સમસ્યા
એને ખાલી રસ્તા પર શરીરની જેમ પડેલું જોયું, આજુબાજુમાં કોઈ ઘર નજરે પડતાં નહોતાં અને એ શરીર તો પગભર ઊભું થયું ને લથડતું દૂર ચાલી ગયું. રસ્તો જ્યાં લઈ જાય ત્યાં. કવિતા જક્કી બનીને એની પાછળ પડી, એને પ્રશ્નો પૂછતી ગઈ, એને કશુંક બોલવાનો આગ્રહ કરતી રહી, કવિતા કાગળની ચબરખીની જેમ એ શરીરના માથાની આજુબાજુ ચક્રાકારે ફરતી રહી, એણે દાંત ભર્યા ને કવિતાને કરડી; એણે ઘૂરકિયાં કર્યાં, એણે રોષનો ફૂંફાડો માર્યો, એને ઠપકો આપ્યો પણ એ રસ્તે આગળ ને આગળ ચાલ્યા કર્યું, મનમાં ને મનમાં આપઘાતના વિચાર કર્યા અને ઠાલી પ્રાર્થના ગણગણ્યા કરી.
સિનારિયો
એક વૃદ્ધને ભાન થાય છે કે એનું શરીર જુવાનીના દિવસો તરફ પાછું વળી રહ્યાનાં ચિહ્નો વરતાવા લાગ્યાં છે, લબડી પડેલી એની સાથળની આજુબાજુની ત્વચામાં કરચલી અને ચરબી હતાં ત્યાં તાજગી અને સ્નિગ્ધતા દેખાય છે. એણે એ પણ નોંધ્યું કે એના ધોળા વાળમાં મૂળના કાળા વાળની છાંટ અહીંતહીં દેખાવા લાગી છે, કેટલાંક અઠવાડિયાં વીતી ગયાં પછી એક સવારે એણે દાઢી કરવા આયનામાં જોયું તો એને લાગ્યું કે દાઢી પરની લબડેલી ચામડીની રેખાઓ જતી રહી છે અને પોતે એના વીસી દરમ્યાનના ચહેરાની તાજુબ કરી દે એવી છબી જોઈ રહ્યો છે. એથી એ ભય પામે છે ને ઉત્તેજિત પણ થઈ જાય છે અને એ પોતાની પત્નીને બતાવવા દોડી જાય છે. એની પત્ની એના તરફ જુએ છે ને રડવા માંડે છે. હવે એ પોતાના નિશ્ચિત મરણને અનુભવે છે. એ હજી નાનો ને નાનો થતો જાય છે અને એ વયની નિષ્ઠુરતા એનામાં આવે છે. એ એની પત્નીને છોડી દે છે અને એક જુવાન સ્ત્રી સાથે રહેવા માંડે છે. જિન્દગી ફરીથી મોજીલી બની જાય છે અને એ હજી નાનો થતો જાય છે, અને એની નવી પત્ની એની હાંસી ઉડાવે છે. હવે તો સોળ વરસનો થઈ ગયો છે. એનાં શરીર અને મન ઉત્તેજનાભરી વિશૃંખલ દશાને પામે છે. એ હજી નાનો થાય છે અને કાલું કાલું બોલનાર બાળક થઈ જાય છે, પછી ધાવણું બાળક બને છે ને પછી તરત જન્મીને રડતું બાળક થઈ જાય છે. પછી ગર્ભની અવસ્થાને પામે છે. પોતાનું ને પોતાની આજુબાજુનું બધું ભાન ભૂલી જાય છે. પછી અણ્ડની સ્થિતિને પામે છે. પછી વાસ્તવિક રીતે એનું અસ્તિત્વ નથી એમ કહીએ તોય ચાલે, પણ જ્યારે ફરીથી એને પોતાનું ભાન થાય છે ત્યારે એ ધબકતી ઉષ્માભરી ફાટમાંથી ચીપિયાની મદદથી બહાર આવી રહ્યો છે. એનું થડકતું માથું એ ચીપિયાથી પકડાયું હોય છે.
