71 હરણ

 

સ્વપ્નમાં જ કદાચ – ફાગણની જ્યોત્સ્નાની અંદર

મેં જોયાં પલાશના વનમાં ક્રીડા કરતાં

 

હરણો; રૂપેરી ચન્દ્રનો હાથ શિશિરે પર્ણોમાં;

પવન પાંખ ખંખેરે, – મોતી ખરી જાય

 

પલ્લવોની વચ્ચે વચ્ચે – વને વને – હરણની આંખે;

હરણો ક્રીડા કરે હવા અને મોતીના પ્રકાશમાં.

 

હીરાનો પ્રદીપ પ્રગટાવી શેફાલિકા બસુ જાણે હસે

હિજલની ડાળની પાછળ અગણિત વનના આકાશે–

 

વિલુપ્ત ધૂસર કોઈક પૃથ્વીની શેફાલિકા, અહા,

ફાગણની જ્યોત્સ્નાએ હરણો જ માત્ર ઓળખે એને.

 

પવન પાંખ ખંખેરે, હીરા ઝરે હરણોની આંખે –

હરણો ક્રીડા કરે હવા અને હીરાના પ્રકાશે.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.