117 એલિઝાબેથ જેનિંગ્સ

આખરે તારા મનનો એ ભય, એ ફરિયાદ – એની વાત તેં કરી નાખી ત્યારે તેં શું એમ માની લીધું કે ‘માફ કરજે, આ બધું ભૂલી જજે’ એમ વ્હાલભર્યા શબ્દોથી કહેવા માત્રથી જ એ બધું સદાને માટે ચાલ્યું જશે?

ના, એવું તો નહોતું. એ હતાશાની પળોમાં ઓચિંતાના આમ પકડાઈ જવાથી તને શરમ લાગી; એક કરતાં વધુ પુરુષોના પ્રભાવથી પરવશ થયા બદલ તને શરમ લાગી – તું કેમ જાણે પ્યાદું કે ઢીંગલી માત્ર ન હોય!

આમ છતાં જો તેં એ બધાંને ચાહ્યા હોય ને એ બધાંએ તને ચાહી હોય, પ્રેમ પ્રદશિર્ત કરવાને માટે કાળજીપૂર્વક શોધેલા શબ્દોથી વિશેષ તને ચાહી હોય, ને તારી નજર સામે ઊઘડતી વિશ્વાસથી ભરેલી સૃષ્ટિ – એમાં ક્યાંક ભય સંતાઈને તારી રાહ જોઈ રહ્યો હોય, તો શું તારી પુરાણી ઇચ્છા જ ફળી એવું તને નહીં થાય?

પણ આ બધામાં એકાદ એવો નહીં હોય જે તને એમ કહી શકે: ‘મારા સુખ કરતાં ય હું વિશેષ છું?’

એતદ્: જુલાઇ, 1978


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.