105 તામુરા રયુઇચિ

મારું જીવન જ એક કટોકટી

મારી કાચની ચામડી નીચે

દુર્દાન્ત વાસનાઓનો ઝંઝાવાત સૂસવે,

ઓક્ટોબરના નિર્જન દરિયાને કાંઠે

એક વધુ હાડપિંજર ફેંકાય;

ઓક્ટોબર જ મારું તો સામ્રાજ્ય.

મારા નરમ હાથ જે ખોવાયું છે તેને વશમાં રાખે.

મારી નાનકડી આંખો જે ઓગળતું જાય

તેને નજરમાં રાખે.

મારા કૂણા કાન

મરણની નિ:શબ્દતાને સાંભળે.

મારું જીવન જ એક વિભીષિકા.

મારા ધસમસતા લોહીના પ્રવાહમાં

સર્વનાશી સમય વહે.

ઓક્ટોબરના ઠંડીભર્યા આકાશમાં

એક તાજો દુકાળ ફૂટી નીકળે છે.

ઓક્ટોબર જ મારું તો સામ્રાજ્ય

મારું મરેલું સૈન્ય

વરસાદમાં તરબોળ દરેક શહેર પર કાબૂ મેળવે.

ચેતવણી આપનારું મારું મરેલું વિમાન

હેતુ વિનાના ચિત્ત પર ચકરાવા લીધે રાખે.

મારાં મૃતજન મરનારાઓનાં નામનાં

દસ્તખત કરે.

 

એતદ્: જુન, 1981


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.