સુરેશ જોષીની કવિતા વિશે – શિરીષ પંચાલ

ઈ. સ. 1955માં સુરેશ જોષીનો પહેલો કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ પ્રગટ થયો. પાછળથી, 1961માં પ્રગટ થયેલા ‘પ્રત્યંચા’ કાવ્યસંગ્રહમાં, નોંધ મૂકવામાં આવી હતી કે ‘આનો પુરોગામી કાવ્યસંગ્રહ ‘ઉપજાતિ’ હવેથી રદ ગણવો.’ સાહિત્યિકતાનાં જો ઊંચાં ધોરણો સ્વીકાર્યાં હોય, તો ભૂતકાળમાં રચેલી નબળી કૃતિઓ બાજુ પર મૂકવી પડે; તેમ છતાં એક ઐતિહાસિક વિગત તરીકે તો તે સ્થાન મેળવી લે. 1955ના સમયગાળામાં ‘મનીષા’માં સુરેશ જોષીએ ‘જનાન્તિકે’ના નિબંધોનું લેખન બીજા નામે શરૂ કર્યું હતું; આ નિબંધોએ ગુજરાતી સર્જનાત્મક નિબંધનું સ્વરૂપ ધરમૂળથી બદલી નાખ્યું અને પછી તો જીવનના અંત સુધી આ નિબંધયાત્રા કોઈ ને કોઈ સ્વરૂપે ચાલતી જ રહી. ટૂંકી વાર્તાક્ષેત્રે પણ એક પ્રકારની ક્રાંતિ સુરેશ જોષીએ આણી. તો કાવ્યના ક્ષેત્રે શું બન્યું? ટૂંકી વાર્તાના જે પ્રયોગો તેમણે કર્યા તેમને માટે એવું કહી શકાય કે એ પુરોગામી ટૂંકી વાર્તાની વિવેચના રૂપે હતા, પણ ‘ઉપજાતિ’ની કે ‘પ્રત્યંચા’ની કવિતા કઈ ગુજરાતી કવિતાની વિવેચના રૂપે હતી અને જો એ ગુજરાતી કવિતાની વિવેચના રૂપે હતી તો આજે લગભગ પાંચ દાયકે એ કવિતા કેવી લાગે છે?

ઘણી બધી રીતે જોતાં એમ લાગે છે કે સુરેશ જોષીની પૂર્વે જે ગુજરાતી કવિતા હતી તે પણ સમૃદ્ધ હતી. આ વિધાન ગાંધીયુગની કવિતાના સંદર્ભે પણ કરવું હોય તો કરી શકાય. આ સમયની કવિતાની ટીકા નથી કરવામાં આવી એવુંય નથી. તો, આમાંથી ઘણી કવિતા – સુંદરમ્, ઉમાશંકર જોશી, ઝવેરચંદ મેઘાણી, રા.વિ.પાઠકની કવિતા આજે સંતોષકારક લાગે છે. આવી ઉત્તમ કવિતા પછી ગુજરાતી કવિતા આ પરંપરાથી ફંટાઈને હરિશ્ચન્દ્ર ભટ્ટમાં એક નવો મિજાજ ધારણ કરે છે પરંતુ પ્રહ્લાદ પારેખે – રાજેન્દ્ર શાહે પુરોગામી કવિતાની મર્યાદાઓ દૂર કરીને એની ઉત્તમ પરંપરાઓને વિસ્તારી અને તે પણ ઘણા નવા ઉન્મેષો સાથે. પ્રહ્લાદ પારેખ અને રાજેન્દ્ર શાહના પહેલવહેલા કાવ્યસંગ્રહો (પ્ર.પારેખનો તો પહેલો અને છેલ્લો સંગ્રહ) ‘બારીબહાર’ અને ‘ધ્વનિ’ ઉત્તમ રચનાઓથી ભર્યા ભર્યા હતા, ‘ધ્વનિ’ જેવી સમૃદ્ધિ બહુ ઓછા કવિઓના પહેલા સંગ્રહમાં જોવા મળશે (એ રીતે ‘જનાન્તિકે’નું પણ સમજવું). એક બીજી દિશા નિરંજન ભગત ‘પ્રવાલદ્વીપ’માં ઉઘાડી આપે છે. આધુનિક કળાના-સાહિત્યના પ્રત્યક્ષ શિક્ષણ વિનાના પ્રિયકાન્ત મણિયાર એ સમયના વાતાવરણને આત્મસાત્ કરીને ‘પ્રતીક’ (1953) લઈને આવે છે. આ બધા જ કવિઓમાં આધુનિકતાની ઘણી બધી લાક્ષણિકતાઓ જોવા મળી હતી. આજે પણ કહી શકાય કે રાજેન્દ્ર શાહની કવિતાની ઘણી બધી વિશિષ્ટતાઓ એમના વિશેનાં લખાણોમાં નોંધાયા વિનાની પડી છે. આવા સંજોગોમાં આધુનિકતાનો પુરસ્કાર કરનારા સુરેશ જોષી જ્યારે પહેલો કાવ્યસંગ્રહ લઈને આવે ત્યારે સ્વાભાવિક રીતે એમની પાસેથી વધારે અપેક્ષાઓ રાખવામાં આવે.

