સંપાદનનું મહત્ત્વ

મારી કૃતિઓ ‘કુમાર’ જેવાં અગ્રગણ્ય માસિકોમાં છપાવી શરૂ થઈ તે પ્રારંભિક કાળમાં હું પ્રેરણા ઉપર ખૂબ મદાર બાંધતો. એક જ બેઠકે કોઈ ચેકાચેકી કર્યા વિના કૃતિ સર્જવાની શક્તિનો મને ફાંકો હતો. અને એ લખાયા બાદ ક્યારેય એક કાનોમાતર કે અલ્પવિરામ ફેરવવાની જરૂર ન પડી તે વાતનો વળી વધારે ફાંકો હતો. મને દહેશત છે કે આવી શક્તિનો ફાંકો હજી પણ કોઈ પુખ્ત ઉંમરના હિંદીઓ રાખે છે. પ્રેરણા જેવું સર્જનમાં બીજું કંઈ બળ નથી એ તો પુરવાર છે. અને પહેલા જોશમાં લખાયેલા પદ્યમાં કે ગદ્યમાં વસ્તુ અને શૈલીનો નૈસગિર્ક વિનિમય હોય છે. પણ તેમ છતાં સંપાદનનું મહત્ત્વ બહુ જ મોટું છે તે હું મારા આધુનિક અંગ્રેજી સાહિત્યપ્રવૃત્તિના સમાગમથી પકડી શક્યો. વાચકને મન, વિવેચકને મન તો અંત-કડીની જ, એટલે કે સર્વ પ્રયત્નોને અંતે પાકા માલની જેમ જે રજૂ થાય છે તેની જ સાથે નિસબત છે. લેખકે એ એક જ બેઠકે સર્જી હોય કે એ કૃતિના અનેક પાઠ બનાવ્યા હોય, એમાં કાપકૂપ કે ઉમેરણી કરી હોય, વાક્યોને અહીંતહીં સમાર્યાં હોય, ફકરાઓનું કે કડીઓનું શિલ્પ સુઘટિત કર્યું હોય – એ મુદ્દાની હોડ નથી. મૂલ્યાંકન તો થવાનું અંતે છપાયેલી, પીરસેલી, પ્રત ઉપરથી.

કૃષ્ણલાલ શ્રીધરાણી

[‘પુનરપિ’ (1961)ને અંતે ‘કાવ્યવસ્તુવિસ્તાર’ માંથી]

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.