આંખોને તે આવતી હશે પાંખ?
તો ય એક દિન ઊડી ગઈ મારી આંખ
શોધી જળમાં શોધી થળમાં
ક્યાં ગઈ હશે એ આ ભૂતળમાં
આખર એણે કર્યો ઇશારો
હબકી જ ગયો હું તો ભયનો માર્યો
વન, અરે ભાઈ, અમાવાસ્યાનું વન
પડછાયાઓનું બેઠું ધણ
કોઈ ભૂવો વગાડે ડાકલી
મારી તો ધ્રૂજી ઊઠી પાંસળી
ઊભું’તું એક જંગી ટોટેમ
ને ત્યાં મેં જોઈ હેમખેમ
મારી આંખ
નીચે વધેર્યા બલિની ધારા
લબડતી જીભોના ચીચિયારા
આંખ મારી બની ગઈ બે હોઠ
લોહી પીને બની હિંગળોક
સળગી ઊઠી કૈંક મશાલ
પ્રેતો નાચે ડાળેડાળ
લોહીની મશક લઈ ચાલે પખાલી
ને એમ આખી એ વણઝાર ચાલી
ચાલ્યા કરી એ આખી રાત
ન જાણ્યું ક્યારે થયું પ્રભાત
આંખે હજીયે લોહીની ટશર
ટોટેમ ક્યાં તે તો કોને ખબર!
જાન્યુઆરી: 1967