અજ્ઞાત કો’ બ્રહ્માણ્ડનો શો ઘૂઘવે સિન્ધુ!
નિષ્પલક નક્ષત્રની એમાં પ્રતીક્ષા છે ભળી,
નીલિમાના ઉરકેરી ગુપ્ત વાતો યે કશી
ઘૂમી વળીને લોહીમાં ફેલાવતી આંધી;
એના પ્રપાતે ભાંગતી જોઈ રહું કૈં સૃષ્ટિઓ મારી,
પ્રવાલકેરા દ્વીપની કો’ કન્યકા શોકાતુરા,
બાષ્પની લિપિમહીં સંદેશ મોકલતી સદા;
તે આવીને બોલી ગયા આ સ્પર્શથી વાચા કશી
જાણ્યા વિના રે મર્મ એનો હૈયું ક્યાં જતું ધસી!
આ વૃષ્ટિની ધારા તણી સિતાર,
ને વાયુની આ અંગુલિઓ શી છેડી દે સૌ તાર!
ગોરંભતો શો ઘૂમી ર્હે પૃથ્વીનભે મલ્હાર
કે ઉરને કેમે કર્યો યે ના વળે કરાર!
ધીમે સરંતો ક્યાંકથી આછેતરો નિ:શ્વાસ,
જેવી વહે અંધારમાં કો’ પુષ્પની આછી સુવાસ;
ને હૈયું ખોઈ બેસતું પોતામહીં વિશ્વાસ,
દુસ્સાહસો લાખોતણી જાગી ઊઠે રે આશ!
આ શુષ્ક ને ઊષર ભૂમિ,
જેમાં દટાઈને પડેલાં બીજનાં ભૂતો રહ્યાં’તાં રે ઘૂમી
આકાશકેરા સ્પર્શનો શો હર્ષ ત્યાં આવ્યો નમી
કે પ્રાણની હરિતાર્દ્ર શોભા ધારતી એ ર્હે ઝૂમી.
તૃણાંકુરોના દીપ લાખ્ખોની રચાઈ આરતી,
ને મેઘને મુખે સુણું આદિકવિની ભારતી.