પ્રણયીની ચાટુ ઉક્તિ

છતી થઈ ગઈ વાત

ચાલી જતી આ રાત –
જાંબુડાંનાં ઝૂંડમાં થઈ
સંકોરી અંગો ગઈ સરી
તળાવડીને તળિયે;

કાયાપલટ જળમાં કરીને નીકળી બહાર,
ત્યાં અર્ધજાગ્યાં પંખીઓની ખૂલતી’તી પાંખ;
એની વચ્ચે ગઈ લપાઈ,
પંખી ઊડ્યાં
ને એ
ગઈ વેરાઈ!
ક્યાં ગઈ?
જોઉં ચારે પાસ ત્યાં…

મારી જ પડખે પાંખ શાં ખૂલી ગયાં બે પોપચાં,
ચમકી ઊઠ્યા બે તારલા;

છતી થઈ ગઈ વાત:
ચાલી ગઈ ક્યાં રાત!

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.