સુરેશ જોષીએ એક મુલાકાતમાં કહ્યું હતું કે ‘નવલકથા અને નાટક લખતાં હું વિચાર કરું છું, અને કવિતા મને બહુ ફાવી છે એમ હું નહીં કહું. કવિતા આપણી પાસે બહુ મોટી એવી આશા રાખે છે અને એમાં શક્તિ પણ વધારે જોઈએ.’ (સુ.જો.નું સા.વિ.ખંડ-2, 602)

આરંભના તબક્કે અંગ્રેજી કવિતા તેમણે વાંચી ન હતી, શાળાજીવનથી જ રવીન્દ્રનાથ ઠાકુરનો પ્રભાવ ઝીલાયો છે. કોલેજકાળ દરમ્યાન બંગાળી પાકું કરી લીધું અને એની ભુરકી ઠેઠ સુધી તેઓ અનુભવતા રહ્યા. પણ હજુ કાવ્યસર્જન માટેની અનુકૂળ આબોહવા ઘડાઈ ન હતી. ‘આપણી લાગણીને પણ ખીલવા માટે, વિકસવા માટે જે આબોહવા હોય, દરેકને જુદી જુદી આબોહવા ફાવે છે તો મને જેને કહે છે ને cosmic despair, પણ જે વ્યક્તિગત જીવનમાંથી નહિ, તે રુચી ગઈ. એલ્ફિન્સ્ટનમાં હતો ત્યારે કવિતા લખતો હતો. ત્યારે આવી પાળેલી પોષેલી નિરાશાને મમળાવવાનું ગમતું હતું. પણ એનો કોઈ ઊંડો પાયો નહોતો. બધી રીતે સુખી હતા. દુ:ખ હતું તે કલ્પેલું હતું. જગત તરફ નજર જ નહોતી કરી.’ (એજન, 683)

કવિતા વિશે જ્યારે તેમને પૂછવામાં આવ્યું ત્યારે સુરેશ જોષીએ ખૂબ જ પ્રામાણિકતાથી અને નિખાલસતાથી કહ્યું હતું: ‘હું કવિતા વિશે તો ઝાઝું નહીં કહું, કારણ કે મેં બહુ ઓછી લખી છે. પણ પાછળથી મારું કવિતામાં પણ વલણ એવું થયું કે અમુક એક ભાવ જે આપણા મનમાં મુખ્ય રમતો હોય એ ભાવ છે તે ‘પ્રોબ્લેમ ઓફ એવિલ’નો છે, કે ભાઈ, હું કોઈ નિર્દોષ બાળકને આગમાં બળી મરતું જોઉં છું અથવા ગરીબ માણસ રોજી રળવા જતો હોય ને છૂંદાઈ મરે છે અથવા દુનિયામાં જેનું કારણ નથી શોધી શકાતું એવા જે વિષાદનો ભાર છે, એક જાતની વેદના છે, તમે ગમે તેટલાં આશ્વાસન લાવો, ગમે તેટલું બુદ્ધિને એનું પગેરું કાઢવાનું કહો તો તે જડતું નથી તો, મારી… તમે જો પૂછો મને તો, મારી જે વાર્તાઓમાં કે કવિતામાં, તો આ એક પ્રશ્ન રહ્યો. એને માટે ઈશ્વર સાથે લડવું. આમ પ્રશ્નો ફેંકવા સામે, આખી વાતને આ રીતે કહેવી એટલે…અને પછી આ બધાંને કારણે જે માનવી તરીકેના ગૌરવની જે પોકળ વાતો ચાલે છે એ પણ કેવી પોકળ છે તે બતાવું. દા.ત., મારું ‘પાંચ અંકી નાટક’ – તેમાં મેં કહ્યું કે ‘ભાઈ, આવો માણસ છું હું તો – મારામાં કોઈ વિલન થવાની શક્તિ પડેલી છે પણ તે પણ મેં નથી વાપરી. અને માણસ થવું, ઉદ્ભિજ જ હોત તો ચિંતા નહોતી, ખનિજ હોત તો ચિન્તા નહોતી. પણ આ તો માણસ થયા. એટલે પછીની ક્ષણનો પણ વિચાર આવે છે. તો સમય, બિચારો સમય… we live in fractured time. તો સમયની બધી કચ્ચરો વાગે છે – તો આની એક વેદના છે. એટલે મારો એવો દાવો નથી કે મેં કંઈ આવી એક જ વાતને મનમાં રાખીને લખ્યું છે કે એ બધું એને જ અંગે લખાયું છે. પણ સતત એક સૂર, મારે જો એને પ્રગટ કરવાનો હોય તો આ વિષાદનો કે વેદનાનો સૂર છે, વાર્તામાં પણ એ જ. દા.ત., સમ્બન્ધની કડી સાંધવી એ આપણે કહીએ છીએ કે બહુ મોટી વાત છે. પણ સમ્બન્ધની કડી સાંધતાં સાંધતાં લગભગ તમે આખા ને આખા બિલકુલ ખંડેર જેવા ભંગુર જેવા થઈ જાવ ત્યારે તમને કડી સાંધવાની ક્ષણ આવી એમ લાગે, અને ત્યારે તો બધું પતી ગયું હોય. એટલે જેને આપણે પ્રેમ કહીએ છીએ, જેને આપણે સમ્બન્ધો કહીએ છીએ એની એક અનિવાર્યતા છે લોહીમાં, આપણું મન પણ, આપણી ચેતનાનો પણ સ્વભાવ છે એ જાતનો, એટલે કર્યા વગર તો રહી શકતા નથી ને છતાં ક્યારેક ખબર પડે છે કે જે એક વાત સાર્ત્રે કહી છે કે the other one is your hell, જે ઇતર જન છે આપણાથી, એ આપણું નરક છે, કારણ કે બહુ જ સાચી લાગણી લઈને જાવ, બહુ જ ઉત્કટતા લઈને જાવ તોયે ત્યાં સુધી પહોંચી શકાતું નથી. હવે આ એક બીજી વેદના છે. એટલે સંસારમાં આપણે સ્નેહને સાધન માનીને એનાથી બીજું કંઈક પામવા નીકળ્યા નથી હોતા તો પણ આવું બને છે. એટલે ‘છિન્નપત્ર’ નવલકથામાં કહ્યું કે, ‘ભાઈ, આ પ્રેમીઓ છે આપણા જમાનાના, તે તો ડાળ પરથી તૂટી પડેલાં બે પાંદડાં જેવાં છે. એ ત્યાં સાથે હતાં પણ આ સમયના આવર્તમાં ફસાયા પછી દરેકને જુદી જુદી દિશામાં પવન ખેંચી લઈ જશે. માટે જ હેમ્લેટે ઓફેલિયાને કહેલું કે, ‘તું પ્રેમની વાત આ સૃષ્ટિમાં કરે છે?’ કદાચ હું અંગત રીતે આ વાત નથી કરતો, અંગત રીતે બહુ સુખી માણસ છું પણ વાત એવી છે કે એ વિષાદ કોઈમાંથી નથી આવતો કે કોઈ મનોમુગ્ધતામાંથી નથી આવતો, એટલે કે વધારે પડતી ચેતનાની અતિમાત્રા એ એક આમરણ માંદગી જ છે. તો એમાંથી છટકી શકાતું નથી, કારણ કે આપણે સંવેદનશીલ છીએ માટે. હવે સંવેદનશીલ છીએ એટલે કે સંવેદનશીલતા પ્રમાણભાન ચૂકી જાય એવું ન બને એ સર્જકની ફરજ છે.

