આ વરસાદ
પડે છે તે બસ પડ્યે જ જાય છે!
આ કલાકના ઘંટા
બજે છે તે બસ બજ્યે જ જાય છે!
બારી બહારની કેળ
ટીપે ટીપે ધ્રૂજે છે;
અંદરનો આ દીવો
રહીને રહીને થરકે છે;
નથી ઘડાતો ઘાટ સપનાંનો,
નથી સળ સરખી કરાતી
વેદનાની કરચલીઓની!
શી રીતે સાંભળી રહેવાય આ વરસાદની ધારાને?
સૂના સૂના ચોકમાં એ તો છેક
સવાર સુધી
ટપક્યે જ જશે
ટીપે
ટીપે
ટીપે
ટીપે.