સન્ત પુરુષ
મેં મને લોખંડના પાંજરામાં પૂર્યો અને જાણી કરીને એની ચાવી ફગાવી દીધી જેથી ફસાઈ ગયાનો અનુભવ થાય અને હવે મને સમજાય છે કે હું સાચે જ ફસાઈ ગયો છું અને બહાર નીકળી શકું તેમ નથી. હું ચાવી શોધવા પ્રયત્ન કરું છું પણ એ મારી પકડની ને નજરની બહાર છે. કોઈક ત્યાં આવે છે ને વિચારે છે કે આવી પુરાઈ જઈને જીવવાની જિન્દગી જ મને ગમે છે કારણ કે મારી પાસે ચાવી નથી ને હું ચુપચાપ પાંજરામાં છેક સવારથી ઊભો છું. બપોર વીતી ગઈ છે ને રાત પણ વીતી ગઈ છે. એટલે મેં એને ઘરેથી કશાક કામે જતાં ને આવતાં જોયો છે; હવે એને કશું કુતૂહલ થતું નથી. હું અનિચ્છાએ પુરાઈ ગયો છું એવું એને ભાન થશે એવો મને ડર છે. છૂટવા માટે હું એની કે પછી જે કોઈ બીજો આવી ચઢે તેની દયા પર આધાર રાખી શકું નહિ કારણ કે મેં આ જાતે વહોરી લીધું છે એમ જ એમને લાગશે. એમાંથી એઓ એવું તારણ પણ કાઢશે કે મારા પર કોઈ હુમલો કરે એવું હું ઇચ્છું છું.
ભલે, હું જાતે પુરાઈ રહેવાની સ્થિતિ બને તેટલી સારી રીતે ગૌરવપૂર્વક અને હસતાં હસતાં જીવી કાઢીશ. જે કોઈ આવશે ને મને જોશે તેના પર આથી એવી છાપ પડશે કે હું આ પાઠ પૂરેપૂરા આનન્દથી ભજવી રહ્યો છું ને એમ કરવાનું મેં સ્વેચ્છાએ સ્વીકાર્યું છે. અરે હું મારી પ્રત્યે આદરની લાગણી થાય એવી પણ આશા રાખું, એ લોકો વાહવાહ કહીને તાળી પાડે, મારી મુલાકાત લે ને છાપાંવાળા એ વાતને ચમકાવે. મારે સ્વેચ્છાએ પુરાઈ જવાની વાત સ્વીકારવી પડશે. મારા શ્રોતાઓને તથા સાક્ષીઓને એથી જે આશ્ચર્ય થશે તે મને થતી ગુપ્ત વેદનામાં આશ્વાસનરૂપ નીવડશે. હા, આ વિરોધાભાસમાં મને સુખ મળી રહેશે અને આશ્વસ્ત થવા માટે એ સુખને હું જાળવી રાખીશ. જે લોકો મારા પર પથ્થર ફેંકવા કે મને ચીઢવવા માટે જ આવવાના હોય તેમને હું ચેતવી રાખું છું કારણ કે જેમને મારી પ્રત્યે અહોભાવ છે અને જેઓ મને અનુસરવા માગે છે તેઓ એક સન્તપુરુષના પર હુમલો કરનારાનાં ચીંથરાં ઉડાવી દેશે.
વાર્તાલાપ
હું તમારા કાર્યને સ્વતન્ત્રતાને નકારનારું સમજું છું.
અને હું તમને યદૃચ્છાચારી લેખું છું.
આપણે કોઈ સમાન ભૂમિકા પર મળી શકીએ ખરા?
હા, અહીં, સંજોગવશાત્ આ વિમાનમાં.
એનો અર્થ શો?
એ તો કહેવું મુશ્કેલ છે. સંજોગોને બુદ્ધિપૂર્વક સમજાવી દઈ શકાય નહિ. પણ એને વિશે અટકળ કરી શકાય.
તો હું એવી અટકળ કરું કે તમે સંજોગવશાત્ હું લંડનમાં હતો ત્યારે લંડનમાં જ હતા અને આપણો કાર્યક્રમ પણ સંજોગવશાત્ સરખો જ હતો. તો પછી મારે કશું કહેવાનું રહેતું જ નથી.