કવિતાની શરૂઆત તો પ્રકૃતિ પ્રત્યેના તીવ્ર અનુરાગથી કરી હતી. આ પ્રકૃતિનો જે સમ્પર્ક હતો તે તો બાળપણનો, ‘ગ્રીષ્મની બપોર’ જેવા કાવ્યમાં કે ફૂલ જે બધાં બાળપણનાં સાથી હતાં મોગરો, ગુલાબ, જૂઈ, જાઈ એ બધાં, અને સાથે સાથે એમાં જે હતાશાનો અંકુર ફૂટવા માંડ્યો તેનો થોડો અણસાર એમાં છે. કવિ ‘પ્રત્યંચા’માં એટલું કરીને અટકી જાય છે કારણ કે ત્યારે ધીમે ધીમે મારું મન ટૂંકી વાર્તા તરફ વળી ગયેલું અને મેં જે વાંચનનો આસ્વાદ લીધેલો એ ગદ્યની તપાસ, ગદ્યની ગુંજાયશ પ્રગટ કરવા તરફ મને વધારે પ્રેરતું હતું. પછી ‘ઇતરા’નાં કાવ્યો લખાયાં. એમાં મેં જે વિષાદની વાત કરી, સમ્બન્ધની, પ્રેમની, એનો થોડો રોમેન્ટિક અભિનિવેશ, એની આખી એક દસ કાવ્યોની શ્રેણી એમાં આવી, પછી અનુભવને જુદાં જુદાં રૂપ આપીને જોયું. દા.ત. ‘ગ્રીષ્મની બપોર’ની શાન્તિ ક્યાં, કેમ જોખમાય છે, ઘરમાં આવીએ છીએ ને દર્પણ કેવી રીતે વર્તે છે આપણી સાથે? ‘ત્યાં કોઈ ઘૂંટે છે ગરલ ચન્દ્રના ખરલમાં’ એ જે અનુભવ ને થોડું ીર્ટૌબ તત્ત્વ એ એમાં આવ્યું. ને પછીથી એ ભૂમિકામાંથી બહાર નીકળીને ત્યાં ‘મૃણાલ’માં આ એક જ અવાજ આપણે બોલીએ છીએ એને બદલે બે-ત્રણ અવાજ હોય, એને બોલીએ તો, પાઠ કરીએ તો, એ દૃષ્ટિને એમાં પ્રાધાન્ય છે. અને એ રીતે જુદા જુદા અવાજો – આખો પરિવેશ બદલાય છે, એક બાળકથા કે પરીકથા જેવું આવે છે, એક છાપાના સમાચાર જેવું આવે છે, એક છે તે બિલકુલ વાસ્તવિકતાના, કદર્યતાના અંશો છે તેની વાત આવે છે. એમાં જુદા જુદા ભાવના સ્તર પર, જુદા જુદા અવાજો કેવી રીતે કામ કરે છે, અને એનો લય કેમ બદલાય છે એવી રીતે કરેલો એક પ્રયત્ન છે. અને સાથે સાથે એમાં પ્રેમની વિફળતાની જે વાત છે એ પણ થતી આવે છે. એક પાત્ર છે એને માટે. પછી ‘તથાપિ’માં – ‘તથાપિ’ શબ્દ જ સૂચવે છે એમ કે આ બધું છે છતાં જે મૂળ ઝઘડો છે, પાયાનો, એ તો આપણે માંડવો જ જોઈએ અને એમાંથી જે સંઘર્ષ થાય અને એમાંથી જે સંવાદો આવે, જે dramatic element આવે તે લાવવું જોઈએ. પણ એ પ્રશ્નો માત્ર metaphysical હોય તે ન ચાલે. એનું મૂળ આપણા હૃદયમાં ક્યાંક હોવું જોઈએ, જે મેં અનુભવ્યાં હોય. એટલે ‘પાંચ અંકી નાટક’માં મેં કહ્યું કે સામાન્ય માણસ છે એ કેટલો કરુણ અનુભવી શકે? અને એ વિલન પણ હોય છે તો વિલન પણ પૂરો થઈ શકતો નથી.’

‘ઉપજાતિ’ના ભાવાનુરાગી વિશ્વનું કેટલુંક સાતત્ય ‘પ્રત્યંચા’ની રચનાઓમાં જોઈ શકાય છે, ‘પ્રત્યંચા’ની રચનાઓ પૂર્વે સુરેશ જોષી ‘વાણી’ના વિશેષાંકમાં રવીન્દ્રનાથની કવિતાઓનો અનુવાદ કરી ચૂક્યા હતા. જનાન્તિકેના નિબન્ધોની અદ્ભુત-ભયાનકની સૃષ્ટિનો પ્રભાવ ‘પ્રત્યંચા’ની કવિતા ઉપર જોવા મળશે. આ રચનાઓમાં તેમણે પોતે જે કોસ્મિક despair વાત કરી છે એનો દાબ ઓછો વરતાય છે, પરંતુ ઇન્દ્રિયજન્ય સંવેદનોથી મઢેલી સૃષ્ટિ અહીં જોવા મળે છે. એ કલ્પનોની પાર જઈને વિષાદની વાત કરવાનું કવિકર્મ હજુ અહીં આરંભાયું નથી,

‘જાણું છું કે

કદી કદી શબ્દો મારા કપૂરની પેઠે

પ્રજ્વળીને ગન્ધ રૂપે તારા ભણી વહે…’ (પ્રાર્થના)

*

આજે સવારે બેઠી નિશાળ,

પવન ઘુંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ (સવાર)

*

ખૂલી ગઈ આ પાંખડી

કોની અગોચર આંખડી?

