હું ઇન્દ્ર, મારે નહિ સ્વર્ગ જોઈએ,
કે અપ્સરાનું નહિ સૈન્ય જોઈએ,
ઝંખું ન કલ્પદ્રુમની હું છાયા,
કે ના શચીની વર કામ્ય કાયા.
હું ઇન્દ્ર, મારે બસ વજ્ર જોઈએ,
પડ્કારવાને બસ વૃત્ત જોઈએ
એ વજ્ર કાજે વળી કો દધીચિનાં
રે હાડ મારે નથી માગી આણવાં;
મારાં જ અસ્થિ થકી વજ્ર સર્જીને
યુયુત્સુ ઊભો હું અધીર થૈને
મેં વજ્રને માત્ર ન હાથમાં ધર્યું,
અંગાંગ મારું બની વજ્ર છે ગયું:
હું શબ્દ બોલું – અવકાશ કંપતો,
હું પાય માંડું – કચડાય કાળ તો;
મરુદ્ગણો શ્વાસમહીં પુરાયા
ને સૂર્યચન્દ્રો નયને સમાયા.
શિરાશિરાએ વહી અગ્નિધારા,
સર્વાંગમાં વિદ્યુતના ફુવારા.
નથી નથી ભંગુર મારી કાયા,
એમાં અરે કૈં પ્રલયો છુપાયા!
હે વૃત્ર! આવી પળ યુદ્ધની હવે,
એને નકાર્યે નહિ કાંઈ પાલવે.
દુર્ઘર્ષ દુર્દાન્ત હું શક્તિ પૂર,
આ ઉર્વશીનાં નથી કૈં નૂપુર!
તેં ના ધરાનું કણ બાકી રાખ્યું,
સર્વત્ર છાયા તુજ વ્યાપી જોઉં;
તેં માનવીના મનમાં પ્રસારી
વિનાશની લોલુપ જીભ તારી.
હે વૃત્ર! તું વ્યાપક જો વિનાશ,
તો હું ધરાની છું અનંત આશ;
સાકાર તું દુષ્ટ તણે ઘમંડ,
ભૂલોકનું પૌરુષ હું પ્રચણ્ડ.
તું આવ, ભીડું તુજને હું બાથમાં,
રે ત્યાં સુધી જંપ મને જરાય ના.
હું ઇન્દ્ર, કિન્તુ નહીં સ્વર્ગવાસી,
હું તો ધરાનો અદનો નિવાસી;
મારું ન સ્વર્ગે ડગી જાય આસન,
હે વૃત્ર, તારા પર મારું શાસન.