જોયા કરું મુગ્ધ બની તને હું:
રૂપેરી શોભે તુજ કેશપુંજ
ને એંશી વર્ષો તણી આ કતાર
તેં અંગ ધારી ગણી પુષ્પહાર;
આંખોમહીં સ્વપ્નની દેખું કેડીઓ,
રક્તે હજુ યે ઘૂઘવાટ પૂરનો.
તું પૌત્રને વાત પરીતણી કહે,
કહેતાં સ્વયં તું પરી શી બની રહે,
અવાજ તારો થડકંત કંપતો,
ઠેકાવતો સાગર સાત, પર્વતો.
પ્હોંચાડતો રાજકુમારી પાસે
ને બાળમુખો ચમકાવતો સ્મિતે.
એ દીપની સૌમ્ય સુવર્ણ જ્યોત,
ને વાતનું રેશમી રમ્ય પોત!
અંધારકેરા પટપે ભરે તું
અનોખી કો સૃષ્ટિની ચારુ ભાત.
ના દેખી જ્યારે હતી રે તું ષોડશી,
આજે તને વર્ષ થયાં છ એંશી,
તો યે તને જોઈ હું થાઉં મુગ્ધ,
વાર્ધક્યથી જોઉં તને ન ક્ષુબ્ધ.