118 વ્લાદામિર હોલાન

 

આપણે પણ

 

વસન્ત કંઈક વહેલી આવી ચઢી છે.

એ એટલી તો અનિશ્ચિત છે કે

એના પ્રથમ અંકુરો તે પોતાને વિશેની શંકાના જ અંકુરો છે.

શબઘરમાં કોઈ છીંક ખાય

તેની જો આપણને બીક લાગતી હોય

(જેનો અર્થ એ કે હજી બરફ પડશે,

હજી રસ્તાઓ ધુમ્મસથી છવાઈ જશે)

તો પછી આ ચીઢિયા અને કંજૂસ સૂર્યને

આપણે શી રીતે રીઝવીશું?

સ્વતન્ત્રતા વિનાનો હૃદય પરનો ભાર

તો માત્ર પ્રારમ્ભમાં હોય છે.

પૃથ્વીના ઉરૂ અને નાભિમાંથી કશુંક લુપ્ત થઈ ગયું છે.

આપણે ચાહતા હોઈએ છીએ ત્યારે

આપણામાં ય ઘણી ઊણપ વર્તાય છે:

દા.ત. પ્રેમ કે આત્મવિસ્મરણની શક્તિ.

 

મરણ

 

ઘણાં વરસ પહેલાં તમે

એને તમારામાંથી હાંકી કાઢ્યું હતું,

જગ્યાને તાળું વાસી દીધું હતું, બધું ભૂલી જવાને મથ્યા હતા.

તમે જાણતા હતા કે એ સંગીતમાં નહોતું

અને તેથી તમે ગાતા હતા,

તમે જાણતા હતા કે એ શાન્તિમાં નથી,

અને તેથી તમે શાન્ત રહ્યા હતા,

તમે જાણતા હતા કે એ એકાન્તમાં નથી,

અને તેથી તમે એકલા રહ્યા હતા.

પણ આજે એવું તે શું બન્યું હશે કે જેથી તમે

જેમાં વર્ષોથી કોઈ રહ્યું નથી એવા બાજુના ઓરડાનાં

બારણાં નીચે પ્રકાશની લકીર જોઈને

ગભરાઈ ઊઠે તેમ ગભરાઈ ઊઠ્યા?

 

આજે

 

આજે તમારામાં ઊંડે ઊંડે, થોડા વખત પર જ

સુકાઈ ગયેલું

ઝરણું છે,

એ આંસુથી કેટલું જલદી ભરાઈ જાય છે!

આજે તમારામાં ઊંડે ઊંડે, થોડા જ વખત પહેલાં

બંધ કરાયેલું

વિમાનને ઊતરવાનું મેદાન છે,

હવે કેટલાં જલદી એમાં ઝાંખરાં ઊગી નીકળ્યાં છે!

હવે તમારે પગપાળા જવું પડશે, વિષાદનું ઝરણું

અન્તરમાં સાથે લઈને

પણ તમે તો થીજીને ઊભા રહી ગયા છો

અને તમારી નજર સામે જ

વંદાઓ શેરી ઓળંગી જાય છે

ખાટકીની દુકાનેથી ભઠિયારાની દુકાને ચાલ્યા જાય છે.

 

માનવીનો શબ્દ

 

પથ્થર અને તારા એમનું સંગીત

પરાણે આપણા પર લાદતા નથી,

ફૂલો મૂંગાં છે, વસ્તુઓ કશુંક ખાળી રહી છે,

આપણે કારણે આ પશુઓ

એમની નિર્દોષતા અને ચુપકીદી વચ્ચેની સંવાદિતાને

નકારી કાઢે છે,

પવનને તો એની સરળ મુદ્રાની પવિત્રતા સદા હોય જ છે.

અને ગીત શું તે તો કેવળ મૂંગાં પંખીઓ જ જાણે,

જેને તમે નાતાલની સાંજે ફેંક્યાં હતાં

થોડાં છડ્યાં વગરનાં ધાન્ય કણ.

હોવું એ જ એમને માટે તો પૂરતું

અને એ તો શબ્દને ઉલ્લંઘી જાય.

પણ આપણે,

આપણને કેવળ અંધારાનો જ ડર નહિ

છલકાતા પ્રકાશમાં સુધ્ધાં

આપણે આપણા પાડોશીને જોઈ શકીએ નહિ

ઝોડ ઉતારવા માટે એટલા તો મરણિયા થઈએ કે

ભયના માર્યા બરાડી ઊઠીએ:

‘તમે ત્યાં છો? બોલો તો!’

 

રસોડામાં

 

અહીં તો તમે લગભગ એક વરસ સુધી આવ્યા નથી.

