115 રુથ વ્હિટમાન

1

 

મારી કવિતા પર કાળો કાળો કરોળિયો

હું તને ગભરાવી મૂકવા જતો હતો,

પણ હવે તને વિનવું છું:

થંભી જા!

મને તારી જ જરૂર છે.

આ કાવ્યને ખરેખર પગની જરૂર છે, આંખથી ઝડપી લે એવા પગ.

ને લાળમાંથી ગુંથાતા જાદુઈ તારથી ભરેલા ઉદરની જરૂર છે –

જે કાંઈ ઊડીને ભાગી જાય તેને

પકડીને ધરી રાખે એવા જાદુઈ તાર.

વગર નોતર્યે તું જે રીતે આવે છે, પ્રગલ્ભતાથી

ને કરોળિયાના જેવી જ ઝડપથી તે ય મને ગમે છે;

ને પછી તો તું ખરેખર પાનાંની

વચ્ચોવચ સ્થિર બનીને ઊભો રહી જાય છે.

બસ,

મારે આટલાની જ જરૂર છે

કૃપા કરીને ચાલ્યો જઈશ નહીં.

2

 

ત્રણ પત્રો

 

પવનના સમુદ્રો

પાંદડાંથી છવાયેલાં વૃક્ષોમાં થઈને રેલાય છે.

બે પત્રો આવ્યા:

એક કહે છે: હા, બીજો કહે છે: ના.

‘ના’ કહે છે, દિલગીર છું, પણ –

‘હા’ની વાત સાચી હોય એમ લાગે છે

પણ એ નર્યો પવન જેવો લાગે છે.

પવનના સમુદ્રો

પત્રમાં થઈને રેલાઈ ગયા.

પવનિયો પત્ર જે ‘હા’ કહેતો લાગતો હતો.

તેણે થોડા બખિયા ઉકેલી નાંખ્યા છે.

સમુદ્ર જ જડતો નહોતો

ને પાંદડાં ય નહીં.

જે પત્ર આવ્યો નહીં તે કહેતો હતો:

હું તને ચાહું છું, પણ –

પવનના સમુદ્રો

શૂન્ય અવકાશમાં થઈને રેલાઈ ગયા.

ગૂંૂથી લો, ઘૂમરી ખાઈને વહેવા દો એને.

પાંદડાં પર એ પત્ર લખાયો છે.

મારા સૂના ઓશીકા પર થઈને એ રેલાઈ જાય છે

– સમુદ્રો, સમુદ્રો.

 

એતદ્, જુલાઇ: 1978


License

સુરેશ જોષીનું સાહિત્યવિશ્વ - કાવ્ય Copyright © by સુરેશ જોષી. All Rights Reserved.