ધૈર્ય ધર હે વિષાદ મમ, જરા થાને સ્વસ્થ
સન્ધ્યાની તુ રાહ જુએ? આવી લાગી એ તો જોને નભે.
ધૂસર કો આચ્છાદન ઢાંકી દિયે નગરીને
કોઈકને દિયે શાન્તિ, કોઈકને કરે ચિન્તાગ્રસ્ત.
લોકડિયાંતણાં ટોળાં હાંકી જાય આમોદપ્રમોદ –
નિષ્ઠુર જલ્લાદ જાણે ચાબુકના ફટકારે!
દાસ સહુ રંજનના, લણે નર્યો પશ્ચાત્તાપ
ઝાલ મારો હાથ હે વિષાદ, ચાલ દૂર અહીં થકી.
જોને પણે સ્વર્ગતણે ઝરુખેથી ઝૂકી રહ્યાં વીત્યાં વર્ષ,
કેવાં જીર્ણ વસ્ત્રો એનાં, ઊપટી ગયો છે રંગ
અનુશોચના જ્યાં ધારી સ્મિત હોઠે જળ થકી ઊંચકે છે શીશ,
મુમૂર્ષુ આ સૂર્ય ઢળી પડે અહીં તોરણની નીચે
ઓઢાડતું હોય જાણે કફન કો પૂર્વાકાશે
સુણ પ્રિયે, એમ હળુ ઢળી આવે રાત હવે.