ગુજરાત સાહિત્ય અકાદમીએ શરૂઆતથી જ પ્રકાશન યોજના અંતર્ગત વિદ્વાન સાહિત્યકારોના સમગ્ર સાહિત્યને પ્રગટ કરવાનો ઉપક્રમ રાખ્યો છે. આ યોજનામાં રા.વિ.પાઠકશ્રેણી, આ. બા. ધ્રુવશ્રેણી, મ. ન. દ્વિવેદી સાહિત્યશ્રેણી, દલપત ગ્રંથાવલિ રૂપે સમગ્ર સાહિત્ય પ્રગટ થઈ ચૂકેલ છે. આ શ્રેણીની હરોળમાં ગુજરાતી સાહિત્યને આધુનિકતાની એક ચોક્કસ દિશામાં વાળનારા સુરેશ જોષી યાદ આવે જ. દુર્ભાગ્યે આપણા સમયમાં નાની કહેવાય એવી વયે તેમનું અવસાન થયું. પરંતુ 1955થી 1986 સુધીના(આમ તો લેખનકાર્ય તો એથી વહેલું ચાલુ કર્યું હતું) ત્રણેક દાયકા સુધી એ આધુનિક ગુજરાતી સાહિત્યને દોરતા રહ્યા. કવિતા, લલિત નિબંધ, ટૂંકી વાર્તા, લઘુનવલ જેવાં સ્વરૂપોમાં તેમણે ખાસ્સું અર્પણ કર્યું. વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ આદર્શો પૂરા પાડ્યા.
આવા સર્જક-વિવેચકનું સમગ્ર સાહિત્ય ઉપલબ્ધ કરાવવાનો ગુજરાત સાહિત્ય અકાદમીએ નિર્ણય લીધો અને સુરેશ જોષીના પરિવારે અમને સંમતિ આપી, એટલે ‘સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ’ સંપાદિત કરવાની જવાબદારી શિરીષ પંચાલને સોંપી.
આ ગ્રંથમાળાનો ચોથો ગ્રન્થ ‘સુરેશ જોષીનું કાવ્યસાહિત્ય’ પ્રગટ થઈ રહ્યો છે. સાહિત્યના વિદ્યાર્થીઓને આ ગ્રંથ સંદર્ભગ્રંથ તરીકે ઉપયોગી થશે તેવી આશા છે. બીજા ગ્રંથો પણ આગામી દિવસોમાં પ્રગટ થશે. આશા છે કે સાહિત્યપ્રેમીઓ આ ગ્રન્થમાળાને ઉમળકાથી વધાવી લેશે.
– વરદરાજ પંડિત
મહામાત્ર
ગુજરાત સાહિત્ય અકાદમી
ગાંધીનગર