121 આન્દ્રેઇ વોઝ્નેસેન્સ્કી

 

ધુમ્મસિયા શેરી

 

હવા કબૂતરનાં પીંછાં જેવી ભૂખરી ધોળી છે,

માછીમારની જાળના દટ્ટાઓ જેમ રહી રહીને ઉપર આવ્યા કરે

તેમ પોલિસ શેરીમાં દેખાયા કરે છે.

આબોહવા ધુમ્મસથી તરબતર છે.

આ કઈ સદી? આ કયો જમાનો? હું તો બધું ભૂલી જાઉં છું.

ઓથારમાં બને છે તેમ બધું કણ કણ થઈને ભાંગી પડે છે;

લોકો રેણ કર્યા વગરના ચાલી આવ્યા છે,

કશું અકબંધ રહ્યું નથી…

હું પગ ઢસડ્યે જાઉં છું, અથડાતો કૂટાતો જાઉં છું –

સાચી રીતે કહું તો હું રૂના ઢગલામાં ખૂંપી જાઉં છું.

નાક જ નાક, પાકિર્ંગ લાઇટ, બિલ્લાઓ ચમકે ને

ઝાંખા થાય

બધું જ ધૂંધળું, જાદુઈ ફાનસના ખેલમાં

હોય છે તેવું.

તમારી હેટનો પાસ ક્યાં છે, સાહેબ?

જો, જો, ખોટું માથું ધડ પર મૂકીને ચાલતા થશો નહિ.

હજુ જેના હોઠ હમણાં જ આપણા હોઠથી અળગા થયા હોય

એવી નારીની છબિ મનમાં અળપાઈ જાય,

યાદ કરતાં તકલીફ થાય

તેના જેવું કંઈક બની રહ્યું છે.

પ્રેમના ખણ્ડગ્રાસ ગ્રહણથી વિધુર, નિરાધાર –

છતાં તમારો, અને તો ય તમારો જરાય નહિ…

એ વિનસ હશે? ના – એ તો આઇસક્રીમ વેચનાર!

હું રસ્તાની પાળના પથ્થર જોડે અથડાઉં છું…

રસ્તે આવતા જતા જોડે અથડાઉં છું,

મને અચરજ થાય છે: એ લોકો મારા મિત્ર હશે?

આ તો આપણા દેશી ઇયાગો છે, કેવું ઓઠું લઈને સંતાય છે!

કેવા ખંધા છે!

અરે, આ તો તું છે, હે પ્રિય, આમ ત્યાં એકલી ધ્રૂજતી

ધ્રૂજતી ઊભી છે!

આ તારો ઓવરકોટ કેટલો બધો મોટો છે?

પણ તેં આ મૂછ કેમ ઉગાડી છે?

તારા વાળ ઊગેલા કાન પર હિમ કેમ પડ્યું છે?

હું ઠોકર ખાઉં છું, લડખડાઉં છું, છતાં મંડ્યો રહું છું.

કાળું ઘોર અંધારું, અંધારું… ક્યાંય કશું સૂઝતું નથી.

આ ધુમ્મસમાં તમારા ગાલ સાથે ઘસાયો તે ગાલ કોનો?

અલ્યા એ ય!

આ ભારે હવામાં આપણો અવાજ ઝાઝો દૂર જાય તો ને!

જ્યારે ધુમ્મસ વિખેરાશે ત્યારે બધું કેવું ઉજ્જ્વળ,

કેવું વિરલ લાગશે!

 

એતદ્: મે, 1979


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.