આગમન
ગુલાબમાં તારી શય્યા છે, પ્રિયા! સૌરભના પૂરમાં સામા વ્હેણે તરવામાં હું તને ખોઈ બેસું છું ને હવે ગર્ભના ત્રણ ગુણ્યા ત્રણ જેટલા કાળનો આ અન્ધારભર્યો વિચ્છેદ! પણ એમાં તળિયે ડૂબકી મારીને હું ફરીથી નવજન્મ પામીશ. ને એક ક્ષણમાં, એટલે કે કેટલા બધા યુગ પછી, આ નવજન્મના ઉત્સવે નવો સ્પર્શ આપણે અનુભવીશું, ને એકાએક તારા મુખ સામે ઊભા રહીને તારી ઊંચે વાળેલી દૃષ્ટિમાં હું મારો નવો જન્મ પામીશ.
વિદાય
ખોવાયેલાથી પણ વધુ ખોવાયેલી, મૃતથી પણ વિશેષ મૃત, મને અજાણ્યા એવા બીજા નામમાં એકરૂપ થઈ ગયેલી, હવે તને કદી પહેલાંની જેમ જાણી શકીશ ખરો? કઈ હતી એ ક્ષણ જ્યારે એક પણ શબ્દ હોઠે આવતો અટકી ગયો, ને તને દૂર સરી જતીને સાદ દેતાં મારામાં રહેલા કશાક ઉન્માદે મને રોક્યો? કદી દૃષ્ટિગોચર નહીં થવા નિર્માયેલા કોઈ તારાની જેમ તું રહીરહીને સદાય દૂર રહીને તારા એ દુર્ગમ માર્ગ તરફ મને ખેંચ્યા કરે છે.
દૂરના વિદેશમાં રહીને, જેની તને કશી પડી નથી તે ક્ષિતિજને ઉલ્લંઘીને મીટ માંડીને બેસી રહેલી તું કોણ છે? આપણા બેમાં એક વસ્તુ સમાન છે: હું મારા એકાન્તમાં પરિભ્રમણ કરું છું, ને તું એ એકાન્તમાં સદાય છે.
આપણા બે વિશે હું માત્ર આટલું જાણું છું, ને છતાં કદાચ કોઈ એવો દેવદૂત હશે જે આપણને અભિન્ન ગણે છે – જો આપણે વિયોગનું દુ:ખ સહન કરતાં હોઈશું તો એની એને જરૂર ખબર પડશે.
મારી અન્ધકારભરી સ્ખલનની ગર્તામાંથી તું મધુરતાથી મને ઓળખનારા તારા મુખની સમીપ ઊંચે લઈ જા. તારા આલંગિનથી થતો આનન્દ મારા હૃદયના ગમ્ભીર મર્મસ્થાને કેવો વ્યાપી જાય છે તે મને યાદ આવે છે.
એ સ્થાનેથી મારું પતન થયું, કેમ જાણે મેં તને કદી જાણી જ નહીં હોય! મેં જે ખોયું તેને મોઢે મારા હૃદયને કેવા તો આશ્વાસનથી ફોસલાવ્યા કર્યું! તારામાં આટલી ઉત્કટતાથી એકરૂપ થઈને ભળી ગયેલી મારી જિન્દગી – એને તેં તારા મુખ સુધી લાવીને બરાબર ચૂમી નહિ.
તને ક્રૂર બનીને દમ્યા કરતી ઉગ્ર ઝંખના હવે મારી શિરાઓને ભેદી નાખીને તારું નામ દઈ સાદ પાડ્યા કરે છે. પણ તારો પ્રેમ સુધ્ધાં શૂન્યને આમ જ ભેદીને એકાન્તને બેમાં વિભક્ત કરી નાખતો હશે?
વેદી
તારા નિકટ આવ્યા પછી મારી કાયા કેવી કુસુમિત થઈને વધુ ને વધુ સૌરભ વિખેરતી રહે છે. જો, હવે મારી ચાલમાં પણ ઋજુતા ને નાજુકાઈ આવી ગયાં છે, ને તું તો માત્ર થંભી ગઈ છે – તો તું છે કોણ?
