છેદ મૂકો!

છેદ મૂકો!
મારી શિરાએ શિરાએ છેદ મૂકો.
સમયનો સંચિત રસ,
છેલ્લો વળાંક લેતા રાત્રિએ પૂર્વ તરફ જોઈને ખેરવેલાં આંસુનો રસ,
પ્રેમની મધુમય ક્ષણો બાષ્પીભૂત થઈ ગયા પછી
હૃદયને તળિયે બાઝી રહેલો તેજાબી રસ,
પુષ્પના અન્ધ નિ:શ્વાસનો અવકાશમાં ઝમ્યા કરતો રસ,
ઓસબિન્દુમાં માથું પટકીને મરી ગયેલા અનાથ સૂર્યોનો મરણરસ,
ચન્દ્રના દંશથી રાત્રિના પ્રહરોની કોથળીઓમાંથી ઠલવાયેલો વિષરસ,
કરોળિયાના ઈંડા જેવા મૌનની અંદર છુપાયેલો
વિશ્વભરને લપેટી લેતો ચીકણો જાળરસ,
શંખના કુહરમાં સંચિત સમુદ્રની સ્વગતોક્તિનો રસ,
ભમ્મરિયા કૂવાના વળ ખાતા બધિર અન્ધકારનો શ્રવણરસ,
નિર્જન કેડીના પ્રલમ્બ પાત્રમાં સંચિત થયેલો
ભુંસાયેલી પદપંક્તિનો સ્મરણરસ,
સ્મશાનમાં ફોસ્ફરસ અને હવાની રતિરમણાનો અગ્નિરસ,–
શિરાએ શિરાએ છેદ મૂકો,
ટીપે ટીપે નહીં
પ્રલયપૂરે વહાવી લો
સમયનો સંચિત રસ,
મારી શિરાએ શિરાએ સળકતો રસ.

જૂન: 1962

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.