13 કેશરાશિ

 

કશો કેશરાશિ, ગ્રીવા પરે વહી જાય એની વીચિમાળા,

અલકલટોની કશી અલસ મધુર ઘન સૌરભની ધારા;

અહો કશો હર્ષાવેશ! છાયાઘન મંડપ પ્રણયતણો

તારા કેશગુચ્છે લુપ્ત સ્મૃતિથકી ખચી દઉં રાતે

પવનમાં ધરી એ ફરકાવું, ફરકાવે જેમ કો રૂમાલ.

 

એશિયાનો અલસ વિલાસ વળી આફ્રિકાનો આતપ પ્રખર

સુદૂરે રહ્યું કો વિશ્વ, અદૃશ્ય ને લુપ્તપ્રાય

સુવાસે પ્રમત્ત તુજ કુન્તલના ગહન અરણ્યે લહું,

કોઈનાં હૃદય ઝૂલે સંગીતના દોલે

પ્રિયે! તેમ હૈયું મારું, વહી જાય સુવાસ સાગરે.

 

જઈશ હું, એવા દેશે જ્યહીં માનવ ને વૃક્ષ,

લસલસી રહે રસે, ઉત્તેજક તપ્ત હવા કરે જ્યાં વિવશ,

ઘન કેશગુચ્છ બનો ઊમિર્રાશિ, વહી જાઉં દૂરે, અતિ દૂરે

અબનૂસના સાગર! આંજી દે તું સ્વપ્ન મારી આંખે:

કૂવાથંભ, શઢ, દ્યુતિ ને ખલાસી – સહુ થાય એકાકાર.

 

ધ્વનિ પ્રતિધ્વનિ થકી ગાજી રહેતું બંદર કો જ્યહીં મારા પ્રાણ

સુગન્ધ સૂર ને વળી વર્ણતણી વીચિમાળાતણું કરે પાન;

સરી જાય નૌકાઓ જ્યાં સોનેરી ને બહુરંગી રેશમના સ્રોતે

શાશ્વત દ્યુતિએ તપ્ત થરકતું વિશદ આકાશ

એને આલંગિવા પ્રસારે છે દીર્ઘ બાહુપાશ.

 

કાળાં આ સાગરજળે – જેમાં બંદી થઈ રહ્યો બીજો કો સાગર,

ઝબકોળું શિર મારું ચકચૂર નશામહીં સદા ય પાગલ;

સૂક્ષ્મરુચિ મન મારું પામીને દુલાર તારાં ઊછળતાં મોજાંઓનો

નહીં ભૂલું પડે કદી, અચૂક એ ખોળી લેશે તને

– મધુર સુગન્ધે મત્ત અલસ ઐશ્વર્યતણું હાલરડું જાણે.

 

નીલ કેશ, છાયાતણો તાણ્યો તમ્બૂ! ધરી દિયે મને

ગગનનો ગોલક વિશાળ પૂર્ણ, નીલ જેની ઝાંય

કુટિલ અલકતણા રોમાંકુર કોમલ આ ગ્રીવાતટે

કોપરેલ કસ્તુરી ને ડામરની મિશ્ર ગન્ધે

મત્ત બની જાઉં છું હું બધું ભૂલી ભાન.

 

કેટલાય દિન સુધી, સદાકાળ મારો હાથ તારા કેશગુચ્છે

વિખેરતો રહેશે પન્ના, મોતી, માણેક ને હીરા

પછી તો તું સુણીશ ને કામનાનો સાદ? ને ના થશે ને બધિર?

તું તો મારો રણદ્વીપ, પડ્યો પડ્યો જોયાં કરું સ્વપ્ન

તું તો સ્મૃતિમદિરાનો જામ મારો, ઘૂંટે ઘૂંટે થાઉં મગ્ન.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.