જો: હું તારાથી કેટલે દૂર રહી ગયો છું તેનો મને અનુભવ થવા લાગ્યો છે. જે કાંઈ પહેલાં હતું તે હવે પાંદડે પાંદડે ખરતું જાય છે. કેવળ તારું સ્મિત તારાની જેમ તારી ઉપર ઝળુંબી રહ્યું છે ને થોડા સમયમાં મને પણ આવરી લેશે.
બાળપણનાં એ વર્ષો, નામહીન ચળકતાં જળ જેવાં એની પાસેથી હું શી અપેક્ષા રાખી શકું? એની વેદી પર હું તને તારું નામ અર્પીશ. એ વેદી તારા ચળકતા વાળના અગ્નિથી પ્રદીપ્ત થઈ ઊઠી છે ને એને તારાં સ્તનની માળા હળવેથી ધરવામાં આવી છે.
એતદ્, જાન્યુઆરી: 1978
આજે આખોય દિવસ કેવળ તારે જ ખાતર હું
ગુલાબનો સ્પર્શ માણ્યા કરીશ, કેવળ તારે ખાતર.
કેવળ તારે ખાતર ફરી એક વાર જેને લાંબા
(આહ, કેટલા લાંબા) સમય સુધી સ્પર્શ્યા નથી
તે ગુલાબના સ્પર્શને માણીશ.
બધી ગુલાબદાની ખીચોખીચ ભરી દઈશ, એકની
પર એક એમ સો સો ગુલાબોથી એને
ભરી દઈશ, જેમ એક ખીણ બીજી ખીણમાં
ગોઠવાઈ હોય છે તેમ.
રાત્રિની જેમ કદી ભુંસાય નહિ એવી રીતે,
સમપિર્ત થઈ ચૂકેલા દૃષ્ટિપાતોને પરવશ
કરી નાખીને, ઉપરના વિશાળ વિસ્તારના
તારાની જેમ, જેઓ પોતાની ઉજ્જ્વળતાથી
જ કેવળ પોતાને બુઝાવી શકે. ગુલાબભરી
રાત, ગુલાબભરી રાત. ગુલાબોની રાત,
અનેક ઉજ્જ્વળ ગુલાબોથી ભરી ગુલાબથી
પ્રકાશિત રાત્રિ. ગુલાબી પાંપણોની
નિદ્રા… એવી જ ગુલાબી ચળકતી નિદ્રા,
હું હવે તારી નિદ્રાનો સૂનારો
તારી સુવાસમાં સૂનારો, તારી શીતળ
ઉત્કટતાનાં ઊંડાણોમાં સૂનારો. હવે હું એ
તને સાચવવા આપું છું. મારા અસ્તિત્વની
ઉત્કટતાને તારા વિના કોણ આલિંગનથી
આવરી લઈ શકે? મારું ભાવિ તારી અતાગ
વિશ્રાન્તિમાં સદા વિસ્તાર પામતું રહો.
એતદ્, જુલાઇ: 1978
ભય
હવાના એકેએક કણમાં ભયાનકનો સ્પર્શ! એ કશુંક પારદર્શી હોય તેમ તમે એને શ્વાસ સાથે અંદર લઈ લો છો; પણ અંદર જતાંની સાથે જ એ ઘનીભૂત થવા માંડે છે, કઠિન બને છે, તમારા અવયવો વચ્ચે એ અણીદાર ભૌમિતિક આકારો ધારણ કરીને વ્યાપી જાય છે. કારણ કે ફાંસીના માંચડા પર, સીતમ ગુજારવાની કોટડીઓમાં, પાગલખાનામાં, શસ્ત્રક્રિયાના ઓરડામાં શિશિરની ઢળતી સાંજે પુલની કમાનોની નીચે જે કાંઈ યાતનાયંત્રણા માનવીએ સહ્યાં હોય છે તે જિદ્દી બનીને અવિનાશી થવા મથે છે; એની ભયાનક વાસ્તવિકતાને, બીજું જે કાંઈ વાસ્તવિક છે તેને માટેની પ્રચણ્ડ ઈર્ષ્યાપૂર્વક, બાઝી પડીને એ સૌ ટકી રહેવા મથે છે. લોકોને તો આમાંનું ઘણું ઘણું ભૂલી જવાતું હોય તે ગમે; આ બધાંએ મગજમાં જે આંકા પાડ્યા હોય છે તેને નિદ્રા કાનસ ઘસીને સપાટ કરી દે છે; પણ સ્વપ્નો નિદ્રાને દૂર ભગાડી મૂકે છે ને બધા આંકાની ફરી ધાર કાઢે છે. ને પછી આપણે સફાળા ધડકતી છાતીએ જાગી ઊઠીએ છીએ; દીવાની ઝાંખી શી જ્યોતને અન્ધકારમાં ઓગળી જવા દઈએ છીએ ને સાંજ વેળાની નિ:સ્તબ્ધતાને શરબતની જેમ ગટગટાવી જઈએ છીએ.