સાચું.
અને મારી સાથે વાતચીતનો વિષય ખોળવાને બદલે હું છાપું જ જોઉં તે જ ઠીક.
એ પણ રાબેતા મુજબ જ.
હું તમને છાપું આપું, મારી પાસે બે છે.
ના, મારી પાસે ચોપડી છે.
(સ્ટુઅડ્રેસની જાહેરાત) સજ્જનો અને સન્નારીઓ, આપણે પાછા વળીને નીચે ઊતરવાની તૈયારીમાં છીએ. નીચે ઊતરવાનાં પૈંડાં કામ કરતાં નથી. આપણે તાકીદનું ઉતરાણ કરવું પડશે.
તો એનો અર્થ એ કે આપણે પૈંડાં વગર સીધું જ જમીન પર ઉતરાણ કરવું પડશે?
હા.
તો કદાચ આગ પણ લાગે કે વિમાનની આગલી અણી જમીનમાં ખૂંપી પણ જાય.
એમ પણ બને.
તો જુઓ, આપણી વિચિત્ર નિયતિએ આ ઉડ્ડયન દરમ્યાન આપણને ભેગા કર્યા છે. કદાચ એનો અન્ત આપણા મરણથી ય આવે. આપણી પેઢીના આપણે બે છેલ્લા કવિઓ. હજુ ય તમને લાગે છે કે આપણું આમ વિમાનમાં મળવું એની પાછળ કશો સંકેત રહ્યો નથી?
મને તો એટલી જ ખબર છે કે મને ભય લાગે છે, ને મારે મરવું નથી.
તમારા શ્વાસ ભારે થઈ ગયા લાગે છે, તમે હાંફતા હો એવું જ લાગે છે.
હું મારી નવી પત્ની અને અને નાના બાળકને મૂકીને આવ્યો છું. આ નવા લગ્નથી મને સુખ થતું હતું, હું નિરાંત અનુભવતો હતો. કેટલાં ય પુસ્તકો લખવાની મારી યોજના હતી. એમાં મારો ભાવ બદલાયો હોત, મારો દૃષ્ટિકોણ પણ જુદો જ હતો.
હવે તો એમાંનું કશું પૂરું કરવાનો કદાચ તમને સમય જ નહિ મળે. એવું તમે એકદમ કેમ કહી દઈ શકો છો?
મારે વિશે જે કાંઈ લખવાની ઇચ્છા હતી તે બધું હું લખી ચૂક્યો છું એવું મને તો લાગે છે. આ ક્ષણ પછીની ક્ષણે નહિ જીવવાનું હોય તેનો મને રંજ નથી. મારી એક વાર્તામાં મેં આવા જ અન્તની આગાહી કરી છે. એથી જાણે મને એમ લાગે છે કે એ વાર્તા હું જાણે અત્યારે જ લખી રહ્યો છું અને એનો અન્ત વિમાનના તૂટી પડવાથી આવે છે, એ મારો જીવનદીપ બુઝાવી નાખે છે અને એ રીતે મારી લેખક તરીકેની કારકીદિર્નો અન્ત આવે છે.
મને ખરેખર તો તમારી કૃતિઓ માટે કદી ય આદર થયો નથી. મેં તમારી કૃતિઓને કંઈક રમૂજથી જોયા કરી છે. એક શીખાઉ બીજા શીખાઉને ઊંચે ચઢાવતો હોય એવું મને લાગ્યું છે. પણ તમે હમણાં જે વાર્તાનો ઉલ્લેખ કર્યો તે મને ખરેખર વિચારપ્રેરક લાગી છે… .. મારા ભયને હું ટાળી શકતો નથી. હું થરથર ધ્રૂજું છું. મારી મરવાની તૈયારી નથી.
હું તો તૈયાર છું, જોકે મારું પેટ બેસી જતું હોય એવું મને લાગે છે ને મારું મન ભયથી છવાઈ ગયેલું અનુભવું છું. હું મારી જાતને કહું છું: ‘ચાલો, બધું પૂરું થયું.’ જગતના પર છાપ પડે એવું ઘણું ઘણું હું પાછળ મૂકી જાઉં છું અને જગતને વિટંબણામાં મદદ કરે એવું પણ એમાં છે.
