130 હાઇન્ત્સ કાહલો

 

બુઢ્ઢો કડિયો

 

બુઢ્ઢો કડિયો જ્હોન મરી ગયો છે.

એનું મોઢું હવે

જે સિમેન્ટથી એ ઇંટો ચણતો તેના જેવું.

એના હાથ પણ એવા જ.

ગઈ કાલે જે છોકરાને એણે ઠપકો આપવો પડ્યો હતો

એની બેદરકારી માટે –

તે હવે એની જગ્યાએ આવ્યો.

જે ભઠ્ઠી એણે છેલ્લી વાર જોઈ હતી

તેમાંથી આ સવારે

પહેલી ધુમાડાની સેર ઊંચે ચઢી

એને કશાં જૂઠાણાં વિના દફનાવી દેજો.

 

છાપું

 

આજે સવારે અમે છાપામાં વાંચ્યું:

એક માણસને અપરાધી ઠેરવવામાં આવ્યો.

કોની તરફેણમાં, અને કોની વિરુદ્ધમાં?

ચુકાદો કોણે આપ્યો?

કોની તરફેણમાં, અને કોની વિરુદ્ધમાં?

છાપાંએ તો માત્ર આટલો જ અહેવાલ આપ્યો:

એક માણસને અપરાધી ઠેરવવામાં આવ્યો.

છાપાંની માલિકી કોની?

એ માણસનો માલિક કોણ?

 

હું સાજો થયો

 

હવે ફરીથી

હું તમારા સૌ પૈકીનો

એક થઈ ગયો છું.

મારા હાથમાંથી ફરી લોહી વહે છે.

હવે જ્યારે

હું તમારા સૌની સાથે છું

ત્યારે માત્ર મને બધાં માટે

ભય લાગે છે એવું નથી.

હવે ફરી એક વાર

મને

મારે માટે પણ ભય લાગે છે.

 

એતદ્: સપ્ટેમ્બર, 82


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.