લહરી

ના, ના, કશું એ તો નથી,
રાત આખી બોલવા કોઈ મથી
થાકી ગયું,
માત્ર એના મૌનનો અણસાર;
કે દિશાને ઉમ્બરે
ગઈ કાલનું જે ઠોકરાયું પ્રેત
તેનો હશે આ રક્ત તિરસ્કાર?
કે તેજનાં કિરણોતણી આ બાણશય્યા
પર સૂતેલા નીલ નભના હોઠનો સિસકાર?
કે પછી અન્ધારકેરા દરમહીંથી
છેડાઈ છંછેડાઈને માંડી ફણા આ સૂરજે –
એનો હશે ફુત્કાર?
કે તુષાર
પર્ણપર્ણે જાય મૂકી કેટલાં કોમળ
અનુસ્વાર?
કે ફોડી ઈંડું મૃત્યુનું
જીવનશાવક નીકળે છે બ્હાર
તેના પ્રથમ ઉચ્છ્વાસનો આ સાર?
ઊગી સવાર?

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.