સાહિત્યવિચારમાં અનેક પરિવર્તન થયાં છે, એનાથી રોમાંચ અનુભવવો એક વાત છે, એને સમજી-પચાવીને પોતાની નિષ્ઠા કેળવવી એ બીજી વાત છે. જ્યાં સુધી આ સમજવા-પચાવવાનું બનતું નથી ત્યાં સુધી બધિરતાનો જ અનુભવ થાય છે. વિજ્ઞાન ને મનોવિજ્ઞાન, સમાજશાસ્ત્ર ને નૃવંશશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, ભાષાવિજ્ઞાન ને સૌંદર્યમીમાંસા – એમ જ્ઞાનની જુદી જુદી શાખામાં એક પછી એક અનેક પરિવર્તન થયાં છે, એક પછી એક અનેક અભિગમ પ્રગટ્યા છે, એક પછી એક અનેક સિદ્ધાંત સ્થપાયા છે. પ્રત્યેક પરિવર્તનને, પ્રત્યેક અભિગમને, પ્રત્યેક સિદ્ધાંતને સમજવા-પચાવવાનું ખરેખર દુષ્કર છે ને છતાં સમજવા-પચાવવા જેવું તો છે જ, કારણ કે પ્રત્યેક પરિવર્તન, પ્રત્યેક અભિગમ, પ્રત્યેક સિદ્ધાંત કોઈક ને કોઈક નવી સૂઝ તો વ્યક્ત કરે છે, અનુભવની નવી દિશા ઉઘાડી આપે છે. જ્ઞાનની અનેક શાખાઓએ સૌંદર્યમીમાંસા, કલામીમાંસા, સાહિત્યમીમાંસા પણ કરી છે, ત્યારે કોઈક નવી સૂઝ વ્યક્ત કરી છે.
જયંત પારેખ
[ગુજરાતીનો અધ્યાપકસંઘનાં ‘પ્રમુખીય પ્રવચનો’ (1997)]