અવતરણ
આ પુસ્તક(2016)માં ઉત્તમ વિવેચકો, વિચક્ષણ વિચારકો અને પ્રતિભાવંત સર્જકોના વિવિધ વિષયો પરના વિચારઅંશો ઝિલાયેલા છે. એથી આ નાનું પુસ્તક ખૂબ સમૃદ્ધ બન્યું છે. આ વિચારોની પસંદગી તથા વિષયક્રમને આધારે ઇચ્છિત મુદ્દો શોધીને વાંચી શકવાની યોજના આ સંગ્રહને વિશિષ્ટ બનાવે છે. એક બીજા અર્થમાં આ સંપાદન મુક્ત સંચય છે. એથી નિજાનંદે કોઈપણ પાનું ખોલીને કોઈપણ વિચારને માણવાની અહીં સગવડ છે. વૌવિધ્ય અને વ્યાપ એકસાથે રજૂ થયાં હોવાથી વિવેચન અને વિચારનું એક ગતિશીલ ચિત્ર અહીં પ્રાપ્ત થાય છે.
વળી દરેક પાને તે તે વિચારના લેખક, એ અંશ જેમાંથી લીધેલો છે એ પુસ્તકનું નામ, પ્રકાશન વર્ષ – જેવી વિગતો નોંધેલી હોવાથી વધુ જિજ્ઞાસુ અભ્યાસીને મૂળ ગ્રંથ સુધી જવાની સગવડ પણ મળે છે. પુસ્તકને અંતે આપેલી લેખક-અનુવાદકોની અને ગ્રંથ-સામયિકોની સૂચિ વાચકને સહાયક બને એવી છે. આ પુસ્તક સંપાદનની શાસ્ત્રીયતાનું અને સંપાદકની સજ્જતાનું નિદર્શન આપે છે. પુસ્તકની મુદ્રણ-સજાવટ પણ કલાત્મક છે.
(પરિચય – કિશોર વ્યાસ)