દરેક રેલવે સ્ટેશને
દરેક રેલવે સ્ટેશને ફરિયાદપોથી હોય છે
અને, તમે જો માગો તો એ આપવાને એ લોકો બંધાયેલા છે:
વિચાર આમ તો, મને લાગે છે કે, ખરાબ નથી.
જો ચિત્રગુપ્ત પણ આવી ફરિયાદપોથી રાખતો હોત તો
લોકોને એમની વેદના બદલ મૂંગા ન રહેવું પડ્યું હોત.
બીતાં બીતાં, પહેલાં તો સાવધાનીથી, એઓ બધા
પોતે ભોગવેલાં દુ:ખની દાસ્તાન લઈને,
એમને અન્યાયપૂર્વક જે સહેવું પડ્યું હોય તેની યાદી લઈને,
વિશ્વભરનાંનો ન્યાય ચૂકવનારનું ધ્યાન ખેંચવા
અને ન્યાય પામવા પહોંચી ગયા હોત.
ત્યારે સળિયા આગળ ઢગલો થઈ પડેલી ને ગઈ રાતે બાગમાં રડતી દીઠેલી
એ નારીની અર્ધી લીટીથી આપણે
કેવા ચકિત થઈ ગયા હોત!
એતદ્: મે, 1979