104 બે રચના

 

મેં સહુ પ્રથમ મારો ચહેરો જોયો સ્વપ્નમાં

તે રાતે મને તાવ ઘણો ચઢ્યો હતો

ભગવાનનું નામ લેતો હું ઊંઘી ગયો હતો

અને મારી આગળ એક ચહેરો પ્રકટ થયો.

અલબત્ત, એ મારો આજનો ચહેરો નહોતો.

હું જુવાન હતો ત્યારનો ચહેરો નહોતો

હું જુવાન હતો ત્યારનો ચહેરો નહોતો

મારા મનમાં જેની છબિ હંમેશાં જોઉં છું

તે ભવ્ય દેવદૂતનોય ચહેરો નહોતો

આ બધાને ટપી જાય એવો એ ચહેરો હતો –

અને હું તો તરત જ વરતી ગયો

કે એ મારો જ ચહેરો હતો.

*

એ ચહેરાની આજુબાજુ

સોનેરી કિનારવાળી કાળાશ હતી.

બીજે દિવસે મેં આંખો ખોલી ત્યારે

તાવ તો એવો ને એવો જ ધખતો હતો

પણ મારા હૃદયમાં ગજબની શાતા હતી.

*

બુઢ્ઢી મા!

કદાચ હું આમ કહું તે વાજબી નહીં કહેવાય,

પણ તું નાક ખંખેરવાનું બંધ નહીં કરે?

હજી તો પહેલો જ કોળિયો ભરું છું ત્યાં જ દરરોજ

સવારે આ કેવો ઘોંઘાટ!

અઢાર વરસની કોઈ છોકરીની જેમ તું સુઘડ ને

ચપળ રહે એવું તને કહું એવો મૂરખ હું નથી.

હવે તારી આંખ ને હોઠ

જર્જરિત ને કરમાયેલાં છે

પણ તું સાદાઈ ને ચોક્ખાઈ જાળવે એટલું જ હું ઇચ્છું.

તારામાં કશુંક એવું છે જે મને બિવડાવી મારે છે.

(મને માફ કરજે, મારે આવું તને કહેવું પડે છે.)

હું જાણું છું કે જુવાનીથી માંડીને આજ સુધી તેં

કપરા દહાડા કાઢ્યા છે.

ઠપકો તો આ દુનિયાને જ દેવો ઘટે.

એણે જ તો તારી આંખોને આનન્દહીણી કરી છે,

તારા હોઠને કદરૂપા કર્યા છે.

આ ભૂંડીભખ દુનિયાને તારી આંખોમાં જોતાં

મને દુ:ખ થાય છે.

નવ્વાણુ ટકા લોકો ઘરડા થશે ત્યારે એમની આંખો આથીય વધુ કદરૂપી હશે.

આ હકીકતને નરદમ નષ્ટ કરે એવો કોઈ ઇસુ

શું હવે નહીં જડી આવે?

ના, મારામાં જ કશુંક બગડ્યું લાગે છે.

– ઘૃણા, જાતપંપાળ ને નિર્બળતા!

તેથી જ તો ઘરડી મા નાક ખંખેરે તે સાંભળીને

મને ઉબકા આવે છે, ચક્કર આવે છે;

એ અભાગિયણની આંખો જોઈને હું છળી મરું છું.

શું મારામાં દયામાયાનો છાંટો નથી?

મારા હૃદયને ચૂરેચૂરા કરી નાખે

એવો કોઈ ઇસુ ભેટી જાય તો કેવું સારું!

 

ક્ષિતિજ: માર્ચ, 1964


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.