તમે તો મોટા ફિલસૂફ લાગો છો, ખરું ને? તમારાં લખાણ પરથી તો મેં કદી એવું ધાર્યું જ ન હોત.
ને છતાં મેં તો તમને હંમેશાં ભારે વિચારશીલ લેખક ગણ્યા છે. તમે તમારી આત્મચેતનામાં ઊંડે ગરકાવ થઈને રહો છો. તમારા સમકાલીન જમાનાને પણ તમે તાગ્યો હોય એવું લાગે છે. એ બધાંમાં જીવતાં જીવતાં તમે તમારી કશીક આગવી ફિલસૂફી સુધી પહોંચવા મથી રહ્યા હો એવી છાપ પડે છે. એને આધાર આપવા માટે તમારી પાસે વિદ્વત્તા પણ છે.
પણ હું તો હમણાં એથી કાંઈક જુદું જ તમારી આગળ પુરવાર કરી રહ્યો છું.
હા.
એ માટે મારે તમારી ક્ષમા યાચવી જોઈએ.
એ હું સમજી શકું છું. તમારી સાથે આ વાર્તાલાપ કરી રહ્યો છું તેથી જ ભયથી જે ચીસ પાડી ઊઠ્યો હોત તેને હું રોકી શક્યો છું. આમ વાતચીત કરતાં કરતાં જ મરી જવાય તો એ સર્વથા ઉચિત અને મધુરું બની રહે.
હા, પણ મને મરવાની રજમાત્ર ઇચ્છા નથી; આ ઘડીએ તો નહિ જ. આપણે કેટલી મિનિટમાં ઉતરાણ કરીશું? આપણે કેટલી મિનિટ પછી ઊતરવાનું શરૂ કરીશું, હોસ્ટેસ?
પાંચ.
બચવાની કોઈ શક્યતા ખરી?
સારી એવી શક્યતા છે.
તમને ગભરાટ થાય છે?
હા.
અમારી જેમ તમને પણ ભય લાગે છે?
હા.
પણ તમારો તમારી જાત પર અદ્ભુત કાબૂ છે.
કોઈ સાથે વાતમાં રોકાયેલા રહીએ તે સારું. એ કદાચ આપણા છેલ્લા શબ્દો હોય. આવે વખતે વાતો કર્યે જઈએ તે સારું.
મને હેમ્લોક પીતાં વાતો કરતો સોક્રેટિસ યાદ આવે છે.
પણ આપણે કાંઈ મરવાનું મંજૂર રાખ્યું નથી.
આ વિમાનમાં બેઠા એથી એક રીતે તો એ મંજૂર રાખ્યું જ ગણાય. હજુ તમે એ સંજોગોવાળી વાત પકડી રાખી છે?
માત્ર સંજોગોએ જ આપણને સાથે મરવા માટે ભેગા કર્યા છે?
હવે મને કશું જ સમજાતું નથી, કશું જ સમજાતું નથી. આપણે મરી જ જવાના છીએ એની મને ખાતરી નથી.
અને ઈશ્વરને પ્રાર્થના કરો કે આપણે ન મરીએ, પણ નર્યા અકસ્માતથી વિશેષે આપણને એકબીજા જોડે વાર્તાલાપ કરવાને નિકટ આણ્યા છે. આટલાં બધાં વર્ષો સુધી તમે અને હું એકબીજાને ટાળતા રહ્યા અને મળ્યા ત્યારેય લગભગ મૂંગા જ હતા.
મરણની નિકટતાએ આપણને વાતો કરતા કર્યા, ભલે ને એણે આપણી વચ્ચે કશી સમાન ભૂમિકા રચી નહિ આપી હોય.
