દીવાલ કો પોષ્ટર જેમ ધારે
મેં તેમ ધાર્યો બહુ જ્ઞાનભાર;
ઉતારીને એ સહુ ભાર આજે
પતંગિયા શું મન ઊડવા દઉં.
કો વૃક્ષ નીચે ખરીને પડેલાં
સુકાયલાં પર્ણમહીંથી વાતો
કો સાપની જેમ ધીરે સરી જતો
જોયા કરું વાયુ હું મુગ્ધ થૈને.
ઉદ્દણ્ડ આ તાડની દર્પમુદ્રા,
ને થોરની ધારસજેલ તીક્ષ્ણતા,
ચમેલી ને જાઈની ઉગ્ર સ્પર્ધા
મને કરે વિસ્મિત એ અનેકધા.
વાચાળ આ પીંપળ વાયુ સાથે
હાંક્યા કરે કૈં ગપ જે નિરાંતે
તે એકચિત્તે લઉં સાંભળી હું
ને સાંભળીને મનમાં હસ્યા કરું.
વાંકી વળીને મધુમાલતી પણે
છાનું કશું ચમ્પકને કહ્યા કરે;
ને હિજરાતી ખજુરી દૂરે ઊભી
સુણાય ના તેથી જતી બળીઝળી!
સુગન્ધના ઘેનથી આકળી હવા
આળોટતી પુષ્પતણી બિછાતમાં;
એ અપ્સરાનું ઉપવસ્ત્ર જાણે
સ્નાને જતાં ફેંક્યું ન હોય કાંઠે!
આ ચાંદનીના લઈ રૌપ્ય તન્તુ
છાયાપટે કોઈની અંગુલિઓ
ગૂંથ્યા કરે ભાત નવી નવી જે
તેમાં બની તન્તુ ગુંથાવવું ગમે.
ને રાત્રિના કો પ્રહરે કદીક,
જાગી જઈ કાન દઈ હું સાંભળું
આકાશપૃથ્વી તણી ગુપ્ત ગોષ્ટિ,
ને કોશકોશે ઝમતી શી તુષ્ટિ!
કરી વ્રીડાથી મુખ અંસવર્તી,
કટાક્ષથી માત્ર પિયુ નિહાળતી,
જરાક શા સ્પર્શથી વેપથુમતી
થતી સુખે જોવી ગમે સુધન્યા!
વર્ષાભીની મેદુર કોઈ સાંજે,
પાસે સરી અંગુલિ ગૂંચવી લટે,
ને નેત્રમાં નેત્ર પરોવી બેસીએ;
છો ને વીતે દર્દુરકૂદકે ક્ષણો!
આરામની બે પળ મેળવીને
કદી ઝરૂખે જઈ એ ઊભી રહે,
ત્યારે જઈ પાછળથી અચાનક
જરાક એને ચમકાવવી ગમે.
મેં એમ તો એ મુખ જોયું છે સદા,
છતાં કદી જોવું ગમે ફરીફરી
એ દીર્ઘ પક્ષ્મોતણી શ્યામ છાયા
ગોરા કપોલે રચતી શી માયા!
અર્ધાંક બીડ્યાં નયનો શિશુનાં
નિદ્રા કશી રે ઘૂમરાય એમાં!
સ્વપ્નો તણી જાદુઈ નાવડી બની
એમાં મજેથી તરવું ગમે મને.
સ્વર્ગે ભલેને મળ્યું હોય આસન,
જો કિન્તુ કોઈ શિશુકેરું આનન
આશ્ચર્ય આનન્દથી હ્યાં હસી ઊઠે
તો દોટ મૂકી અહીં આવવું ગમે.