હું ખુશ છું, બેહદ આજ ખુશ છું,
સાચું કહું, બેહદ આજ ખુશ છું.
આકાશનો ચંદરવો પુરાણો
જો ચાહતા હો બદલી જ નાંખવા
તો આજ એને બદલી જરૂર
આકાશની સુરત ફેરવીશ,
કાંકે ખરે બેહદ આજ ખુશ છું.
ક્હો તમે તે કરવા હું રાજી છું:
લાવો લૂછું ચન્દ્રમુખેથી ડાઘ,
એના હજારો અપરાધ માફ.
ક્હેજો તમે ઉર્વશીને બને તો
તૈયાર છું શીખવવા હું આજે
અપૂર્વ કો નૃત્યની ચારુ મુદ્રા,
જે જોઈને ઇન્દ્ર વદે: અહાહા!
મારે ઉરે જે થડકંત સ્પન્દનો
તે સૌ નવાં પ્રેમમહિમ્નસ્તોત્રો;
ભૂલો જૂનાં પ્રેમનિવેદનો ને
શીખો નવી આ પ્રણયોક્તિઓને.
શલ્યાતણી આજ કરું અહલ્યા,
સૌન્દર્યરાશિ દઉં, આવ કુબ્જા!
આવે અહીં રાવણરામ બંને
તો મિત્ર એવા કરી નાંખું એમને
કે એકનો સંગ ન અન્ય છોડે!
હું તોપને હાલરડું ગવાડું,
ને બોમ્બને પુષ્પની વૃષ્ટિ શીખવું,
મારી ખુશીના જળમાં ઝબોળી
હું નિષ્ઠુરોનાં સહુ પાપ ધોઉં.
હું પથ્થરોના ઉરમાં જગાડું
સૂતેલ મીઠાં શમણાંની યાદ;
હું પર્વતોને શિશુ શા નચાવું
ખંખેરી ભારેખમ ગર્વભાર.
ક્ષિતિજનો કંચુકીબંધ છોડી
હું પૃથ્વીના યૌવનને પ્રસારું.
ને સાગરોનાં જળબિન્દુઓને
ઘોળી પીવાડું નવલો અજંપો;
આ કાળનો અશ્વ પલાણી એને
દોડાવું ઉન્મત્ત રવાલ ચાલે.
હું ખુશ છું, બેહદ આજ ખુશ છું,
માગો ગમે તે, કહું હું તથાસ્તુ.
ક્હેવા જતાં વાત ખુશી તણી એ,
ક્હેવાતણા માત્ર શ્રમે કરીને,
રે કિન્તુ થાતું કશું દર્દ શેં મને!
તેથી કહું ના કરશો વિલમ્બ,
મારી ખુશીનો પટ ના પ્રલમ્બ!
હું ખુશ છું. બેહદ આજ ખુશ છું,
સાચું કહું, બેહદ આજ ખુશ છું.