147 શણગાર

 

સન્ધ્યા સજે છે શણગાર પશ્ચિમે:

ભાલે ઝગે ટીલડી શુક્ર કેરી,

વર્ણચ્છટાની ધરી કંચુકી ને

નીલામ્બરી ઓઢણી હાથ લીધી

તારા ખચી, નૂપુર પાયમાં સજ્યાં

સમુદ્રની આ ઉછળંત છોળનાં;

નેત્રોત્સવા એ નભને ગવાક્ષે

શશી તણા ઉદયને પ્રતીક્ષે.

 

ને આ ય ઊભી શણગાર હ્યાં સજે:

ઘરાકના મુખની લાળ પાનની

એને પગે શો અળતો લગાડતી!

ને રોગનો આ વ્રણ ગુપ્ત શો બન્યો

મોઘો અલંકાર શરીર એને.

એમાં વળી રત્નસમા ઝગી રહ્યા

કીડા બધા પુષ્ટ પરૂ થકી થયા!

એ પિંજરે કેદ કરે પ્રતીક્ષા

ક્યારે કરે આખરી કોઈ શિક્ષા!

 

License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.