થોડાંક ફૂલ

મધુમાલતી

મધુમાલતી!
પુષ્પમુખે તું હજુ મુજ બાળપણની વાણીને ઉચ્ચારતી.

અનાથ મારી દૃષ્ટિ માને ચાર બાજુ શોધતી,
આશ્વાસવા ત્યારે શીળી તું હરિત ગોદ બિછાવતી.

તાતા સૂરજને તું શીળો અમને કરીને આપતી,
પોશપોશે શિશુમુખે તું ચાંદની ટપકાવતી.

તારી ઘટામાંથી જ નીંદર સ્વપ્ન લઈને આવતી,
તુજ પાંદડીએ ચરણચિહ્નો સૌ પરીઓ આંકતી.

સ્વરવર્ણવ્યંજન બાળપણનાં તું સદા ગોખાવતી,
મારા જીવનની તું જ પ્રથમા કાવ્યપંક્તિ રસવતી.

આજ પણ મુજ બાલ્યવય સાથે રહી તું મ્હાલતી,
મારા હૃદયને એ શિશુને કાજ તું ઝુરાવતી.

નિ:શ્વાસ મારા તોય સુરભિત તાહરા ઉચ્છ્વાસથી,
મૃત્યુ ય મારે આંગણે પગ મૂકવાને યાચશે તુજ સંમતિ,
મધુમાલતી!

ચમેલી, જૂઇ, જાઇ

ઊતરી’તી ત્રણ પરીઓ ના’વા,
કાંઠે ત્યાં કો’ બેઠું ગાવા;
સુધબુધ ભૂલી ત્રણે બિચારી,
સવાર થઈ ને નાઠી સફાળી.
ઓઢણી સૌની અહીં ભુલાઈ,
તે જ ચમેલી ને જૂઇ જાઇ!

મોગરો

જુઓ જુઓ તો, મેં કાઢ્યું છે ગોતી
આરસધોળી સુવાસકેરું આ ઘૂંટેલું મોતી!

ચૈત્રમાં પારિજાત

બળતી બપોર હતી ચૈતરની ચારેકોર,
એથી વધુ બળતો’તો મારો રોષ કાંઈ ઓર.

કશો સ્હેજ સરખોયે તેં ના કર્યો પ્રતિરોધ,
સ્તબ્ધ ને અવાક્ બની ઝીલ્યે ગઈ શબ્દધોધ.

નીચે ઢળી પાંપણો ત્યાં ઊંચી થઈ એકાએક,
આશ્ચર્યની ચમકથી દૈન્ય ચાલી ગયું છેક.

બોલી ઊઠી આનન્દે તું: ‘જુઓ જુઓ, પારિજાત!
ચૈતરમાં પારિજાત? અહો શી અદ્ભુત વાત!’

કેસરી દાંડીએ ઝીલ્યો આકાશી આનન્દ,
કષાય રોષને ધોઈ હસતી તું મન્દ મન્દ.

હું ય હસી પડી બોલ્યો, કરીને કટાક્ષપાત:
‘હું બળતો ચૈતર તો તું છો મારું પારિજાત!’

ગુલમોર

આ કોણ આજે
આકાશની નીલ શિલાસરાણે
કાઢી રહ્યું કાળની તીક્ષ્ણ ધાર?
સ્ફુલંગિ જે ઊડી રહ્યા ચતુદિર્કે
ખીલ્યા અહીં તે ગુલમોર થૈને?

ગુલાબ

આફતાબનો રૂઆબ,
મહેતાબકેરું ખ્વાબ –
બે મળી બન્યું ગુલાબ.

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.