‘મહેરબાન, સહેજ વાર ઝોકું નહિ ખાઓ તો સારું,
હું સરખી દાઢી તો બનાવી દઉં!’
ભર બપોર, હજામની દુકાન.
મેળામાં ઉમટેલું લોક મારા આયનામાંથી પસાર થાય છે.
‘આજે શું મેળો ભરાયો છે?’
‘હા, સાહેબ.’
કરચલીવાળો ચહેરો હસે છે.
‘સાહેબ, હવા કેવી ખુશનુમા છે, નહિ?
જુવાન ગ્રામવાસીઓ વસન્તના મેળામાં જવા દોડી રહ્યા છે.
આયનામાંનો ચહેરો, અર્ધો મૂંડેલો
ભારે થાકેલો ને કશાકમાં લપેટ્યો હોય એવો લાગે છે.
મારી પીઠ પાછળ થઈને ગામડાની ગોરાંદે
હસતી હસતી ચાલી જાય છે.
આયનામાં ઘેરા ભૂરા આકાશનું પ્રતિબિમ્બ પડે છે.
જુઓ પણે આતશબાજી ઊડી!
હું ગ્રામવાસીઓનાં ગીતો પણ અહીં બેઠો બેઠો સાંભળી શકું છું.
દર્પણમાં કેવું મોહક દૃશ્ય!
મારી પીઠ પાછળ જ ગામડાનો મેળો બરાબર જામ્યો છે.
હું એકાકી –
આયનામાં ફિક્કા પ્રેતની જેમ બેઠો છું.
જિન્દગીનો મેળો જામ્યો હોય ત્યારે
ભલા, એકાદ વાર તો દિલ દઈને હસવું જોઈએ ને!
ક્ષિતિજ: માર્ચ, 1964