152 યુદ્ધં દેહિ

 

કહ્યા કર્યું અર્જુનને સદા તેં:

યુદ્ધસ્વ હે ભારત, છોડી ક્લૈબ્ય.

મારે તને યે બસ એ જ ક્હેવું

કે આપજે યુદ્ધ તું એક વાર.

 

જે હાથ તારો પૂરતો ગયો ચીર

પાંચાલીને તે દિવસે સભામાં,

તે હાથ તારો ચહું છેદવાને

ના ત્યાં સુધી જંપ મને જરાયે.

થવા દીધી હોત નવસ્ત્ર દ્રૌપદી

જો તેં ભલા, એક જ વાર માત્ર

તો બોલ, હેઠા નહિ શું પડ્યા હતે

દુ:શાસનોના સહુ દુષ્ટ હાથ?

 

રે કિન્તુ તું તો પરપીડભંજક!

ભૂલ્યો ન તારો મહિમા, પ્રવંચક!

પૂર્યે ગયો ચીર, ન ભાન રે તને

ખેંચ્યે જશે દુષ્ટ સદાય એને!

 

થાક્યો હશે એક, ભલે ન તેથી

દુ:શાસનો અન્ય જરા ય થાક્યા.

 

પાંચાલીનાં વસ્ત્ર હજુ ય ખેંચે

દુ:શાસનો એ, નહિ થંભતા જરા!

થાક્યો દિસે તું પરપીડભંજક!

 

તેથી કહું કે બસ યુદ્ધ આપ

ને છેદવા દે તુજ દુષ્ટ હાથ.

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.