44 નમેલી સાંજ

 

મકાનોનાં ધાબાં ભૂખરા પથ્થરના કે લીલ બાઝેલી તખતીનાં છે.

એ લોકોનો શ્વાસ ધુમાડિયામાંથી બહાર વહે છે.

તેલિયા ચીકણાશ!

 

ટોળામાં રહેતાં માણસોની વાસ, કતલખાનાની વાસી ગન્ધના જેવી!

ઘાઘરા નીચેનાં સ્ત્રીઓનાં ખાટાં શરીર!

હે આકાશ સામે ખડકાયેલી નગરી!

ચીકણાશ! એની એ વાસી હવાનો શ્વાસ લેતા જીવ, અને અપવિત્ર

લોકોના ઘરનો ધુમાડો – કારણ કે દરેક નગરી એટલે ઉકરડાનું ઢાંકણું.

 

નાનકડી દુકાનની કાચની બારી પર – ગરીબોનાં ઘર આગળના ગંદકીના

ઢગલા પર – ખારવાઓની વસતિમાંથી આવતી સસ્તા દારૂની વાસ પર – પોલીસ

ચોકીના આંગણામાં ડૂસકાં ભરતા ફુવારા પર – ફૂગ વળેલા પથ્થરનાં પૂતળાં

પર ને રઝળતા કૂતરાં પર – સીટી મારતા નાનકડા છોકરા પર અને જડબાંની

બખોલમાં થરકતા ગાલવાળા ભિખારી પર,

 

કપાળમાં ત્રણ કરચલીવાળી માંદી બિલાડી પર,

સાંજ ઢળે છે, માણસોના ધુમાડામાં થઈને.

– ઘારા જેવી નગરી નદીમાં થઈને દરિયામાં વહી જાય છે…

ક્રુસો! – આ સાંજે તારા પેલા દ્વીપ પર, સમુદ્રની સોડમાં સરીને આકાશ એની સ્તુતિ ગાશે અને એકાકી તારાઓના આશ્ચર્યોદ્ગારને શાન્તિ દ્વિગુણિત કરશે.

 

પડદા પાડી દો; દીવો પેટાવશો મા.

 

તારા દ્વીપ પર ને ચારે બાજુ સાંજ ઢળી છે. અહીં ને તહીં; સમુદ્રનો કુમ્ભ, ખોડખાંપણ વિના, જ્યાં જ્યાં વળાંક લે છે ત્યાં ત્યાં; આંખનાં પોપચાંના રંગની છે એ સાંજ, આકાશ અને સમુદ્રના તાણાવાણાથી વણાયેલા માર્ગો પર.

બધું ખારું ખારું છે, ચીકણું ને લોહીના દ્રવ જેવું ઘટ્ટ.

 

પંખી એનાં પીંછાંને હિંડોળે ઝૂલે છે, તેલિયા શમણામાં; કીડાઓએ બોદું કરી નાખેલું પોલું ફળ ખાડીના પાણીમાં પડે છે, પોતાના પડવાના અવાજને તાગતું.

વિશાળ જળરાશિના પટાંગણમાં, ઉષ્ણ પ્રવાહ અને મત્સ્યના સ્નિગ્ધ વીર્યથી ધોવાઈને સમુદ્ર કાંપ સાથે બાથ ભરાવીને દ્વીપ નીંદરમાં ઢળે છે.

 

પથરાયે જતી કાદવિયા વનસ્પતિ નીચે, ચપટાં માથાંથી આળસુ

માછલીઓએ પરપોટા કર્યા છે; ને બીજી એનાથીય આળસુ, પડીપડી પહેરો ભરે છે – કાદવમાં ઈંડાં ઊભરાય છે – પોતાની કાચલીની અંદર ખખડતાં પોલાં જીવડાંને સાંભળો – હરિયાળા આકાશના નાના શા ખણ્ડની પડછે એકાએક ધુમાડાનું ગૂંચળું દેખાય છે – એ છે ગૂંચવાઈને ઊડતા મચ્છરો. – પાંદડાં નીચે તમરાઓ એકબીજાને સાદ દે છે – ને બીજા નરમ જીવ, આસન્ન રાત્રિની પ્રતીક્ષામાં, વર્ષાની એંધાણીથીય શુદ્ધ સૂરે ગીત ગાય છે: એ તો બે મોતી ગળીને ફુલાવેલાં પીળાં ગલોફાં છે…

 

ઘૂમરી ખાતાં ને ચળકતાં જળનો વિલાપ! ફૂલનાં વજ્ર, આર્દ્ર, રેશમી મુખડાં: વિષાદ જે ફાટી પડીને ખીલી ઊઠે છે! મોટાં ઝૂલતાં પ્રવાસી પુષ્પો, સદાકાળ જીવતાં પુષ્પો, જે આખીય સૃષ્ટિમાં, કદીય ઊગતાં નહીં થંભે… શાન્ત જળની ઉપર ચકરી ખાતા પવનનો શો રંગ! તાડનાં પાંદડાંનો સળવળાટ!

 

અને દૂર ક્યાં યે રડ્યાખડ્યા ભસતા કૂતરાનો ય અવાજ નહીં, એટલે કે ઝૂંપડી નહીં; એટલે કે ઝૂંપડી ને સાંજનો ધુમાડો ને તેજાનાની વાસમાં ઢંકાયેલા ત્રણ કાળા પથ્થરો.

 

પણ ચામાચિડિયાં, નાના ચિત્કારથી, નરમ સાંજનું ચિત્ર કોરે છે.

 

ઉલ્લાસ! આકાશની ઊંચાઈઓમાં મુક્ત થયેલો ઉલ્લાસ!

 

…ક્રુસો! તું ત્યાં છે! અને તારું મુખ, રાત્રિના પ્રત્યેક અણસાર પ્રત્યે, અંજલિની જેમ નિવેદિત થયું છે.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.