131 રાઇનર કુન્ત્સે

 

વાર્તાનો અંજામ

 

કૂકડો વાર્તા માંડે છે:

‘એક વખતે એક શિયાળ હતું…’

 

પણ એને તરત ભાન થાય છે કે

વાર્તા એવી રીતે ન કહેવાય

કારણ કે જો શિયાળ એ વાર્તા સાંભળી જાય

તો એને જરૂર ભરખી જ જાય.

 

‘એક વખતે એક ખેડૂત હતો…’

કૂકડો ફરી વાત માંડે છે

 

પણ એને તરત ભાન થાય છે કે

આ વાર્તા ય ચાલે નહિ

કારણ કે જો ખેડૂત સાંભળી જાય

તો એની ડોક જ મરડી નાખે.

 

‘એક વખત… …’

તમે વાર્તા માટે અહીં જુઓ, પણે જુઓ

તમને ક્યાંય વાર્તા જડશે નહિ.

કળાનો અંજામ

 

ઘુવડે જંગલી ઘોડાને કહ્યું,

‘તારે સૂરજનાં ગાણાં ગાવાં નહિ

સૂરજ કશાં લેખાંમાં નથી –

 

જંગલી ઘોડાએ પોતાના ગીતમાંથી

સૂરજને કાઢી નાખ્યો

 

તું ખરો કળાકાર છે,

ઘુવડે જંગલી ઘોડાને કહ્યું

પછી બધે અંધારું થઈ ગયું.

 

દરેક દિવસ

 

દરેક દિવસ

એક પત્ર

 

દરરોજ સાંજે

એને બીડી દઈએ

 

રાત એને લઈ જાય

કોને મળે?

 

દીકરી

 

તું ટપાલની ટિકિટો એકઠી કરે છે

આખરે એથી બને છે શું?

 

જ્યારે તું પતંગિયાવાળી ટિકિટ જુએ

ત્યારે તું પતંગિયા જેવી હળવી થઈ જાય

 

જ્યારે તું પંખીવાળી ટિકિટ જુએ

ત્યારે તું

પંખીની જેમ ઊડી જાય.

 

ટપાલી

 

ટપાલી, મારા દોસ્ત,

જ્યારે સ્ટેમ્પ ખરીદવાનું

મને પરવડે નહિ

ત્યારે તું મને આપજે

એક ટોપી

એક થેલો

એક શેરી

અને ખૂબ ખૂબ કાગળો

હું એક્કેય કાગળ

ખોઈ નાખીશ નહિ

કે એના ખૂણા

વાળી નાખીશ નહિ

(કાળજી રાખો – મોટા પિક્ચર પોસ્ટકાર્ડ છે –

હું જાણું છું).

કાળી કિનારવાળા કાગળો

હું, બીજા કાગળો વહેંચાઈ જાય

ત્યાં સુધી, રાખી મૂકીશ

હતાશ થયેલા લોકોને માટે

હંમેશાં હું એક કાગળ લઈ જઈશ

(માત્ર મને મોરાવિયા માટેનો પત્ર આપશો નહિ

તો તો હું કવિતા લખવા જ મંડી પડીશ)

 

એતદ્: સપ્ટેમ્બર, 1982


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.