર વિશે ગોટાળો ઊભો કરું ને એની જોડે ભટકાઈ પડું

અથવા એકાએક ખસે ને મારી જોડે અથડાઈ પડે.

આ રીતે કે તે રીતે એ નસકોરાંને છૂંદી નાખે.

વાસ્તવિકતા

મારામાં છે,

હું એનો નિર્ણય કરું, પહેલેથી એને કળી જાઉં, એની ખાતરી કરી લઉં

અને ભૂલો કરું:

આ દુરારાધ્ય વાસ્તવિકતા

મારા પર રાજ કરે છે.

પથારીમાં હું શ્વાસ લઉં છું; વાસ્તવિકતા મારામાં શ્વાસ લે છે.

એકાદ દિવસે કે એકાદ રાતે

હું શ્વાસ લેતો બંધ થઈ જઈશ

અને વાસ્તવિકતા મારા ઘરમાંથી, મારી પથારીમાંથી,

મારા શરીરમાંથી અને મારા આત્મામાંથી ચાલી ગઈ હશે.

 

એતદ્: ઓગસ્ટ, 1982

 


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.