કળાકાર અને ભાષા

મનુષ્યોને જે હૃદયની ભૂમિકાએ સંબોધવા મથે છે તે શબ્દના કલાકારનું કામ વિકટ બન્યું છે. વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સેતુ રચવા માટે જે ભાષા ખપમાં આવતી હતી તે હવે કામ આપતી નથી. ભાષાની કટોકટી સરજાઈ છે. બે કારણે : આજની પરિસ્થિતિ અંગે તીવ્ર સંવેદનો અનુભવતા શબ્દના કલાકારને એ સંવેદનો પહોંચાડનારી ભાષા સુલભ થઈ નથી. પિરાન્દેલોના ‘સિક્સ કૅરેક્ટર્સ’માંનો ફાધર કહે છે તેમ, શબ્દથી વ્યક્ત થતા અર્થનો આપણે સહિયારો આસ્વાદ લઈ શકીશું એવો ખ્યાલ એક ભ્રમણા છે. આપણે માનીએ છીએ કે આપણે એકબીજાને સમજીએ છીએ પણ ખરેખર આપણે સમજ્યાં હોતાં જ નથી. પ્રત્યાયન કોઈ વાસ્તવિક અર્થમાં સધાયું હોતું જ નથી. અને આ વિષાદપૂર્ણ અનુભવને લીધે મનુષ્ય વ્યક્તિ પોતે એકલી પડી ગઈ હોવાનું વિશેષ અનુભવે છે.

યશવંત શુક્લ

[સાહિત્ય પરિષદનું પ્રમુખીય વક્તવ્ય, સુરત, 1983]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.