પણ આ સહીસલામતી કેવી તો સાંકડી ધાર પર ટકી રહી હોય છે! સહેજસરખાં હલનચલનની સાથે જ આપણી દૃષ્ટિ પરિચિત અને આત્મીય લાગતી વસ્તુઓને ઉલ્લંઘી જઈને અગોચરમાં ડૂબકી મારી જાય છે. ઘડી પહેલાં જે આકારો હૃદયને ધરપત આપતા હતા તેના ભયાનક રૂપની રેખાઓ સ્પષ્ટ ઊપસી આવતી દેખાવા લાગે છે. અવકાશને વધુ પોકળ બનાવતા પ્રકાશથી હંમેશાં સાવધ રહેજો; તમે બેઠા થવા જતા હો ત્યારે તમારી સાથે જ કોઈક પડછાયો પણ બેઠો થઈને તમારા પર એનો દોર ચલાવતો નથી ને એવા કુતૂહલને વશ થઈને તમારી આજુબાજુ નજર ફેરવશો જ નહીં. એના કરતાં તો અંધારામાં પડ્યા રહેવું સારું. એમાં તમારું વણપુરાયેલું હૃદય, ભાર શેનો છે તે જાણ્યા વિના, એને આખો ને આખો ઉપાડી લેવા તૈયાર હોય છે. પછી તમે કંઈક સ્વસ્થ બનો છો; તમારા પોતાના હાથ આગળ જ તમારા અસ્તિત્વની સરહદ પૂરી થતી લાગે છે.
કંઈક અનિશ્ચિતતાથી તમારા મુખની રૂપરેખાને તમે રહીરહીને ઉકેલવા મથો છો; તમારામાં ભાગ્યે જ ઝાઝી ખાલી જગ્યા રહી હોય છે; એટલા સાંકડા અવકાશમાં બહુ મોટું કશું પોતાને પ્રસારીને રહી નહીં શકે એ જાણીને તમે વિશ્વાસી બનો છો. જેને વિશે પહેલાં કશું સાંભળ્યું નથી એવું કશુંક પણ જો તમારામાં પ્રવેશવા ઇચ્છતું હોય તો આ સાંકડા પરિમાણમાં સમાઈ શકે એ માટે એને પણ પોતાની જાતો સંકોચીને જ પ્રવેશ કરવાનો રહે. પણ બહાર – બહાર તો એને કશી મર્યાદા નડતી જ નથી. ને બહારની સપાટી જ્યારે ઊંચે વધતી જાય છે ત્યારે તમારામાં પણ એ ઊંચી આવી રહી હોય એવો અનુભવ થાય છે – રગમાં નહીં (એના પર તો તમારો કંઈક કાબૂ હોય છે), પ્રમાણમાં નિષ્ક્રિય એવા તમારા બીજા અવયવોમાં નહીં, પણ તમારી કેશવાહિનીઓમાં: એ કેશવાહિનીઓ દ્વારા તમારા અનન્ત શાખાપ્રશાખાવાળા અસ્તિત્વમાં બાહ્યતમ અંશોમાં પણ એ વિસ્તરી જશે. અહીં એ ઊંચે ચઢે છે તો વળી બીજે ક્યાંક એ અમારા ઉપર થઈને ચાલી જાય છે, તમારા શ્વાસથીય ઊંચે ચઢે છે – ને એ તો તમારે માટે ભાગી છૂટવાનો છેલ્લો છેડો છે! પછી ક્યાં જવું? ક્યાં ભાગવું? તમારું હૃદય તમારામાંથી તમને બહાર ભગાડી મૂકે છે, તમારો પીછો પકડે છે, તમે લગભગ બેબાકળા બની જાવ છો, ને તમે ફરી પાછા તમારામાં પ્રવેશ કરી શકતા નથી. કચડાઈ ગયેલા જીવડાની જેમ તમે તમારા કાચલાની બહાર નીકળી આવો છો ને તમારી એ કઠિન ત્વચા તથા પ્રતિકૂળતા સામે ટકી રહેવાને કેળવેલી શક્તિનો કશો જ અર્થ રહેતો નથી.
