97 વિચારમગ્ન પાષાણ

 

કાળા કાળા ચોક વચ્ચે

એક ધોળો પથ્થર

એ છે ત્રિકોણાકાર

એ લાગે છે રોદાંના ચિન્તક જેવો.

જાણે દાઢી પર દાઢી ટેકવીને કોઈ બેઠું ન હોય!

પાષાણ, તું વિચારે છે –

દિવસના ભાગમાં કોઈક તારા પર બેઠું હતું તેના વિશે,

દિવસના ભાગમાં કોઈ બાળકે તારી સાથે ઠોકર ખાધી હતી તેના વિશે,

જે આંધળાની લાકડી તારા જોડે અથડાઈ તેના વિશે

પાષાણ, તને બધું બરાબર યાદ રહે છે

તારા પર બેઠેલો માણસ જિન્દગીથી કેવો કંટાળી ગયો હતો.

તારી જોડે ઠોકર ખાનાર બાળક કેવું ભૂખ્યું હતું.

તારી જોડે અથડાયેલી આંધળાની લાકડી કેવી ભાંગી ગઈ હતી.

હું કંઈક મુશ્કેલીથી દિવાસળી સળગાવું છું

ને તારી આગળ ધરું છું –

તારામાં જ નીલમ, પોખરાજ, માણેક ને અબરખ

તગતગી ઊઠે છે અને કશુંક કહેવા માગતા હોય તેમ આંખો પટપટાવે છે.


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.