અહીં આવતાં તમને ડર લાગતો હતો.

અને જ્યારે આવ્યા ત્યારે

એક વાર તમને આજીજી કરતું અહીંનું ઠાલાપણું

જેને તમે પછીથી હડધૂત કરી નાંખ્યું

તે હવે વેર લઈ રહ્યું છે.

હવે એ હઠીલું બનીને

તમારી ઉપસ્થિતિનું પ્રાયશ્ચિત્ત તમારી ઉપસ્થિતિ વડે કરો

એવું માગી રહ્યું છે,

અહીંનું બધું જ તમારી ફજેતી ઉડાવે છે

લિનોનિયમ, લાકડાંનાં છોડિયાં, મરી ગયેલી માખીઓ,

બ્રેડ પરની ફૂગ, તરાડ પડેલા પ્લાસ્ટરનો ખારો સરકો

લાલાશ પડતા ડાઘા અને તંગ હવાનો તડકીલો રંગ

ખૂણામાં લપાયેલા કરોળિયાઓનો ફફડાટ –

અને આ બધાંની નીચે નિ:શબ્દતા

જ્યાં ચન્દ્ર કેવળ દિવસ વેળાએ જ પ્રકાશે

પણ આ બધાંની વચ્ચે એકાએક તમારી નજરે ચઢે

(જીવનભરની કશીક આત્યન્તિકતા સાથે,

નિર્ઘૃણ, સામાન્ય, રહસ્યમય)

કોફીનો પ્યાલો

તમને તરછોડી ગયેલી કન્યાના હોઠનાં એના પર ચિહ્ન.

 

એક છોકરું

 

એક છોકરું ગાડીના પાટાને કાન અડાડીને

ગાડીનો અવાજ સાંભળી રહ્યું છે.

સર્વવ્યાપી એ સંગીતમાં એ

એવું તો ખોવાઈ ગયું છે કે

એ અવાજ આવતી ગાડીનો છે કે જતી ગાડીનો

તેની એને જરા ય પડી નથી.

પણ તમે તો હંમેશાં કોઈની રાહ જોતા હતા,

હંમેશાં કોઈકથી છૂટા પડતા હતા.

ક્યારનું આમ જ ચાલ્યા કરતું હતું,

આખરે તમને તમારી ભાળ લાગી,

અને હવે તમે ક્યાંયના રહ્યા નહીં.

 

વિરુદ્ધમાં સાહેદી

 

હું તમને ખુશીથી બધું કહી દઉં

પણ મારે કહેવું નહિ જોઈએ.

કરુણાન્તિકાની ફાટેલી મોજડી પહેરીને

સમય ઢંગધડા વગરનું નાચે છે

અને પ્રેમની વિરુદ્ધમાં સાહેદી આપે છે.

વૃક્ષો પર મંજરી બેઠી પણ ફળ નહિ આવ્યાં

જીવવું જિન્દગીમાં અને હયાતી શૂન્યમાં

જે કાંઈ બને તે પણ કશું જ બનતું નથી.

શેનાં શુકન? ત્રીજી વાર ટહેલ નાંખું?

 

તમે

 

મારામાં પૂરતી મોકળાશ છે –

તમારા વિષાદ માટે, તમારી નિન્દા માટે

અને તમારા આનન્દ માટે.

ના, સૂરજઊજળા દિવસે તમારે આવવું હોય તો

કોઈ તમને રોકવાનું નથી,

તોફાન ગર્જતું હોય તે દિવસે જ માત્ર નહિ.

અહીં તમે પેટ ભરીને રડી લો,

શાપો

અને રહસ્યની નિકટ સરી જઈને હસો,

હા, હસી પણ શકો.

અને તમારે ચાલ્યા જવું હશે તો

કોઈ રોકશે નહિ.

હું તો અહીં છું જ

તમારે આવવું હોય ત્યારે આવો,

જવું હોય ત્યારે જાવ.

 

એતદ્: માર્ચ, 1979

 

સદા

 

મારે જીવવું નથી એવું નથી,

પણ આ જ્દિગી એવી તો જૂઠડી છે ને

કે હું સાચો હોઉં તોય

સચ્ચાઈ માટે તો મારે મરણને જ પૂછવું પડે…

અને હું એ જ તો કરી રહ્યો છું.

 

છેલ્લું પાંદડું…

 

વૃક્ષ પરનું છેલ્લું પાંદડું ધ્રૂજે છે

કારણ કે એ જાણે છે કે હચમચ્યા વગર દૃઢતા આવતી નથી.

હું ધૂ્રજું છું, હે ભગવાન, કારણ કે મને લાગે છે

કે હું થોડા જ વખતમાં મરી જઈશ, મારે દૃઢ થવું જોઈએ.

