આરંભે બે વાત …

ગુજરાતી તેમજ અન્યભાષી વિવેચકો-વિચારકો-સર્જકોના પ્રભાવક અને વિશિષ્ટ વિચારઅંશોનો આ સંકલિત સંચય છે. ‘પ્રત્યક્ષ’ના છેલ્લા પૂંઠે, આવા વિચારખંડો મૂકવાનું રાખેલું અને વાચકોને એમાં રસ પડેલો – એકાદ વાર, કોઈ કારણસર એ ખંડ મૂકવાનો રહી ગયેલો ને તરત કેટલાકે પૂછેલું, આ વખતે વિચારખંડ કેમ નથી? ત્યારથી વિચારેલું કે આ બધા વિચારખંડોનું સંપાદન કરવું જોઈએ.

છેક 1991થી આ ક્રમ ચાલતો રહ્યો છે – પહેલો જ વિચારખંડ નર્મદનો જાણીતો ‘ટીકાવિદ્યા’ વિશેનો હતો. વચ્ચે પાંચ-સાત અંકોમાં, છેલ્લે પાને જાહેરખબરો લીધેલી ત્યારે, એ ક્રમ અટકી ગયેલો તે (જાહેરાતો ત્રીજે પૂંઠે લેવાનું રાખીને) ફરીથી તરત શરૂ કરેલો.

*

24 વર્ષમાં આવા અવતરણ-ખંડોનું પ્રમાણ ઠીકઠીક થયેલું. સંકલિત કરવાનું આવ્યું ત્યારે જોયું કે એમાંનાં કેટલાંક અવતરણો, પ્રાસંગિક હોવાથી, ન સાચવીએ તો ચાલે એમ હતાં. એટલે એને સ્થાને કેટલાંક નવાં ઉમેરી લીધાં. ને એમ 96 અવતરણો સંકલિત કર્યાં.

અવતરણો એકસાથે સામે આવ્યાં ત્યારે ખ્યાલ આવ્યો કે વિચારોનું, વિષયોનું, અભિવ્યક્તિનું કેટલું બધું ચિત્તાકર્ષક વૈવિધ્ય એમાં આવેલું છે! વળી, એ વિષયોની – લેખકોનાં વક્તવ્યોમાંથી પ્રગટતા મુખ્ય સૂરોની – યાદી કરી ત્યારે એમ થયું કે આનો જો વિષયક્રમ કર્યો હોય તો અભ્યાસીઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી પણ નીવડે. આ વિષયક્રમને આધારે તે તે અવતરણ-ઘટક સુધી પહોંચી શકાય અને અભ્યાસની જરૂરિયાત મુજબ એ વિચારોનું સંકલન કરી શકાશે.

જોકે, આ અવતરણ-સંચયનો પહેલો અને રસપ્રદ ઉપયોગ તો નિજાનંદી વાચનનો જ છે. કોઈ પણ પાનું ખોલતા જાઓ અને એમાંના વિચાર-વિશેષને માણતા જાઓ.

પરંતુ, એમ યથેચ્છ વાંચતાંવાંચતાં પણ અભ્યાસી-વિદ્યાર્થીઓના મનમાં આપણાં વિચાર-વિવેચનની સમૃદ્ધિનો તૃપ્તિકર સંચાર થતો જાય, એ પ્રયોજન અગ્રસ્થાને રહ્યું છે. પછી એમાંથી જ સંદર્ભો તરફ જતો રસ્તો ખૂલે એવી વ્યવસ્થા કરી છે. પ્રત્યેક અવતરણમાં લેખકનામની નીચે પુસ્તક-નામ, એનું વર્ષ, બન્યું ત્યાં એનો પૃષ્ઠક્રમ પણ મૂકેલાં છે. એનો આધાર લઈને મૂળ સ્રોત સુધી પહોંચી શકાશે.

છેલ્લે બે સૂચિઓ પણ મૂકી છે. લેખક (કર્તા, અનુવાદક) સૂચિ અને ગ્રંથ-સામયિક સૂચિ. આ અવતરણ-સંકલનનો વ્યાપ એનાથી સૂચવાય છે ને વળી, એમાં એક પ્રકારની વાચક-સહાયકતા પણ છે – લેખક કે પુસ્તકના તંતુએ પણ વાચક અવતરણ-ઘટકોમાં જઈ શકશે.

એક હાથવગી પુસ્તિકારૂપે આ સંપડાવવું હતું, એથી પુસ્તકનું નામ પણ કશા ભારવાળું નહીં, પણ સહજભાવે જ ‘અવતરણ’ રાખ્યું છે.

આશા છે કે વાચકોનાં ચિત્તહૃદયમાં આ અવતરણો પ્રસન્નતાપૂર્વક ઝમતાં રહેશે.

– રમણ સોની

વડોદરા; નવું વર્ષ 2072; તા. 12 નવે. 2015

ramansoni46@gmail.com

ફોન 922 821 5275

License

અવતરણ Copyright © by સંપાદક: રમણ સોની. All Rights Reserved.