ગભીર – પવનોભરી રાત હતી કાલે – અસંખ્ય નક્ષત્રોની રાત;
આખી રાત વિસ્તીર્ણ હવા મારી મચ્છરદાનીમાં ખેલતી હતી;
મચ્છરદાની કદીક ફૂલી ઊઠી’તી મોસમી સમુદ્રના પેટની જેમ.
કદીક બિછાનું ભેદીને
નક્ષત્રો ભણી ઊડી જવા ચાહતી’તી;
કદીક કદીક મને એમ લાગતું હતું – અર્ધો ઊંઘમાં હોઈશ ત્યારે જ કદાચ–
જાણે માથા પર મચ્છરદાની નથી,
સ્વાતિ નક્ષત્રને ઘસાઈને નીલ હવાના સમુદ્રમાં ધોળા બગલાની જેમ એ–
ઊડી રહી છે!
એવી અદ્ભુત રાત હતી કાલની.
સમસ્ત મૃત નક્ષત્રો કાલે જાગી ઊઠ્યાં હતાં – આકાશમાં તલ માત્ર જગ્યા
ખાલી નહોતી;
પૃથ્વીના સમસ્ત ધૂસર પ્રિય મૃતજનોનાં મુખ એ નક્ષત્રોમાં જોયા છે મેં.
અંધારી રાતે પીપળાની ટોચે પ્રેમી નર-સમડીની શિશિરભીની આંખની જેમ ટમટમતાં હતાં સમસ્ત નક્ષત્રો;
ચાંદની રાતે બેબિલોનની રાણીના ખભા પરની, ચિત્તાના ચકચક થતા
ચામડાની, શાલની જેમ ચમકતું હતું વિશાલ આકાશ!
એવી અદ્ભુત રાત હતી કાલની.
જે નક્ષત્રો આકાશને વક્ષે હજારો વર્ષો પહેલાં મરી ચૂક્યાં હતાં
તે બધાં પણ કાલે બારીમાં થઈને અસંખ્ય મૃત આકાશને સાથે
લઈને આવ્યાં હતાં;
જે રૂપસુન્દરીઓને મેં એસિરિયામાં, મિસરમાં, વિદિશામાં મરી જતી જોઈ છે
તેઓ કાલે અતિદૂર આકાશના છેડા પરના ધુમ્મસમાં લાંબા ભાલા
હાથમાં લઈને હારબંધ ઊભી રહી ગઈ હતી જાણે –
મૃત્યુને દલિત કરવાને?
જીવનનો ગભીર જય પ્રગટ કરવાને?
પ્રેમનો ભયાવહ ગમ્ભીર સ્તમ્ભ ઊભો કરવાને?
સ્તમ્ભિત – અભિભૂત થઈ ગયો હતો હું,
કાલ રાતના પ્રબળ નીલ અત્યાચારે મને છિન્નવિચ્છિન્ન કરી નાખ્યો હતો જાણે;
આકાશની વિરામહીન વિસ્તીર્ણ પાંખની અંદર
પૃથ્વી કીટની જેમ ભુંસાઈ ગઈ હતી કાલે!
અને ઉત્તુંગ પવન આવ્યો હતો આકાશના વક્ષેથી ઊતરીને
મારી બારીની અંદર થઈને સાંય સાંય કરતો,
સિંહના હુંકારથી ઉત્ક્ષિપ્ત હરિત પ્રાન્તરના અજસ્ર જિબ્રાની જેમ!
હૃદય ભરાઈ ગયું છે મારું વિસ્તીર્ણ ફેલ્ટના હરિયાળા ઘાસની ગન્ધે,
દિગન્ત પ્લાવિત બલિયાન આતપની ગન્ધના ગ્રહણે,
મિલનોન્મત્ત વાઘણની ગર્જના જેવા અન્ધકારના ચંચલ વિરાટ
સજીવ રોમશ ઉચ્છ્વાસે
જીવનની દુર્દાન્ત નીલ મત્તતાએ!
મારું હૃદય પૃથ્વીને છેદીને ઊડી ગયું,
નીલ હવાના સમુદ્રે સ્ફીત મત્ત બલૂનની જેમ ઊડી ગયું,
એક દૂરના નક્ષત્રના કૂવાથંભને તારાએ તારાએ ઉડાવી લઈ ગયું
કોઈ દુર્દાન્ત પંખીની જેમ.