92 પ્રેમી

 

તાજાં તાજાં માખણ શી કાયા તારી! જાણું, એની

પાછળે, તો આખરે છે કુત્સિત કંકાલ

(અયિ કંકાવતી!)

મૃત-પીત વર્ણ એનો;

ખડી શી સફેદ શુષ્ક અસ્થિશ્રેણી

જાણું, એ છે શેની મૂતિર્? નિ:શબ્દ, બીભત્સ એક રુક્ષ અટ્ટહાસ્ય–

નિદારુણ દન્તહીન વિભીષિકા.

 

તાજાં તાજાં માખણ શી કાયા તારી! જાણું એની પાછળે

તો રહ્યું છે કઠોર પેલું ચોકઠું;

હરિણશિશુના જેવી કરુણ આંખોની પછીતે

વ્યાધિગ્રસ્ત ઉન્માદના દુ:સ્વપ્નની જેમ.

 

તો ય તને ચાહું

તાજાં તાજાં માખણ શી કાયા તારી

સ્પર્શવાને અગાધ અભિલાષ, હિંમત ના ચાલે

સિન્ધુગર્ભે ફૂટે કાંઈ કેટલાં અદ્ભુત કુસુમ,

તેના જેવું તારું મુખ, એના ભણી તાકવાનું

બહાનું શોધી શકું ના હું.

થાતું મને: લાવ કાંઈ બોલું: આકુળવ્યાકુળ કરે

કાંઈ કેટલી ય વાતો ઘુમરાય મારા રક્તે

(અયિ કંકાવતી!)

 

ઘડીભર તાકું જો હું તારા મુખ ભણી

પૃથ્વી હચમચી ઊઠે, શબ્દો ક્યાંના ક્યાં ખોવાય

શોધ્યા ય ન જડે!

તેથી દૂર થકી જોઈ ચાલ્યો આવું;

(જો હું પાસે જાઉં તો તારું આ રૂપ તે અતૂટ રહે ખરું?)

પાછો ચાલ્યો આવું,

દૂર થકી ચાહ્યા કરું તારી કાયા –

રાતના ધૂસર ગોચરે રડ્યાખડ્યા

વડ કેરાં પાંદડાં

ટપ ટપ શિશિરનું ઝર્યે જવું

ચાહ્યા કરે નીરવે જે રીતે.

 

મને પ્રેમ દેવા ચાહે! પ્રેમથી તું ભોળવીશ મારું મન?

તું છે નારી, કંકાવતી, ક્યાંથી તું લાવીશ પ્રેમ?

મને એનું કરીશ ના દાન,

નથી જેમાં તારું પોતાપણું.

ઉછીના લીધેલા દ્રવ્ય તણો મને નથી લોભ;

એ ઋણનો ભાર

વધતો જ જશે દરરોજ

આખરે એ કરી દેશે તારો સર્વનાશ.

એ ઋણને વાળવાને દ્રૌપદીની બધી સાડી ઉતારી આપવી જોશે.

સભામહીં, મારી દૃષ્ટિપરે

નિતાન્ત નિરાવરણા, દરિદ્ર, સહજ

તારે ઊભા રહેવું જોશે; રહેશે ના પછી

રહસ્યની અતીન્દ્રિય ઇન્દ્રજાળ.

 

છોડી દે ને કરવો તું ઢોંગ પ્રેમ કેરો – એ જ વધુ સારું.

દૂર થકી જોઈ મુગ્ધ થૈશ

તો યે મુગ્ધ થૈશ.

ભલે ને તું ના પિછાને મને. હું જ તને ચાહ્યા કરું

તો ભલે ને.

એ વાતને તારે કાને બહુ સૂરે રટવાને ચાહું ના;

એ જે મારો પ્રેમ – સમજી શકીશ એને તું કદિ ય ના.

 

તો ય ઘડી માની લે કે –

માની લે કે સ્થાપ્યો છે તેં મને તારા હૃદયના મણિમય સિંહાસને

તું – હું – ઉભયને સુદૃઢ વિશ્વાસ.

તું ચાહે છે મને.

એ જ અનુસારે હરીએ ફરીએ, વાતો કરીએ હાથમાં હાથ રાખી

લાલ થઈ ઊઠતી તું – અનેક લોકની વચ્ચે દૃષ્ટોદૃષ્ટ મળે ત્યારે.

લાલ થઈ ઊઠું હું યે – પાસેના કોઈને મોઢે તારું નામ સુણું ત્યારે.

મારા મુખ પરે કેશરાશિ વિખેરી દે –

એની ગન્ધે રોમાંચિત થઈ ઊઠે વસુંધરા.

 

હજુ યે કહું કે તને?

તાજાં માખણની તારી કાયા ઢાંકી રાખે જેમ કુત્સિત કંકાલ

તેમ જ આ પ્રેમ તારો પ્રેતને કો ઢાંકી રાખે

– બોલ, એવું કહું કે?