દરેક વૃક્ષ પરથી છેલ્લું પાંદડું ખરે છે

કારણ કે એનામાં પૃથ્વી પ્રત્યે અશ્રદ્ધા નથી.

દરેક માણસમાંથી છેલ્લું દમ્ભનું આવરણ સરી પડે છે

કારણ કે શબઘરનો આરસ નર્યો સાદો હોય છે.

હે ભગવાન, આ પાંદડાને તારી પાસે કશું યાચવાનું રહ્યું નથી –

તેં એને વિકસાવ્યું અને એણે તારો હાથ ગંદો કર્યો નથી,

પણ હું …

 

મા

 

તમારી ઘરડી માને તમે તમારી પથારી

કરતાં કદિ જોઈ છે?

એ ચાદરને કેવી રીતે ખેંચે છે, સરખી કરે છે

એના છેડાઓ ખોસી દે છે

અને બધી સળ કાઢી નાખે છે,

જેથી ક્યાંય તમને કરચલી પડી ગયેલી લાગે નહીં!

એનો શ્વાસ, એના હાથની અને હથેળીની ગતિ

એમાં એટલો બધો પ્રેમ

કે ભૂતકાળમાંની પસિર્પોલિસની આગ હજી એ જ હાથ

ઠારી રહ્યા છે

અને આ ક્ષણે ભવિષ્યના કોઈ ઝંઝાવાતને શમાવી રહ્યા છે

ચીનથી દૂરના કાંઠે કે અજાણ્યા સમુદ્રમાં ક્યાંક.

 

એક કન્યાએ પૂછ્યું

 

એક કન્યાએ પૂછ્યું: કવિતા એટલે શું?

ત્યારે એને કહેવું હતું અરે તું ય છે, હા, તું ય છે જ ને,

અને એ ય કંઈ ભય અને કંઈક વિસ્મયથી કહેવું હતું,

એથી તો ચમત્કારોનો પુરાવો મળી રહ્યો હોત.

તારા સૌન્દર્યની પરિણતિની મને અદેખાઈ આવે છે

અને હું તને ચૂમી શકતો નથી કે તારી સાથે સૂઈ શકતો નથી

તેથી અને મારી પાસે આપવા જોગું કશું નથી, અને જેની પાસે એવું

કશું ન હોય તે ગાયા કરે, માટે ગાઉં છું

પણ આ બધું તમારાથી કહેવાયું નહીં, તમે તો મૂગા જ રહ્યા

અને પેલી કન્યાએ તમારું ગીત સાંભળ્યું નહીં.

 

આગાહી

 

ડિસેમ્બરની એક રાતે તેં તારો જામ

મદિરાથી ભર્યો

અને બીજા ઓરડામાં તું ચોપડી શોધવા ગઈ

તું પાછી આવી ને જોયું તો જામ અર્ધો ખાલી હતો.

આથી તેં છળી મરીને ઉન્માદભર્યા ફાટેલા અવાજે પૂછ્યું:

‘કોણ આ પી ગયું હશે?’ કારણ કે તું તો એકલી જ રહેતી હતી

પથ્થરની દીવાલ અને કાંટાળા થોર વચ્ચે પુરાઈને

અને એવી અમાનવીયતા વચ્ચે કે આ પહેલાં ક્યારનાંય

તે પૂતળાં ને ભુતભુતાવળને હાંકી કાઢ્યાં હતાં.

 

વારસો

 

કવિઓ જે પાછળ મૂકી જાય છે તેમાં હંમેશાં એવું કશુંક

રહ્યું હોય છે જે સમય, પાપ અને હદપારીથી ઘવાયું હોય છે.

આ એમણે કરેલી સોંપણી છે.

સૌથી ઓછા જાણીતા, શાન્ત અને ખૂબ ચાહી જાણનારા કશું બીજાના

પર લાદતા નથી: એમની છબિ દ્વારા નહીં, ઉપાલમ્ભ દ્વારા નહીં

આશ્વાસન દ્વારા ય નહીં; પ્રેમ દ્વારા તો સહેજે ય નહીં.

તમે જેને વર્તમાન કહો છો એમાં એ અનુપસ્થિત હોય છે.

બરફમાંથી માનવી બનાવનાર પિકાસો બરાબર જાણતો હતો

કે કલાની અમરતા સમય, પાપ અને હદપારીમાં રહી હોય છે.

એને સૂર્યે આંસુ, ઝરણાં, નદી, સમુદ્ર અને શૂન્ય દ્વારા

મુક્ત કરવી જોઈએ.

 

એતદ્: સપ્ટેમ્બર, 1981


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.