હે શૂન્ય રાત્રિ! બહાર નજર નાંખતી ઝાંખી બારી! કાળજીથી વાસેલાં દ્વાર! દીર્ઘ કાળથી ચાલી આવતી રીતરસમો (જેને અનુકૂળ બનાવીને સ્વીકારતા આવ્યા છીએ પણ કદી પૂરેપૂરી સમજી શક્યા નથી), વાવની અંદરની નિ:સ્તબ્ધતા, બાજુના ઓરડામાંની નીરવતા ઉપરની છત સુધી પ્રસરેલી શાન્તિ! ઓ માતા, તું જ એકલી એ બધી શાન્તિને બાજુએ હડસેલીને મારી પાસે આવતી, એને માથે લઈને કહેતી: ‘ભય પામીશ નહીં; એ તો હું છું.’ ભયથી છળી મરતા બાળક આગળ, મધરાતે, ખુદ શાન્તિ બનીને ઊભા રહેવાની તારામાં મગદૂર હતી. તું દીવો પ્રકટાવતી ને ત્યારે એ અવાજ તે તું પોતે જ હતી તેની ખાતરી થતી. તું દીવો ધરીને કહેતી: ‘એ તો હું છું; ભય પામીશ નહીં. પછી તું દીવો ધીમે ધીમે નીચે મૂકી દેતી, ને ત્યારે એ તું જ છે એ વિશે મનમાં શંકા રહેતી નહીં. આ પરિચિત આત્મીય વસ્તુઓને ઘેરી વળતો પ્રકાશમય પરિવેશ તું જ છે. એ કારણે જ એ વસ્તુઓ કશો આગળપાછળનો વિચાર કર્યા વિના, પૂરી નિશ્ચિન્તતાથી આમ સરળ અને ભલી બનીને અસન્દિગ્ધ રૂપે ઊભી રહી છે. ને દીવાલ પર કશુંક સળવળી ઊઠે છે કે કોઈકનાં પગલાં સંભળાય છે ત્યારે તું સહેજસરખું સ્મિત કરે છે – તારી તરફ વળીને એ અવાજનો અર્થ શોધતી ભયગ્રસ્ત દૃષ્ટિએ તાકી રહેલા એ શિશુના મુખ આગળ તું, પ્રકાશના એ પરિવેશ વચ્ચે તારું પારદર્શી સ્મિત ધરી દે છે. કેમ જાણે તું, કશીક ગુપ્ત યોજનાનુસાર, એ બધા દબાયેલા અવાજો સામે સંતલસમાં નહીં હોય!
આ પૃથ્વીના શાસન કરનારાઓ પાસે તારામાં છે એવી શક્તિ છે ખરી? જોને, રાજાઓ પોતે પણ ભયથી સડક થઈને લાકડા જેવા પડ્યા છે; ભાટચારણની કથાઓથી પણ એમનો ભય ભાંગતો નથી. એમની પટરાણીઓની સુખભરી હૂંફવાળાં વક્ષસ્થળમાં લપાવા છતાં ભય એમનામાં પ્રસરતો જ જાય છે. ને એમને સાવ લૂલા ને અશક્ત બનાવી દે છે. પણ તું તો આવતાંવેંત એ રાક્ષસને તારી પીઠ પાછળ ધકેલી દઈને, એને પૂરેપૂરો ઢાંકી દઈને (પડદાના જેમ ઢાંકીને નહીં, એ તો પવન આવતાં ખસી જઈને એની પાછળ રહેલી વસ્તુને છતી કરી દે છે) મારી આગળ ઊભી રહે છે. તને સાદ દઈને બોલાવતાની સાથે જ દોડી આવીને તું એ રાક્ષસને પકડી પાડીને પાછળ પાડી દે છે. કશું ય બને કે સંભવે તે પહેલાં, ક્યારની ય, તું અહીં આવી પહોંચે છે; તારી પાછળ હોય છે કેવળ અહીં દોડ્યા આવવાની અધીરાઈ, એક અનંત કેડી, તારા વાત્સલ્યની દોડ.
ક્ષિતિજ: જુલાઈ, 1962