આજે કેવો અદ્ભુત આ લાગે અવકાશ!
પેંગડા લગામ જિન વિના ચાલો પલાણીએ
અશ્વ સમ મદિરાને પૂરપાટ હાંકી પહોંચીએ
દૂરે દૂરે અલૌકિક સ્વર્ગલોકે.
નિષ્ઠુર સાગરજ્વરે પીડિત કો દેવદૂતયુગ્મ સમ!
આપણે બે નીકળીએ શોધવાને દૂરે દૂરે
પ્રભાતના નીલ સ્ફટિકના પાત્રે
તગી રહે જે મરીચિકા સદા તેને,
ચક્રવાતતણી પાંખે ધીમે ઝૂલી ઝૂલી
સમાન્તર વાસનાએ પ્રેર્યાં આપણે બે
સેલારા મારતાં જશું સાથે સાથે.
ઊડ્યે જશું દૂર ક્યાંક વણથંભ્યાં –
આરામ કે વિશ્રામની વાત કશી!
સ્વપ્ને ઝંખ્યાં એ વૈકુણ્ઠધામે.