તો આપણા સાહિત્યમાં આપણું વાસ્તવ કેવી રીતે ઝિલાયું છે તે પ્રશ્ન આજથી થોડા વખત પર જેટલો અજુગતો લાગતો, તેટલો આજે નથી. આપણને એ રીતે પ્રશ્ન ઉઠાવતાં રોકતાં પરિબળોમાંનું એક છે આપણું સ્વરૂપલક્ષી વિવેચન. પણ એથીય ઊંડું અને સાચું કારણ – આ મારી એક અટકળ જ હોઈ શકે – એ છે આપણો એક મૂલ્યવારસો. ‘ગુજરાતી સાહિત્ય ગુજરાતી જ રહે તો તે સાહિત્ય ન કહેવાય, તે તો દસ્તાવેજ કહેવાય. ગુજરાતી સર્જક ગુજરાતીપણાને ઓળંગીને જ્યારે વૈશ્વિક પરિમાણ સાધે, સાધવા તરફ જાય ત્યારે જ તે સાહિત્યકાર બને.’ આ આપણી આજ સુધીની એક વણતપાસાયેલી માન્યતા છે. આમ એક જાતની વધુ પડતી વૈશ્વિકતા, છવાઈ જવાનું વલણ, પણ આનું એક કારણ હોય. આપણે ત્યાં વાસ્તવવાદની એટલી ચર્ચા નથી થતી, જેટલી પ્રતીકવાદની થાય છે, તેની પાછળ આ સાંસ્કારિક પૂર્વગ્રહ પણ કામ કરતો હોય.
દિગીશ મહેતા
[સાહિત્ય અને સામાજિક વાસ્તવ – લેખ, ‘પરિધિ’(1976)]