સંકેલીને એનીમહીં ગોપ્યું હતું આકાશ?

શું એ જ ઊઘડી વિસ્તર્યું? કેવું મધુરું હાસ!

તુષાર કેરી મંજૂષામાં સાચવ્યો’તો જે સૂરજ,

એ જ આંજે તેજથી આ સૃષ્ટિને?

આ પ્રકારની સૃષ્ટિ કલ્પનોને કારણે મનમાં રમાડવી ગમે એવી છે. ક્યાંક વિરોધથી સંતુલિત થતી સૃષ્ટિ હાઇકુ કે મુક્તક જેવા ઘાટમાં આપણી સામે આવી જાય છે: દા.ત.

સૂર્ય

થાકી ગયો મધ્યાહ્નનો સૂરજ

તેજની ડંફાશના બોજા થકી;

જૂઈની કળીને ખભે

ટેકવી માથું શિશુશો ઢળી પડ્યો.

*

ચન્દ્ર

અવાવરુ વાવતણે ઊંડાણે

આ લીલની ઝૂલ ભરેલ શાન્તિ;

એ ઓઢી પોઢ્યો શિશુશો અહીં શશી,

સ્વપ્નો ગૂંથે રેશમી ભાત રે કશી!

ક્યારેક ભાવુકતાની સીમા પર જઈને કવિ મધુમાલતીને સંબોધન કરી બેસે છે: ‘મારા જીવનની તું જ પ્રથમા કાવ્યપંક્તિ રસવતી.’ વળી ‘ચૈત્રમાં પારિજાત’ જેવી રચનામાં દાંપત્યજીવનના ક્લેશકર અનુભવનું પ્રસન્નતામાં થતું રૂપાંતર નિરૂપવામાં આવ્યું છે. તો ‘શી રીતે’ જેવી રચનામાં પ્રિયતમાના – સ્ત્રીના સ્પર્શ વિના નાયક તો ‘પેટાળમાં સમુદ્રના ડૂબી ગયેલા કો ‘ખજાના શો’ પડ્યો રહ્યો હોત. એ ઉક્તિ રોમેન્ટિસીઝમના જ પ્રભાવરૂપે આવેલી કહી શકાય.

ધીમે ધીમે સુરેશ જોષીના સમગ્ર કથાસાહિત્યમાં રહેલો વિષાદ આ રચનાઓમાં દેખાવા લાગે છે. પણ જે સન્નિધિ રચવા માગે છે તે હજુ એવી હૃદયસ્પર્શી બનતી નથી: દા.ત.

પતંગિયાં શાં જો ઊડી રંગીન પાંખો એ પસારે

તો તમારાં મૌનના કંટક થકી હું વીંધું છું એમને.

ક્યારેક કવિ દ્વારા સર્જાતાં ચિત્રો વચ્ચે જે સંવાદિતા ઊભી થવી જોઈએ તેના અભાવે રચના વિશૃંખલ બની જવાનો સંભવ રહે છે. દા.ત.’હું સાંભળું છું -’ રચના જુઓ:

હું સાંભળું છું

શબ્દ:

વસૂકી ગયેલી ગાયનાં ચિમળાયેલાં આંચળ,

કીટથી કોરાયેલું બોદું બહેરું ફળ;

ધીમે ધીમે કવિને કેટલાક પ્રશ્નો થવા માંડે છે. એક મહાપ્રશ્નની વાત તેમણે પોતાના નિબંધમાં તો કરી જ છે કે પરંપરાથી પ્રાપ્ત થયેલી ભારતીય સંસ્કૃતિ, ભારતીય તત્ત્વજ્ઞાન અને યુરોપથી આવેલા અસ્તિત્વવાદ વચ્ચેના સંઘર્ષને કેવી રીતે આકારવો – સુરેશ જોષીને અસ્તિત્વવાદે નવા પથ દેખાડ્યા પરંતુ તેમનો પ્રયત્ન એ રહ્યો કે એ નવા પથોને ભારતીય સંદર્ભમાં રહીને કેવી રીતે આકારવા? હવે ધીમે ધીમે લાગવા માંડે છે કે આ મનુષ્યનો ચહેરો ક્યાંક ઘવાયેલો છે, ક્યાંક ઉતરડાઈ ગયો છે, ક્યાંક ભુંસાઈ ગયો છે… અને એવા માનવીની છબિ કવિને અકળાવી મૂકે છે:

રોજ રાતે જોઉં છું:

ગામને પાદર ઊભેલાં આમલીના ઝૂંડમાંથી

કે અસ્થિપિંજર લઈ ખડાં ખંડેરમાંથી

કે અષ્ટકોણી વાવના પાતાળમાંથી

કે દૂરના વનના ઘૂંટ્યા અંધારમાંથી

કે ચન્દ્રના લાંછનમહીંથી

કે પછી મારી જ છાયાની પછીતેથી

ચાલી આવે કો’ મૂંગી વણઝાર

ઉન્નિદ્ર આંખે હું ગણું, આવે ન એનો પાર!

ચ્હેરા ભૂંસેલા સર્વના, ના વાણીનો ઉચ્ચાર.

આરંભનાં બધાં ચિત્રો ‘જનાન્તિકે’ના વાચકોને અજાણ્યા નથી, પણ કવિ જે મૂગી વણઝારને જુએ છે તે મૂગી વણઝાર તો જાણે પોતાની છાયાના વિસ્તાર જેવી લાગે છે – વાણી વિનાનો મનુષ્ય તો મનુષ્ય જ ન કહેવાય.

