નિરીક્ષક
પ્રકાશ પ્રવેશે છે ને મને યાદ આવે છે કે હું કોણ છું;
એ પણે ઊભો રહ્યો છે.
એનું નામ કહીને એ શરૂઆત કરે છે, (તમે તો સમજી જ ગયા હશો કે )
એ નામ મારું છે.
સાત ગુણ્યા દસ વરસો સુધી ચાલી આવેલી ગુલામી
હું ફરીથી સ્વીકારું છું.
એનાં સ્મરણોનો ભાર એ મારા પર લાદે છે.
રોજ-બ-રોજનાં દુ:ખડાંનો ભાર પણ એ મારા પર લાદે છે
(એને જ તો કહીએ છીએ માનવીય પરિસ્થિતિ)
હું એનો બુઢ્ઢો સેવક; હું એના પગ ધોઉં એવું એ ઇચ્છે.
દરેક દર્પણમાં સંતાઈને એ મારા પર જાસૂસી કરે,
ચળકતા સીસમમાંથી ને દુકાનોના કાચમાંથી પણ.
આ કે તે સ્ત્રીએ એને ધૂત્કારી કાઢ્યો છે, એની વેદનામાં ય
મારે સહભાગી થવાનું.
એ હવે આ કવિતા મને લખાવે છે, જે મને જરા ય ગમતી નથી.
હઠીલી એન્ગ્લો-સેક્સન ભાષા શીખવાની મારે શરૂઆત
(હાલ પૂરતી) કરવી જોઈએ એવી એની જીદ છે.
મરી ગયેલા સૈનિકોની વીરપૂજા કરવા માટે મને એણે
સમ્મત કર્યો છે – એ એવા
લોકો છે જેમની સાથે મને એક શબ્દ સરખો બોલવાનું ન સૂઝે.
હવે દાદરને છેલ્લે પગથિયે, મને લાગે છે કે મારી સાવ
અડોઅડ જ છે.
એ મારાં પગલાંમાં છે, મારા અવાજમાં છે.
એવી એક્કેય વિગત નથી જેમાં એ નથી. મને એનો ભારે અણગમો છે.
એને ભાગ્યે જ કશું દેખાય છે એવું કહેવાનો મને ખૂબ સન્તોષ છે.
હું ગોળાકાર કોટડીમાં છું અને જેનો છેડો જ દેખાતો નથી
એવી દીવાલો મને ઘેરી વળે છે.
અમારામાંથી કોઈ કોઈને છેતરતું નથી, પણ અમે બંને જૂઠું બોલીએ છીએ.
અમે એકબીજાને સારી પેઠે ઓળખીએ છીએ, અમે તો કદી
વિખૂટા ન પડનારા ભાઈઓ.
મારા જ પ્યાલામાંથી તું પાણી પીએ અને મારો જ રોટલો તું
હડપ કરી જાય.
આપઘાતનું બારણું તો ખુલ્લું જ છે, પણ ધર્માચાર્યો ભારપૂર્વક કહે છે
કે એ પરલોકમાં ય હું મારી જ રાહ જોતો હોઈશ.
યાદી
ત્યાં પહોંચવા માટે નિસરણી મૂકવી પડે. દાદર છે જ નહિ.
અવ્યવસ્થાના ઉકરડા સિવાય કાતરિયામાં બીજું શું શોધવાનું ય હોય?
ત્યાં ભેજની વાસ આવે છે.
પાછલો પહોર સૂકવવા નાખેલાં કપડાંમાં થઈને ત્યાં પ્રવેશે છે.
છાપરાની વળીઓ માથા નજીક તોળાઈ રહે છે,
કોઈ ત્યાં પગ મૂકવાની હિમ્મત કરતું નથી, ફરસ પણ સડી ગઈ છે.
એક સંકેલી લેવાય એવો ખાટલો, તેય ભાંગેલો.
થોડાંક નકામાં થઈ ગયેલાં ઓજારો,
મરી ગયેલ વૃદ્ધની ઠેલણખુરશી.
દીવો મૂકવાની બેઠક
એક ઝોળી, એની ઝૂલના તાંતણેતાંતણા છૂટા.
બીજો સાજ-સરંજામ ને કાગળો.
સૈન્યમાં સેવા બજાવ્યા બદલનો એકાદ બિલ્લો
એક જૂની કોલસાવાળી ઇસ્ત્રી.
સમયસર થમ્ભી ગયેલું એક ઘડિયાળ, એનું લોલક ભાંગેલું.
ઢોળ ઊખડી ગયો છે એવી ફ્રેઇમ, એમાં કશું મઢ્યું નથી.
પૂઠાંની શતરંજ, થોડાં ભાંગેલાં પ્યાદાં.
માત્ર બે જ પગવાળી એક સગડી
ચામડાની પેટી.
ફુગાઈ ઊઠેલી જૂની વાર્તાની ચોપડી. એનું નામ કારીગરીથી કોતરેલું,
એક છબિ – એ ગમે તેની હોઈ શકે.
ઘસાઈ ગયેલું ચામડું – એક વાર એને વ્યાઘ્રચર્મ કહેતા હતા.
એક ચાવી – એનું તાળું ખોવાઈ ગયું છે.
કાતરિયામાં આપણને બીજું શું જોવા મળે? આ બધું સટરપટર જ ને!
વિસ્મૃતિને માટે, બધી જ ભુલાઈ ગયેલી વસ્તુઓ માટે
મેં આ સ્મારક રચ્યું છે.
(એ કાંસાના જેટલું ટકી રહે એવું નથી તે નિવિર્વાદ)
હવે એ પણ આ બધી વસ્તુઓમાં ખોવાઈ જશે.
આંધળો
જ્યારે જ્યારે હું દર્પણમાંના ચહેરા તરફ જોઉં છું
ત્યારે કયો ચહેરો મને જોઈ રહ્યો છે તે મને સમજાતું નથી.
કયો વૃદ્ધ ચહેરો નિ:શબ્દ અને ક્લાન્ત ક્રોધથી
પોતાનું પ્રતિબિમ્બ શોધી રહ્યો છે તે હું જાણતો નથી.
અન્ધાપાને કારણે મારું તો બધું જ ધીમું,
મારા હાથ વડે હું મારા ચહેરાના ઊંચાનીચા ભાગોને ઓળખું,
પ્રકાશનો એક ઝબકારો મારામાં પ્રવેશે
તારા વાળનું હું અનુમાન કરી લઉં.
એ રાખોડી રંગના અને સાથે સાથે સોનેરી પણ ખરા!
હું ફરીથી કહું છું કે મેં કશું ઝાઝું ખોયું નથી.
જે ખોયું છે તે તો વસ્તુઓની ઉપરની તુચ્છ ત્વચા માત્ર.
આ ડહાપણભર્યા શબ્દો મિલ્ટનના છે, ને એમાં ખાનદાની છે.
પણ મને પત્રોના અને ગુલાબોના વિચાર આવે છે.
મને એમ પણ થાય છે કે જો હું મારો ચહેરોમહોરો જોઈ શકું
તો હું કોણ છું તે, આ મહામૂલા નમતા પહોરે, જાણી તો શકું.
એતદ્: ઓગસ્ટ, 1982