99 દરિયાકાંઠે મેઘધનુષ

 

ગર્જના કરતાં મોજાંઓ પ્રત્યે બેપરવાહ

છીપલી સૂતી છે.

રેતીમાં દટાઈને, હાલતી રેતીમાં ઝૂલતી

ઓસરતી ભરતી સાથે,

મોજાંઓની ગર્જના લક્ષમાં લીધા વિના

છીપલી હળવેથી સૂઈ રહી છે.

કોઈ દિવસ આ દરિયાકાંઠો

પૃથ્વીના પડની હલચલથી

બદલાઈ જશે ખેતરોમાં અથવા તો ચાલી જશે દરિયાના પેટાળમાં;

એટલા દૂરના ભવિષ્યની છીપલી ચિન્તા કરતી નથી.

આકાશનાં વાદળોની એને ઈર્ષ્યા નથી

કે વર્ષોથી મૃત કાયાની એને ઝંખના નથી.

શૂન્યમય બનીને, હીબકાં ભર્યાં વિના, ધૂંધવાયા વિના

પ્રકૃતિના સાહસને બધું ન્યોછાવર કરી દઈને

કશી યાતના વિના, પણ નિ:શબ્દપણે

સરતાં સરતાં

કોઈ તોફાની દિવસે

એ ગડગડાટ સાંભળે છે –

અને બળબળતા સૂર્યની નીચે

રેતીમાં સેકાઈને પડી હોય છે ને

જો કોઈ બેપરવાહીથી એને ઊંચકી લે

ને એમાંથી બટન બનાવે, તો એની એને પડી નથી.

આહ! છીપલી,

દરિયાકાંઠેનું મેઘધનુષ

તું તારું સુન્દર સપનું સેવ્યે જા.

 


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.