અહીં કેટલીક રચનાઓમાં પૌરાણિક પાત્રોની આસપાસ આધુનિક સંદર્ભ યોજવાનો પ્રયત્ન થયો છે – એમ કરવા જતાં કાળવ્યત્યયની લીલા જોવા મળે છે. દા.ત.ત્રિજ્યા

મારી જંઘાથી વહેતાં શોણિતે ધોતો દીઠો

દ્રૌપદીની સાડીઓને મેં દુ:શાસન;

તો વળી ‘પ્રલય’ જેવી રચના પર રવીન્દ્રનાથની મુદ્રા સ્પષ્ટપણે અંકિત થયેલી જોઈ શકાશે.

* * *

ઈ.સ.1973માં પ્રગટ થયેલા ‘ઇતરા’થી સુરેશ જોષીની કવિતા એક નવા તબક્કામાં પ્રવેશે છે. 1955થી 1970 સુધીના ગાળામાં ગુજરાતી સાહિત્યમાં પ્રગટેલી આધુનિકતા તેના સર્વ સંદર્ભો સમેત અહીં પ્રકટતી દેખાય છે. છતાં કવિચિત્તમાં થોડી અવઢવ હોય એમ લાગે છે. દા.ત. શરૂઆતની જ કવિતા લો – કવિએ અહીં કશી સ્પષ્ટતા કરી નથી પણ પહેલી રચના રવીન્દ્રનાથ ઠાકુરને અપાયેલી અંજલિ છે

ક્યાં છે રવિ?

ક્યાં છે કવિ?

અથવા

બારી પાસે ઊભી છે આ દાડમડી

લાલ લાલ ફૂલે મઢી…

પરંતુ ધીરે રહીને એક પરિચિત તત્ત્વ પ્રવેશી જાય છે – અલબત્ત વાચાળતાથી પ્રવેશ્યું છે, ‘પ્રત્યંચા’ની જ એક છબિ અહીં જરા જુદા સંદર્ભમાં જોવા મળશે.

અસૂર્ય આ લોક

કોણ કરે કોનો શોક?

માનવોનો મેળો

નિશ્ચિહ્ન સૌ ચહેરાઓનો નર્યો સરવાળો.

પશ્ચિમની કવિતામાં આવેલા કેટલાક નવાં વલણોને સુરેશ જોષીએ પોતાની રચનાઓમાં વણી લીધાં હતાં – ‘આ આપણા પ્રેમની વદાયનું મુહૂર્ત’થી આરંભાતી એક રચનાનું મૂળ શીર્ષક ‘એક સુર્રિયાલિસ્ટના મરણના દસ દિવસ’ હતું, ‘ઇતરા’માં ગ્રંથસ્થ કરતી વખતે એ શીર્ષક યોગ્ય રીતે જ દૂર કરવામાં આવ્યું, કારણ કે એમાં કોઈ અતિવાસ્તવવાદી તત્ત્વ ન હતું, એ કાવ્યો ‘મૃણાલ’ જેવી રચનાની આબોહવામાં જ રચાયાં હોય એમ લાગશે. બીજી રીતે જોઈશું તો આ પ્રકારનાં કાવ્યોનું વાતાવરણ ‘ન તત્ર સૂર્યો ભાતિ’ની કેટલીક વાર્તાઓ સાથે સંબંધ ધરાવે છે. અહીં કલ્પનોને લાગણીમાં ઝબોળ્યાં હોય એમ લાગે છે. દા.ત.

બે નિસાસાના ચકમક અને ગજવેલ ઘસીને

તણખાની આંખે મને શોધશો નહિ…

ક્યારેક અસામાન્ય ચિત્રો એમાંથી પ્રગટી આવે છે:

તારાં આંસુના ઘુમ્મટોને આધાર આપે છે

મારી પોલાદી વેદનાની કમાનો.

તારા શ્વાસની વીથિકાઓમાં હું લટાર મારવા નીકળી છું.

‘પ્રત્યંચા’ના ‘અમારું ઘર’નો આરંભ જુઓ:

આ છે અમારું ઘર,

જ્યાં ચાલી રહી હરફર

ત્રણચાર પડછાયા તણી –

અને હવે ‘ઇતરા’માં ઘર વિશેની રચનાનો આરંભ જુઓ:

એકદન્ત રાક્ષસનાં ખુલ્લાં જડબાં જેવું આ ઘર

મગરબરછટ એની સિમેન્ટત્વચા

દાખલ થતાં જ હીંચકો

ચીંચવાતો કચવાતો ડાકણ ડચકારો

ઝૂલે એના પર હવાનું પ્રેત.

‘ઇતરા’માં ગ્રંથસ્થ સુરેશ જોષીની ખૂબ જ જાણીતી કૃતિનું પાત્ર મૃણાલ એટલું જ જાણીતું છે. ‘છિન્નપત્ર’ કે ‘મરણોત્તર’ના કેન્દ્રમાં રહેલી સ્ત્રીઓ, ઘણી વાર્તાઓની નાયિકાઓના ગોત્રની ‘ઇતરા’ની મૃણાલ છે. પ્રાસાદિકતા, પ્રવાહિતાની વિશેષ માત્રા, ભાવાનુરૂપ અન્વયરચના, કેટલાંક વિશિષ્ટ કલ્પનો (બહેરો સમય, વાવનું અંધ જળ, સિગારેટના ધોળા કાગળનાં પાંદડાંવાળું ઝાડ…, વારાંગનાના મેલા દર્પણ જેવી નદી…, આંસુનો બિલોરી મહેલ, સ્મિતનું પાનેતર) – વગેરેએ આ રચનાનું પોત ઘડ્યું છે. નાટ્યાત્મક અને કથનાત્મક શૈલીઓના વિનિયોગે તથા માફકસરની ભળેલી ભાવુકતાએ કાવ્યની આસ્વાદ્યતામાં ઉમેરો કર્યો છે.