મરણ પોતે જ એ સમાન ભૂમિકા છે – દરેકને માટે એવું જ હોય છે ને! અરે મારી પત્ની અને મારું નવું સન્તાન, મારી વ્હાલસોયી પત્ની, મારું આનન્દભર્યું જીવન, એનું એક નારીએ કરેલું નવું સંસ્કરણ, પ્રેમની સ્નિગ્ધ દૃષ્ટિથી જીવન ફરીથી સજીવન થઈ ઊઠે, પ્રબુદ્ધ બને એવી મારી શ્રદ્ધા! એ કાંઈ ભ્રાન્તિ નહોતી. આપણે જીવતા હોઈએ ત્યાં સુધી એ સાચું જ હોય છે.
હવે આપણે જીવવાના નથી.
હું તો છેક જ આશા છોડી દેવાનો નથી.
આપણે મરવું જ પડશે.
હું તો આશા છોડી દેતો નથી.
મેં તો છોડી જ દીધી છે. મારું આખું જીવન જાણે આ દિશા તરફ જ જઈ રહ્યું હતું. હું એની જોડે ઝૂઝવા માટે નવેસરથી પરણ્યો. હું જાણે મારી નિયતિથી છટકવાને પલાયન કરી રહ્યો હતો, પણ હવે એણે મને પકડી પાડ્યો છે, કોઈ પોતાની નિયતિથી છટકી શકે નહિ.
તમે આ પહેલાં આવું નહોતા કહેતા.
શું? તમે શું કહેવા માગો છો?
સંજોગો એટલે સંજોગો, એને સાચી રીતે આકસ્મિકતા કહી શકાય.
મેં એવું કહ્યું અને મને જ ખબર નહોતી કે હું શું કહી રહ્યો છું.
મને ઉદ્વિગ્ન અને વિક્ષુબ્ધ કરવા માટે જ તમે એવું કહ્યું હતું?
તમારી અને મારી વચ્ચેની દીવાલ જળવાઈ રહે એટલા માટે મેં એવું કહ્યું હતું. અને એ દીવાલ તો ઊભી જ છે.
આપણે બંને મરવાની અણી પર છીએ ત્યારે ય!
આપણે વચ્ચે દીવાલ રાખીને વાત કરી રહ્યા છીએ.
કશી વાતો જ ન કરીએ એના કરતાં તો એ ઘણું સારું.
તમારો બોલવાનો રણકો બદલાયો તે મને ગમ્યું.
(સ્ટુઅડ્રેસનો બોલવાનો અવાજ ફરીથી સંભળાય છે) આકસ્મિક ઉતરાણ માટે તૈયાર રહો. તમારું માથું નીચે નમાવીને બે ઘૂંટણ વચ્ચે દબાવી દો. તમારા હાથ માથાને વીંટાળી દો.
માથું નીચું રાખીને કૂતરાની જેમ હજી ય આપણે વાતો કરીશું?
હા, બોલો ને, આપણા મોઢામાં શબ્દો હોય અને આપણે મરીએ તે મજાનું લાગશે. એ કૂતરાને મોતે મર્યા એવું નહિ લાગે.
મારા લખાણમાં હું યદૃચ્છાચારી લાગું પણ જીવનમાં હું નિયતિની વિભાવનાનો બચાવ કરતો હોઉં અને તમે સ્વતન્ત્રતાને નકારી કાઢતાં છતાં આ સંજોગોના બન્ધનમાંથી છૂટવાની પ્રાર્થના કરતા હો એવું નથી લાગતું?
તમારી સાથે વાત કરતાં હું એ જ વિચારી રહ્યો હતો.
તો આ બધાંનો અર્થ શો?
આપણામાં ધાર્યું હતું તેના કરતાં વધારે સામ્ય છે.
આપણે એકબીજાની અવેજીમાં ચાલી શકીએ એવા છીએ.
પણ હવે આપણે મરવાના છીએ એટલે આપણા બંનેના અંશો ભુંસાઈ જશે, જીવનારા એ વિશે લમણાઝીક કર્યા કરશે.
હા, આખરે મરણમાં આપણે એક થયા.
મારી નવી પત્ની અને સન્તાન
સાથે નહિ, પણ મારા જીવનના વિરોધી સાથે.
માણસોમાં આવી એકતા સ્થાપનાર મરણનું સ્વાગત.
એતદ્: ઓગસ્ટ, 1982