102 મિયાઝાવા કેન્જિ

 

નહીં ઝૂકે વરસાદમાં

કે નહીં પવનમાં

બરફના તોફાનમાંય નહીં

કે ઉનાળાની લૂમાંય નહીં;

શરીરે સુદૃઢ પણ નહીં કશો લોભ કે નહીં કશો રોષ

હંમેશાં ગમ્ભીર મુખ રાખીને સ્મિત કરે,

દરરોજ ચાર કોળિયા ભાત

ને થોડુંક શાક ખાય,

પોતાને તો કશા લેખામાં ગણે જ નહીં.

પણ બધું જ જુએ અને સાંભળે

સમજે બધું

કશું ભૂલે નહીં.

આમલીની ઘટા નીચે

ઘાસથી છાયેલી નાની છાપરીમાં રહે:

ઊગમણી દિશામાં કોઈ છોકરું માંદું હોય

તો એ દોડી જઈને સારવાર કરે:

આથમણી દિશામાં કોઈ મા થાકીપાકી હોય

તો એ જઈને પરાળના બે પૂળા ઊંચકવા લાગે:

દખણાદી દિશામાં કોઈ મરવા પડ્યું હોય

તો એ જઈને એની ફડક દૂર કરે;

ઉત્તરમાં કોઈ કજિયાકંકાસ કરે

તો એ જઈને ટાઢા પાડે.

દુકાળ હોય ત્યારે આંસુ પાડે,

ઉનાળામાં એ આંસુમાં થઈને ચાલે,

બધાં એને મૂરખ કહે.

ન કોઈ એને વખાણે

કે ન કોઈ એને ચાહે.

મારે

એ માણસના જેવું થવું છે.

એતદ્: જૂન,1961

 


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.