સુરેશ જોષીની કાવ્યયાત્રાનું અંતિમ સોપાન છે ‘તથાપિ’. (1980) દુર્ભાગ્યે આ ચાર દીર્ઘકાવ્યો આગળ જ આ યાત્રા પર પૂર્ણવિરામ આવે છે. એમની અન્ય કાવ્યરચનાઓની તુલનામાં આ રચનાઓ ચઢિયાતી છે. અહીં ‘પાંચ અંકનું નાટક’, ‘ડુમ્મસ સમુદ્રદર્શન’, ‘થાક’ અને ‘કોઈક વાર’ – એમ ચાર કાવ્યો છે. કાવ્યનાયક ‘પાંચ અંકનું નાટક’માં પોતાના જ જીવનનાટકની સંધ્યાએ પડદો પાડતાં પહેલાં ફરી એક નજર એ નાટક પર કરી જાય છે. જીવનમાં કોઈ મહત્ત્વપૂર્ણ પાઠ કરી નહીં શકનારો એક અદનો આદમી અહીં નાટ્યાત્મક રીતે આલેખાયો છે. અહીં ટકી રહેવા માટે નાયક પાસે શું છે?

દાદાનાં, જૂનાં, સંકેલીને પેટીમાં મૂકેલાં,

વસ્ત્રોમાં સચવાયેલો તેટલો જ ધર્મ

મારો વારસો

પ્રાકૃતિક પરિબળો, ઈશ્વરનું ઐશ્વર્ય, નારીપ્રેમ, સુખદુ:ખ: લગભગ આ બધાંથી દૂર રહેલા નાયકની એક છબિ અહીં કંડારવામાં આવી છે. અહીં નાટ્યાત્મકતામાં વિશિષ્ટતા આણવા માટે છેલ્લા અંકમાંથી પહેલા અંક સુધીની ગતિનું આલેખન થયું છે. સુરેશ જોષીની વાર્તાસૃષ્ટિમાંથી જ નાયિકા ભૂલી પડી છે. ‘રાક્ષસ’માં નાયિકા કિશોરાવસ્થામાં અદ્ભુત-વિસ્મય-ભયાનકનાં દ્વાર મુગ્ધતા અને પુખ્તતાથી ખોલી આપનારી હતી પણ અંતે થઈ ગઈ હતી ક્ષયગ્રસ્ત. અહીં પણ નાયિકાનાં બે ચિત્ર આપવામાં આવ્યાં છે: પહેલા અંકની એ મુગ્ધ નાયિકાની છબિ આ રીતે મૂર્ત થાય છે:

કેવી હશે એની આંખ?

પૃથ્વી પરનાં તૃણને આકાશના તારા સાથે

જોડનારી?…

સિંહઘન અરણ્યમાં એકલી સિંહણ?

એના ચરણમાં

નતજાનુ પ્રમથ?

અને પાંચમા અંકમાં આડત્રીસની વયે પહોંચેલી નાયિકાનું ચિત્ર જુઓ:

એની કાયા એટલે અહીંતહીં વેરાયેલી

વરવી પુષ્ટતાની ટેકરીઓ,…

નાયિકા પછી ખલનાયક અને નાયકનાં ચિત્રો થોડી વાચાળતાથી આપણી સામે આવે છે, પણ એ ખલનાયક કોણ કોણ હોઈ શકે – નાયક પોતે અને એ જે ભાવકને કવિતા સંભળાવી રહ્યો છે તે પણ – આમ કવિ પોતાના વાચકને રચનામાં ઘસડી લઈ ગયા… પણ પછી ધીમે ધીમે રચનાનું પોત પાતળું પડવા માંડે છે. ફરી એ જ મૃણાલવાળું ભાવુકતામઢ્યું જગત શરૂ થઈ જાય છે, નાયક-નાયિકા-ખલનાયિકાની વાતો દૂર રહીને કરનારો – પોતાનામાં શેતાન વસે છે એમ કહેનારો કેવા ભયાનકની કલ્પના કરે છે:

પણ સાચું કહું?

મારામાં એક શેતાન વસે છે,

એ મને અવનવું દેખાડે છે:

બાગમાં જાઉં છું તમારી જ જેમ,

ફૂલો જોઉં છું

ને એકાએક વિચાર આવે છે:

આ ફૂલોને સ્થાને

ખોપરીઓ ખીલી ઊઠે તો?

રસ્તા પર નાળ જડેલા બૂટ ઠપકારીને

ચાલતા

સૈનિકોને જોઉં છું

ને મારી નજરે આસ્ફાલ્ટનો રસ્તો

બની જાય છે

કુંવારી કન્યાઓના પ્રશસ્ત ઉન્નત વક્ષ:સ્થળ.

તમારી જેમ જ સભાસરઘસમાં જાઉં

અને

મને હાડપિંજરો હસતાં દેખાય;

કાળો કાગડો જોઉં

અને

ગભરાઈ જાઉં:

હમણાં જ એ ગીતાનો શ્લોક બોલશે કે શું?

અહીં પોતે જે ભયાક્રાન્ત જગતમાં જીવી રહ્યો છે, હિંસકતા-જુગુપ્સા સિવાય બીજી કશી પ્રાપ્તિ નથી એવા જગતમાં – એવા જગતના નાટકનો આ અન્ત.

‘ડુમ્મસ: સમુદ્રદર્શન’નો આરંભ નિકટતા અને દૂરતાનાં પરિમાણો વચ્ચેના વિરોધાભાસથી થાય છે, ‘જે આંખમાં આંસુ બનવા જેટલું નિકટ આવે છે તે જ બીજી ક્ષણે આકાશનું નક્ષત્ર બનીને ચમકી ઊઠે છે.’ ‘છિન્નપત્ર’ની ઉક્તિ આપણને યાદ આવી જશે.