દુર્ભાગ્યે જ આ છે મારું. બધું જ હું જાણું.

મારી પાસે સરી આજે જે પાલવ પસારી દે સુન્દર લજ્જાએ

જાણું, એ ય શ્લથ થશે કોઈ એક રાતે –

(ત્યારે ક્યાં હોઈશ હું?)

શંકાતણું જે કંપન તારા દેહલાવણ્યને કરી મૂકે છે મધુર,

(અયિ કંકાવતી. –

મધુર! મધુર!)

જાણું, તે ય થંભી જશે ધૂસર પ્રભાતે એક, જ્યારે આંખ ખોલી

પાર્શ્વસ્થ મનુના દૃઢ આકુંચન થકી

કરશે મુક્ત તું તારો કટિતટ.

અનિશ્ચિત ભયે ભર્યા ભવિષ્યને કાજે

જે ઉત્કણ્ઠા સતાવે છે

તને – મને –

આપણા મિલન તણી પરિપૂર્ણતમ ઘડી

જે વ્યથાએ રણઝણી ઊઠે;–

તારે ખોળે માથું રાખી ગૂંચવું હું કેશ તારા આંગળીએ

ત્યારે જે વેદનાએ જોઉં કે તું દુષ્પ્રાપ્ય – દુર્લભ;

જે વેદના આ પ્રેમને કરી દે મહાન,

(અયિ કંકાવતી –

મહાન્! મહાન્)

જાણું તું ય ભૂલી જશે એ ઉત્કણ્ઠા, એ વેદના ને એ પ્રેમ

પ્રથમ શિશુના જન્મદિને.

આ તારી જે સ્તનરેખા બંકિમ, મસૃણ, ક્ષીણ સતત સ્પન્દિત –

જોયો છે અસ્પષ્ટતમ જેનો આભાસ જ માત્ર

જરાક શો જેનો સ્પર્શ આનન્દે કરે છે મને ઉન્મત્ત – ઉન્મત્ત,

(અયિ કંકાવતી!)

જાણું, તે યે સ્ફીત થશે સદ્યોજાત અધરની શોષણ-તૃષાએ

મને કરવાને મુગ્ધ જે સુસ્નિગ્ધ સુષમાએ સજાવતી સર્વદા તું તને

તારાં જે સૌન્દર્યને હું ચાહું (તને તો નહિ?)

જાણું, તે તું અંગથી ઉતારી ફેંકી દેશે –

કારણ, તારા જીવનનું બીબું ત્યારે

સદા માટે ઘડાઈ જ ગયું હશે

કોઈ રીતે એનો નહિ થશે કશો વ્યતિક્રમ

સુન્દર ના હોવા છતાં જીવનનું પાત્ર થતાં કશી ક્ષતિ કે ક્ષય ના થાય.

સુન્દર થવાની ગૂઢ, દુષ્કર સાધના

ક્લેશકર તપશ્ચર્યા

કોણ પછી કરવાને જાય?

 

બધું ય હું જાણું, તો ય – તેથી જ હું ચાહું,

જાણું તેથી અધિક જ ચાહું.

જાણું, માત્ર ત્યાં સુધી જ તું રહીશ તું

જ્યાં સુધી તું રહેશે મારી પ્રિયા.

સામે છે મૃત્યુની ગુહા, તારા મૃત્યુતણી.

ખીલી છે તું ફૂલ જેમ ક્ષણ કાજે આજના ઉજ્જ્વળ પ્રકાશે

પ્રેમના પ્રકાશે મમ –

એમાં શો દેખાય તારો ચળકાટ,

ને ક્ષણિક રંગીનતા – પતંગિયાવેડા

તેથી જ એ શોભાને હું ગટગટાવું

આંખો વડે, પ્રાણ વડે, આત્મા વડે, મૃત્યુની કલ્પના વડે

એ જ શોભા પીધે રાખું.

તારી આ બદામી આંખો – ચકચક, હળવી, ચટુલ

તેથી તો હું ચાહું.

તારા રતુમડા કેશ – અસ્તવ્યસ્ત, શુષ્ક ને નરમ

તેથી તો હું ચાહું.

એ જ કેશ, એ જ આંખ – એ બધાં છે મારે કાજે અરણ્ય ગભીર

એમાં મને મારગ ના શોધ્યો જડે.

જાતને હું ખોઈ બેસું – એ બે આંખો મહીં, કેશમહીં, – રતુમડા – બદામી

જાતને હું ભૂલી જાઉં, મને જ હું ખોઈ બેસું –

તેથી તો હું ચાહું.

ને હું ચાહું તાજાં તાજાં માખણ શી તનુલતા તારી

(અયિ કંકાવતી!)

ને હું ચાહું મને ચાહવાની વાસના તારી

(અયિ કંકાવતી)

અયિ કંકાવતી!


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.