116 જ્યોર્જ સેફેરિસ

 

આપણી દૃષ્ટિ સમક્ષથી એટલું બધું તો પસાર થઈ ગયું છે કે આપણી આંખ એને ઉલ્લંઘીને જ જોઈ શકે છે. ને આપણી પાછળ સ્મૃતિ દીવાલવાળા સ્થળમાંના રાત્રે દેખાતા ધોળા પડદા તરેહ તરેહની ને આપણને ય વિચિત્ર લાગે એવી છબિના જેવી રહી જાય છે – પાસેના વૃક્ષના સહેજે ય નહીં હાલતાં પાંદડાંના ગુચ્છમાં સમાઈને લોપાઈ જાય છે.

આપણા આ ભાગ્યને આપણે સારી પેઠે જાણી લીધું છે – તૂટેલા પથ્થરો વચ્ચે ત્રણ કે છ હજાર વર્ષોથી ભટકતા રહ્યા છીએ, ખણ્ડેરને ખોદીને (જે કદાચ આપણું ઘર બની શક્યું હોત) વીર પુરુષોના પરાક્રમની તવારીખને શોધવા મથી રહ્યા છીએ. આપણાથી એ બની શકશે ખરું?

આપણે બન્ધનમાં છીએ, આપણે વેરવિખેર થઈ ગયા છીએ ને મુશ્કેલી સામે ઝૂઝ્યા છીએ, આપણું અસ્તિત્વ જ નથી એવું આપણે વિશે કહેવાયું છે. આંધળાં સૈન્યો સાથે ઝૂઝતાં આપણે ખોવાઈ ગયા છીએ, કાદવિયા જમીનમાં ને મેરેથોનના સરોવરમાં આપણા પગ ખૂંપી ગયા છે. સામાન્ય માનવીનું મરણ આપણા નસીબમાં હશે ખરું?

એતદ્: જુલાઈ, 78


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.