આગલી રચનાઓમાં એક રીતે જોવા જઈએ તો વૈયક્તિક અનુભૂતિવિશ્વમાં નિમજ્જન છે જ્યારે હવે કાવ્યજગત અને વાસ્તવજગત વચ્ચેનો એક સંવાદ-વિસંવાદ આરંભાય છે. કાવ્યનાયક તો વીસમી સદીના ચહેરાહીન મનુષ્યોનો પ્રતિનિધિ છે, અને છતાં જેને ‘ટાઇપ કેરેક્ટર’ કહેવામાં આવે છે એ નથી.

…જે ઘરને કારાગાર બનાવીને જીવ્યો છે,

જે પ્રાણપણે લોકશાહીનાં મસોતાંથી પોતાનો ચહેરો ભૂસવાને મથ્યો છે;

જેણે આતતાયીના પડછાયા નીચે સલામતી શોધી છે;…

જે પોતાનું મૂળ શોધતો શોધતો

પશુની બોડ સુધી પહોંચી ગયો છે;

આ પ્રકારની રચનાઓમાં એક ભયસ્થાન વાચાળતાનું તો છે જ, વળી સુરેશ જોષીએ તેમની ઉત્તરકાલીન નિબંધરચનાઓમાં જે પ્રકારની અભિવ્યક્તિ કરી છે એવી અહીં પણ જોવા મળે છે.

કવિની સામે પ્રકૃતિનું વિરાટ સ્વરૂપ – સમુદ્ર છે – પ્રકૃતિએ જ મનુષ્યનું સર્જન કર્યું અને હવે એ જ મનુષ્ય પ્રકૃતિના એક સ્વરૂપ સમક્ષ પોતાનો વિનાશ કરવા પ્રાર્થે છે. એ વિનાશની અનેક રીતો સૂચવતા સૂચવતા છેલ્લે કહી દે છે:

સૃષ્ટિના આદિકાળમાં સંતાડી રાખેલા

અન્ધકારમાં મને અન્ધકાર કરીને નિ:શેષ કરી નાખ.

તું પણ મને કાંઠે ફેંકી દઈ નહીં શકે

એવું વજન મને આપ.

પરંતુ આ આબોહવામાંથી કવિ એકાએક આપણને ઊંચકીને સાવ બીજા જ પ્રકારની આબોહવામાં મૂકી દે છે. પેલી જે ભારેખમતા હતી, તેમાંથી એકદમ હળવાશભર્યા વાતાવરણમાં.

મળવા તો ગયો હતો સમુદ્રને

પણ મળી ગયો પવન!

અને પછી તો શરૂ થાય છે એક રોમેન્ટિક સફર. જેમાં યુરોપના કવિઓ, ચિત્રકારોની સૃષ્ટિ મળી આવશે. પરંતુ આ વાતાવરણ ઝાઝું ટકતું નથી. અને આપણે જનાન્તિકે પ્રકારના નિબન્ધોમાં પાછા જઈ ચઢીએ છીએ:

દા.ત. બપોર વેળાએ જે જાંબુડાની કાળી છાયા નીચે બેસીને એનું આતિથ્ય માણતા તે જાંબુડો હવે નથી. કૂવા પર કોશનો કિચૂડાટ નથી, રાક્ષસની છાતી જેમ હાંફ્યા કરતો પમ્પ છે. તોય હજી ગ્રીષ્મનો રસ ટીપે ટીપે ફાલસામાં ઝિલાયો છે. કૂવાને થાળે હજી એવું જ છાયાઓનું ધણ બેઠું છે. કાગડાઓ ઠીંગુ આંબાઓ વચ્ચેથી ઊડતાં ઊડતાં કાચબાઓને સતાવે છે. સક્કરખોર સાહેલીની મીઠાશ ચાખે છે. કાળિયોકોશી ઘાસ બળે છે ત્યાં નિરીક્ષકની અદાથી ઊભો રહે છે.’…

આમાંથી જ એક બીજી – એક રીતે જુદી જ દુનિયામાં ‘થાક’ કાવ્ય દ્વારા જઈ ચઢીએ છીએ.’

હવે મને થાક લાગ્યો છે.

તમે માનશો? હું જન્મ્યો ત્યારે જ સત્તાવીસેકનો,

અરે કદાચ સિત્તેરનો હોઈશ!

આદિમ કાળથી ચાલી આવેલી સંવેદનાઓથી માંડીને વર્તમાન જીવન સુધીનો વ્યાપ અહીં જોવા મળે છે.

કવિ તરીકે સુરેશ જોષી જેટલા પ્રભાવક રહ્યા એનાથીય વિશેષ તેઓ કવિવિવેચક તરીકે પ્રભાવશાળી રહ્યા. અહીં જાણે કે બળવંતરાય ઠાકોરના કિસ્સાનું પુનરાવર્તન થતું જોવા મળ્યું. પરંતુ તેમની કવિ તરીકેની વિશેષ મહત્ત્વની કામગીરી તો કાવ્યાનુવાદની હતી. વિદ્યાર્થીઅવસ્થાથી જ તેમને બીજી ભાષાની કવિતાઓ અને સાહિત્યકૃતિઓ પ્રત્યે અપાર આકર્ષણ હતું. આરંભના તબક્કે તેઓ રવીન્દ્રનાથની રચનાઓથી આકર્ષાયા, એટલું જ નહિ, એ કવિને વધુ પામવા માટે બંગાળી શીખ્યા અને 1948માં તો રવીન્દ્રનાથની કેટલીય વિશિષ્ટ રચનાઓનો અનુવાદ ‘વાણી’માં કર્યા. આ અનુવાદનો ત્વરિત પ્રતિભાવ વીરેન્દ્રકુમાર જૈને ખૂબ જ ઉમળકાથી આપ્યો:

‘આપણા સ્વર્ગસ્થ મંત્રકવિ રવીન્દ્રનાથની પુણ્યસ્મૃતિમાં ગુજરાતી ભાષામાં પ્રગટ થતા ‘વાણી’ સામયિકે સુંદર અને અદ્ભુત ઉપહાર રવીન્દ્ર સ્મૃતિપર્વ રૂપે એક વિશેષાંકમાં ધર્યો છે. પ્રિય પાત્રની જેમ અતિ નમ્ર અને શાલીન બનીને તે પોતાના આરાધ્યના ચરણોમાં અર્ઘ્ય ધરે છે પણ આ સાવ સાદાસીધો ઉપહાર હૃદયની સુધા અને સુવાસથી છલોછલ છે. આ સાવ લઘુકાય સામયિકે પોતાનાં પૃષ્ઠોમાં રવીન્દ્રનાથના હૃદયકમળનો ચિરંજીવ પરાગ સંઘર્યો છે. ગુરુદેવની કેટલીક ઉત્તમ રચનાઓ સંપાદકોએ પસંદ કરી છે. બંગાળી છંદોલયમાં જ ગુજરાતી અનુવાદો કરવામાં આવ્યા છે. કદાચ રવીન્દ્રનાથની રચનાઓનો આટલો સુંદર અનુવાદ જગતની બીજી કોઈ ભાષામાં શક્ય નહીં હોય…’

1953માં ‘અર્વાચીન કવિતા’ની બીજી આવૃત્તિ પ્રસંગે સુંદરમે નોંધ્યું છે:

‘બંગાળી ભાષા ગુજરાતીની ઘણી નજીક રહેલી છે છતાં તેની કવિતાનો અનુવાદ કઈ રીતે ઉત્તમ કાવ્યત્વ પામે તે પ્રશ્ન હજી ઉકેલવાનો રહે છે. હજી વધારે સર્જકશક્તિવાળો આપણો કોઈ લેખક એ પ્રશ્ન હાથમાં લે તો એના નિરાકરણની દિશા સ્પષ્ટ થાય ખરી. છેલ્લા થોડા વખત પર અધ્યાપક સુરેશ હ.જોષીએ ટાગોરનાં બંગાળી કાવ્યોના જે અનુવાદો આપ્યા છે તે જોતાં આ પ્રશ્ન ઊકલી ગયો છે એમ આનંદપૂર્વક કહી શકાય.’ (પૃ. 549-50)

તેમણે ઈ.સ. 1975માં ‘પરકીયા’માં બે દાયકાની આ અનુવાદપ્રવૃત્તિના પરિણામ સ્વરૂપ કાવ્યાનુવાદો આપ્યા, તેમાં રવીન્દ્રનાથ ઠાકુરની રચનાઓનો સમાવેશ કર્યો નહીં પણ પરકીયા પર વિશેષ ભાવ હોય છે એવી આપણી પરંપરા તરફ આ નામકરણ સંકેત કરે છે – પદ્યાનુવાદની સમસ્યાઓ તો ભારે અટપટી છે એ કહેવાની કશી જરૂર નથી અને છતાં દરેક સાચો કવિ પોતાની અંદર રહેલાને બીજી કવિતાને સ્વકીયા બનાવવા પડકારે છે, અનુવાદપ્રવૃત્તિમાં રહેલાં બધાં જ ભયસ્થાનોને જાણીને. આ પ્રવૃત્તિ પાછળના એમના પ્રચ્છન્ન હેતુઓ રસિકજનને તરત જ અવગત થાય એવા છે. એક બાજુ પોતાની કવિતાને અને સાંપ્રત તથા હવે પછી લખાનારી ગુજરાતી કવિતાને વિશ્વભરના કવિઓની વિશિષ્ટ રચનાઓ સામે ધરી જોવી – એ રીતે ગુજરાતી કવિતાની ક્ષિતિજો વિસ્તારવી, ઊંચામાં ઊંચી કક્ષાએ ગુજરાતી કવિતાને લઈ જવી, અને સાથે સાથે ભાવકોની રુચિનું ઘડતર ઉત્તમ રીતે કરવું.

‘પરકીયા’માં સંપાદિત કરવાની રહી ગયેલી રચનાઓ તથા પાછળથી કરેલા અનુવાદોને અહીં પરિશિષ્ટમાં મૂક્યા છે અને એ રીતે ‘પરકીયા’નું મૂળ સ્વરૂપ જાળવી રાખ્યું છે.

ગુજરાતીમાં વિદેશી કવિઓની રચનાઓનાં સંકલનો થયાં છે, પણ એકલે હાથે આટલા બધા કવિઓની રચનાઓના અનુવાદ ઉત્સાહપૂર્વક, ઉમળકાથી કરનારા બહુ થોડા મળી આવશે. એ રીતે સુરેશ જોષીએ પોતાનામાં રહેલી શક્તિઓને પ્રગટ કરવામાં ક્યારેય દિલચોરી કરી નથી, અને બીજી રીતે જોઈએ તો તેમણે પોતાનું ઋણ તો ચૂકવી જ આપ્યું. અહીં કેટલી બધી વિવિધતાભરી સમૃદ્ધિ છે, એ સમૃદ્ધિની સાથે ગુજરાતીમાં અત્યારે લખતા કવિઓએ પોતાની રચનાઓ મૂકવા જેવી છે, આપણી ન્યૂનતાઓને ઓળખીને એને નિવારવા માટે તો કોણ આતુર ન હોય? કાવ્ય વિશેની આપણી કેટલીક માન્યતાઓ પણ કસોટીએ ચઢે એવી આ રચનાઓને ગુજરાતીભાષી સહૃદયો વધાવશે જ.

સાથે સાથે અહીં એક ઐતિહાસિક દસ્તાવેજ તરીકે ‘ઉપજાતિ’ કાવ્યસંગ્રહ પણ મૂકવામાં આવ્યો છે.

+ રવીન્દ્રનાથ ઠાકુરની ગદ્યપદ્ય કૃતિઓના સુરેશ જોષીએ કરેલા અનુવાદ ‘રવીન્દ્રપર્વ’ નામે 2005ના વર્ષ દરમિયાન પ્રગટ કરવા ધાર્યાં છે.

શિરીષ પંચાલ

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.